Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

૧૫ વર્ષના ટાબરીયાને એક છોકરી ગમવા માંડી, તેનો સંપર્ક તૂટી જતાં ઝેર પી લીધું

મોલમાં નોકરીએ રહ્યો હતો ત્યાં એક છોકરી ગમી ગઇ પણ તે ઓચીંતી નોકરી મુકી જતી રહી

રાજકોટ તા. ૧: શહેરના ગોંડલ રોડ માલધારી ફાટક વિસ્તારમાં રહેતાં પંદર વર્ષના એક ટાબરીયાને એક છોકરી ગમવા માંડી હતી. પરંતુ આ છોકરી સાથેનો સંપર્ક ઓચીંતો તૂટી જતાં હાડોહાડ લાગી આવતાં તેણે ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું.

ઘટનાની વિગત મુજબ માલધારી ફાટક વિસ્તારમાં રહેતાં એક ૧૫ વર્ષના ટાબરીયાએ ગત સાંજે ફાટક નજીક રોડ પર ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રાતે સારવાર બાદ આ તરૃણને રજા આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ તરૃણ એકાદ મહિના પહેલા જ એક જાણીતા મોલમાં નોકરીમાં જોડાયો હતો. અહિ સાથે કામ કરતી એક છોકરી સાથે પરિચય થતાં તરૃણને એ છોકરી ખુબ ગમવા માંડી હતી. પરંતુ અચાનક જ થોડા દિવસ પહેલા આ છોકરી નોકરી છોડીને જતી રહી હતી.

આ પછી તરૃણે તેણીને શોધવા અને તેનો ફોન નંબર શોધવા પ્રયાસ આદર્યા હતાં. પરંતુ છોકરીનો સંપર્ક ન થતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ કારણે રોડ પર ઉંદર મારવાની દવા પી ગયો હતો. તેમ જણાવાયું હતું.

(11:51 am IST)