Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બેડી નજીક ‘હિટ એન્ડ રન’: થોરાળાનું વૃધ્ધ દંપતિ ખંડિતઃ શાંતાબેનનું મોત, પતિનો બચાવ

પતિ વાઘજીભાઇનો બચાવઃ બાઇકમાં બેસી વાડીએ જતી વખતે અજાણ્યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૧: મોરબી રોડ પર બેડી નજીક ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં નવા થોરાળા વિજયનગરનું વૃધ્ધ દંપતિ ખંડીત થયું છે. કાર ચાલક બાઇકને ઉંલાળીને ભાગી જતાં પત્નિનું મોત નિપજ્યું હતું, જ્યારે પતિનો નજીવી ઇજા સાથે બચાવ થયો છે.
જાણવા મળ્યા મુજબ વિજયનગરમાં રહેતાં વાઘજીભાઇ વશરામભાઇ પારઘી (ઉં.વ.૭૧) તા. ૨૫ના રોજ સવારે પોતાના પત્નિ શાંતાબેન (ઉં.વ.૬૯)ને પોતાના બાઇકમાં બેસાડીને પોતાની વાડીએ મિતાણા જવા નીકળ્યા હતાં. એ વખતે બેડી નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યો કાર ચાલક બાઇકને ટક્કર મારી ભાગી જતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં પતિને સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે પત્નિ શાંતાબેનને ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. પતિ વાઘજીભાઇ નિવૃત જીવન જીવે છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

 

(10:39 am IST)