Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજકોટ ચેમ્બરની સામાન્ય સભા યોજાઇઃ ગત વર્ષનો નફો ૧૦ લાખ ઉપરઃ તમામ એજન્ડા સર્વાનુમતે પાસ

વાર્ષિક કામગીરીનો અહેવાલ, ઓડિટેડ હિસાબો અને અંદાજપત્રને બહાલી : સૌના સાથ સહકારથી ચેમ્બર પ્રગતિના પંથેઃ વેપારીઓના પ્રશ્નો ઉકેલવા ચેમ્બર સતત ખડેપગે : વી.પી.વૈષ્ણવ

રાજકોટ, તા.૧: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને તા.૩૦-૯-૨૦૨૨ના રોજ ચેમ્બરની ૬૮મી વાષિક સામાન્ય સભા ઓનલાઈન યોજાયેલ. જેમાં સમયસર કોરમ પુરૃ થઈ જતા એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ.

પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ સૌ સભ્યોનું હાર્દિક સ્વાગત કરી આપણે સૌ વાર્ષિક સભામાં ઓનલાઈન મળ્યા છીએ તે બદલ ખુશી વ્યકત કરી એજન્ડા મુજબની કાર્યવાહી શરૃ કરવા માનદ્દમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાને જણાવેલ. ગત વર્ષનો નફો ૧૦,૦૨,૬૯૪ રૃપિયા થયાનું જણાવ્યું છે.

ચેમ્બરના માનદ્દ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ સૌ સભ્યોને આવકારી એજન્ડા મુજબની કાર્યવાહી શરૃ કરી ગત વર્ષની વાર્ષિક સભાની મિનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

ત્યારબાદ ચેમ્બરના માનદ્દમંત્રીશ્રી  દ્વારા ૨૦૨૧-૨૨ના વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ ૧૧૨ જેટલી મિટીંગ-મુલાકાતો, સેમિનારો, ઓપન હાઉસ, ૭ર અખબારી યાદીઓ તેમજ ૧૨ કારોબારી સમિતિની મિટીંગ વગેરે કાર્યવાહીનો અહેવાલ રજૂ કરેલ. જેમાં રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ સેકટરોમાં પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર તથા રાજય સરકારમાં કરાયેલ રજુઆતો અને મિટીંગોની જાણ કરેલ. જેની સૌ સભ્યોએ સહર્ષ નોંધ લીધેલ.

ત્યારબાદ ચેમ્બરના ટ્રેઝરશ્રી વિનોદભાઈ કાછડીયાની સમંતીથી માનદ્દમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૧-૨૨ના ઓડીટેડ હિસાબો અને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર રજૂ કરેલ તથા ચાલુ વર્ષ માટે ઓડિટર તરીકે મે. ડી. વી. લાલચંદાણી એન્ડ કંપની નિમણુંકને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

ત્યાર બાદ પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવએ ઉદ્દબોધન કરતા જણાવેલ કે ચેમ્બરના તમામ સભ્યોનો ઓડિટેડ હિસાબો તથા અંદાજપત્ર વિગેરેને સર્વાનુમતે મંજુર કરવા બદલ આભાર વ્યકત કરેલ. રાજકોટ ચેમ્બરની કામગીરીથી તમામ સભ્યશ્રીઓ સંતુષ્ટ છે. રાજકોટ ચેમ્બરે ગત વર્ષમાં કોરોનાના કપરાકાળ દરમ્યાન ઈન્ડસ્ટ્રીઓ શરૃ કરાવવી, વેકશીનેશન કેમ્પો કરવા, રાત્રી કર્ફ્યુમાં રાહત આપવા જેવા વિવિધ પ્રશ્નો અંગે રજુઆતો કરેલ જેમાં સંપુણપણે સફળતાઓ મળેલ છે. સાથો સાથ કોરોનાના કપરાકાળ દરમ્યાન તમામ રીજીઓનલ ચેમ્બરોમાંથી રાજકોટ ચેમ્બરે સરાહનીય કામગીરી કરેલ છે તેની સહર્ષ નોંધ મા.મુખ્ય મંત્રીશ્રીએ પણ લીધેલ. જે માત્ર આપ સૌ સભ્યો મિત્રો તથા કારોબારી સભ્યોના સાથ અને સહકારથી શકય બનેલ છે. આ મહામારીમાંથી આપણે સૌ બહાર નિકળી ગયા છીએ ત્યારે રાજકોટના વેપાર-ઉદ્યોગનો વધુ વિકાસ થાય અને ભારતમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન હોય અને તેમાં રાજકોટ સહભાગી બને તે માટે આપણે સૌ પ્રયાસ કરીશું. વધુમાં રાજકોટ કલેકટરશ્રીની વિનંતીથી આગામી સમયમાં થનાર ચૂંટણીમાં વેપાર-ઉદ્યોગકારો સ્વૈચ્છીક બંધ રાખી વધમાં વધુ મતદાન કરે તેવું આહવાન કરેલ. રાજકોટ ચેમ્બર વિવિધ ક્ષેત્રને લગતા સેમીનારો-મિટીંગો યોજે છે તેમજ વેપાર-ઉદ્યોગ અને આમ પ્રજાના ઉદભતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા કેન્દ્ર તથા રાજય સરકારમાં એક સેતુ બની કાર્ય કરી રહયું છે. ત્યારે આપ સૌ સભ્યોને કોઈપણ પ્રશ્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા જણાવેલ.એજન્ડા પ્રમાણે સંપુર્ણ કાર્યવાહી પુરી થતા આભાર વિધી ચેમ્બરના માનદ્દમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

(4:43 pm IST)