Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

'જેસ્સુ જોરદાર' આજથી એક સાથે ૧૫૦ સીનેમાઘરોમાં રીલીઝ

ફિલ્મમાં મને ડ્રીમ રોલ મળ્યો પછી મહેનત કરવામાં શું બાકી રાખુ : ભકિત કુબાવત : સાથી કલાકારોનો સહયોગ ખુબ સારો રહ્યો, ખુબ મજા સાથે ફિલ્મ પુરી કરી : કુલદીપ ગોર : નવી જ વાત લઇને ગુજરાતી ફિલ્મ બનાવી હોય ખુબ સારો પ્રતિસાદ : રાજન શર્મા : અમે જે ઉત્સાહથી ફિલ્મ તૈયાર કરી તેવો જ ઉત્સાહ હવે દર્શકો બતાવે : ભુપતભાઇ બોદર

રાજકોટ તા. ૧ : એક સાથે ૧૫૦ સીનેમાઘરોમાં ૪૦૦ શો સાથે રીલીઝ થઇ હોય તેવી ગુજરાતી ફિલ્મ કદાચ 'જેસ્સુ જોરદાર' પ્રથમ હશે. તેમ આજે 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન અનહદ ખુશી વ્યકત કરતા ફિલ્મ નિર્દેશક  રાજન આર. વર્માએ જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે ખુબ મહેનત સાથે ૩૫ દિવસમાં આ ફિલ્મ પુરી કરી છે. જેમાનું ૬૦% શુટીંગ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અને બાકીનું શુટીંગ મુંબઇ ગોવામાં પુર્ણ કર્યુ. ફિલ્મની અંદર આવતા બે ગીત 'વાલમ શું થયું' અને 'કયાંની ગાડી' ખુબ લોકપ્રિયતા મેળવી ચુકયા છે. ટ્રેલર સમયથી જ આ ગીતોએ ધૂમ મચાવી દીધી છે. ખાસ કરીને નવી જ વાત લઇને અમે આ ગુજરાતી ફિલ્મ તૈયાર કરી હોય લોકોને ખુબ ગમશે તેવો આશાવાદ રાખીએ છીએ.

ફિલ્મમાં મુખ્ય હીરોનું પાત્ર ભજવતા કુલદીપ ગોરે જણાવેલ કે આમ તો હું આ પહેલા 'ફેરાફેરી હેરાફેરી' ગુજરાતી ફિલ્મ અને 'બીગ બુલ' હિન્દી ફિલ્મ કરી ચુકયો છુ. પરંતુ આ 'જેસ્સુ જોરદાર' માં જે મજા આવી છે તે કયામી સંભારણું બની રહેશે. આનંદ આવવાનું કારણ એક તો સ્ક્રીપ્ટ પણ ખુબ સરસ લખાઇ છે. ઉપરાંત બીજુ કારણ ટીમવર્ક છે. સાથી કલાકારોનો આ ફિલ્મમાં ખુબ સારો સહયોગ રહ્યો. સૌએ હળી મળીને આનંદ કરતા કરતા આ ફિલ્મ પુરી કરી. મારો રોલ આ ફિલ્મમાં 'રાજ કનકીયા' નો છે. જે મેં બખુબી પૂર્વક નિભાવી બતાવ્યો છે.

ટાઇટલ જ જેમના પરથી બન્યુ એ ફિલ્મના મુખ્ય પાત્ર 'જેસ્સુ' ને પડદાના માધ્યમથી જીવંત બનાવનાર અભિનેત્રી ભકિત કુાબાવતે જણાવ્યુ હતુ કે હું પોતે સૌરાષ્ટ્રની જ છુ. એટલે વતનમાં ફિલ્મ કરવાની મને મજા આવી. એક ગુજરાતી છોકરી શું કરી શકે તેની આખી વાત આ ફિલ્મમાં રજુ થઇ છે. ટુંકમાં હવે જેસ્સુના સૌ કોઇ દાખલા દેતા થઇ જશે કે 'તુ જેસ્સુ જેવી થા'.

ભકિત કુબાવત કહે છે કે ફિલ્મના ડાયલોગ પણ લોકોને કાયમ યાદ રહી જાય તેવા લખાયા છે. 'તમે તો હસબન્ડ ...' આ ફિલ્મની પંચ લાઇન જેવો ડાયલોગ છે. તો 'કાશ પ્રેમ ભણતર જેવો હોત તો મા-બાપ કહેત ભણી લે' પણ ખુબ લોકપ્રિય થયો. 'મારી દાદી કહેતી..' રસપ્રદ ડાયલોગ બની રહ્યો છે. દાદી શું કહેતી એ જાણવા સૌએ ફિલ્મ નિહાળવુ પડે.

ભકિત કહે છે કે મેં આ પહેલા વીટામીન સી, બસ એક ચાન્સ, હુતુતુ, પહેલા અઢી અક્ષર... સહીત સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મો કરી છે. લોકડાઉન દરમિયાન જ એક હિન્દી ફિલ્મ 'રીગાર્ડઝ એન્ડ પીસ' કરેલ. પણ જેવી મજા ગુજરાતી ફિલ્મ 'જેસ્સુ જોરદાર'માં આવી તેવી કયાંય નથી આવી. અમારા સૌ માટે આ યાદગાર સંભારણું બની રહેશે.

ફિલ્મ નિર્માતા શોભના ભુપતભાઇ બોદરે જણાવેલ કે શિવમ - જેમીની એન્ટરપ્રાઇઝ પ્રા.લી. અને રામગોપાલ પ્રોડકશન દ્વારા આજથી રજુ થયેલ આ ફિલ્મ રોમેન્ટીક અને કોમેડી છે. તાજેતરમાં લોન્ચ થયેલ ટ્રેલર સાથે જ લોકોમાં છવાઇ ગયેલ છે.

ભુપતભાઇ બોદર અને જેમીનભાઇ બોદરે જણાવ્યુ હતુ કે અમે ખુબ ઉત્સાહભેર આખુ ફિલ્મ પૂર્ણ કર્યુ છે. હવે દર્શકો પણ એવો જ ઉત્સાહ બતાવે તેવી આશા રાખીએ છીએ.ફિલ્મમાં એક પાત્ર પરેશ પરમાભાઇ પટેલને મનોજ જોષીએ ન્યાય આપ્યો છે. સ્ટોરીને થોડી ગંભીરતા તરફ લઇ જવાનો હીસ્સો તેમણે બરાબર નિભાવી બતાવ્યો છે. ઉપરાંત રૂષિકેશ ઇંગલે, સુપ્રિયા કુમારી, નિલેશ પંડયા, ટોપ એફએમ તરફથી આર.જે. સલોનીએ પણ દમદાર અભિનય આપેલ છે. ફિલ્મનું સંગીત દાનિશ સાબરીએ પીરસ્યુ છે. ખુબ ફેમસ બનેલ ગીતોને સુરજ ચૌહાણ અને અર્પિતાએ સ્વર આપ્યો છે. સંવાદો બોલીવુડના લેખક બંટી રાઠોડે લખ્યા છે.

ઉપરોકત તસ્વીરોમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મ નિર્માતા શોભનાબેન બોદર અને ભુપતભાઇ બોદર (મો.૯૮૨૫૦ ૪૬૪૬૯) તેમજ બાજુની તસ્વીરમાં ફિલ્મના અભિનેતા કુલદીપ ગોર અને અભિનેત્રી ભકિત કુબાવતની વચ્ચે ફિલ્મ નિર્દેશક રાજન વર્મા તેમજ ત્યાર પછીની તસ્વીરમાં જૈમની બોદર અને નિલેશ ખુંટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)