Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રવિવારે રાજકોટના યુવા કલાકાર કૌશરહાજી શાસ્ત્રીય કંઠ્ય સંગીત પીરસશે

સપ્ત સંગીતિ વર્ચ્યુઅલ મ્યુઝીક કોન્સર્ટ : મુંબઈના કલાકારો તેજોવૃષ જોષી અને સુપ્રિયા જોષી હાર્મોનિયમ સંગત કરશે

રાજકોટ : શહેરની ઓળખ સમા સપ્ત સંગીતિ સંગીત સમારોહ, કોરોનાને લીધે વર્ષ ૨૦૨૧માં વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટ રૂપે પ્રસ્તુત થઈ રહ્યો છે અને શ્રોતાઓ છેલ્લા ૪ મહિનાઓથી દેશના વિવિધ ભાગોમાંથી ઉભરતા યુવા કલાકારોના વાદ્ય અને કંઠય સગીતને સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબના સોશ્યલ મિડિયાના માધ્યમથી ઘર આંગણે માણી રહ્યા છે. આ સમારોહની આગામી પેશકશમાં તા. ૦૩ ઓકટોબર, રવિવારના રોજ રાત્રે ૦૯ કલાકે સપ્ત સંગીતિના નવમા પ્રિમિયર શોમાં રાજકોટની યુવા કલાકારા કૌશર હાજીનું શાસ્ત્રીય કંઠય સંગીત રજુ થશે.

કલાકારા કૌશર હાજીનો પરિચય મેળવીએ તો, તેણીએ સંગીતની પ્રારંભીક થી વિશારદ સુધીની તાલીમ તેમના પિતા શ્રી અનવર હાજી પાસેથી મેળવી. કંઠય સંગીતમાં વિશારદની પદવી તેણીએ અખીલ ભારતિય ગાંધર્વ મહાવિદ્યાલાય, મુંબઈથી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ તેણી જાણીતા શાસ્ત્રીય ગાયીકા વિદુષી અશ્વીની ભીંડે દેશપાંડે પાસે જયપુર અત્રોલી ઘરાનાના કંઠય સંગીતની તાલીમ છેલ્લા ૧૧ વર્ષથી મેળવી રહ્યા છે. તેણીએ તેમના ગુરુ પાસેથી ઠુમરી, દાદરા, હોરી, અને ચૈતી ની તાલીમ મેળવી છે. તેણીએ ફ્કત સાડા ત્રણ વર્ષની ઉમરે પ્રથમ વખત દુરદર્શન પર પર્ફોર્મ કર્યુ હતુ. તેણી નવ વર્ષની ઉમરમાં સંગીત માર્તંડ પં. જસરાજજી જેવા દિગ્ગજ કલાકારો સામે વિરપુર ખાતે યોજાયેલ સમારોહમાં રાગમાલા પ્રસ્તુત કરી પંડીતજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેણી છેલ્લા ૬ વર્ષથી ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી આયોજીત શાસ્ત્રીય સંગીત સમારોહ ઉપરાંત ઘણા નામાંકીત કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી છે. તેણીએ સપ્ત સંગીતિ ૨૦૧૮ માં પણ પોતાની કલાનો પરિચય શ્રોતાઓને કરાવ્યો હતો.

આ કોન્સર્ટમાં તબલા સંગત કરનાર મુંબઈના યુવા કલાકાર તેજોવૃષ સુનિલ જોષી ને સંગીત તેમના સંગીતકાર પિતા શ્રી સુનિલ જોષી અને માતા શ્રીમતી શાલમલી જોષી કે  જેઓ જયપુર અત્રોલી ઘરાનાના જાણીતા કલાકારા છે, તેમની પાસેથી મળી છે. તેજોવૃષએ તેમની બાલ્ય અવસ્થામાં જ માતા સાથે તબલા સંગત કરવાનું શરુ કર્યું હતુ અને તેથી જ તેમને તબલાના મધુર તાલ અને લયના નાદ પ્રત્યે આકર્ષણ જનમ્યું અને તેથી જ છેલ્લા ૧૩ વર્ષથી તબલા વાદનમાં સારી પ્રતિભા ધરાવે છે. તેણે તબલાવાદનની તાલીમ ફરુખાબાદ ઘરાનાના ઉસ્તાદ અહમદજાન તિરખવા ખાન સાહેબના પુરોગામી સ્વ. પં. બાપુસાહેબ પટવર્ધન પાસેથી મેળવી છે.

કૌશર હાજી સાથે હાર્મોનિયમ સંગત સુપ્રિયા મોદક જોષી કરશે. તેણીએ મુંબઈની જાણીતી જે.જે.ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઇડ આર્ટથી બી.એફ.એ. ની પદવી મેળવી, પં. પ્રકાશ ચિટનિસ પાસેથી હાર્મોનિયમમાં વિશારદ  કર્યું છે. તેણીએ ૧૩ વર્ષ વિદુષી સિમા શિરોડકર પાસે તાલીમ મેળવી હાલમાં ડો. દિલિપ ગાયતોંડેજી પાસે તાલીમ મેળવી રહ્યા છે.  સપ્ત સંગીતિના માધ્યમથી ઉભરતા યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાને લોકો સન્નમુખ પ્રસ્તુત કરવા માટે મંચ પ્રદાન કરવાનો નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો પ્રયાસ છે. જુન મહિનાથી શરુ થયેલ આ મ્યુઝિક કોન્સર્ટમાં આગામી રવિવારે, તા. ૦૩ ઓકટોબરના રોજ રાત્રે ૦૯ કલાકે સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(3:22 pm IST)