Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજકોટની ઉત્કર્ષ ઇસ્પાતની અનેક સ્થાવર-જંગમ મિલ્કતો ટાંચમાં લઇ નડીયાદથી નિરજ જયદેવ આર્યની ધરપકડ

અગાઉ નિરજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી ફરાર થઇ ગયો'તો : હાલ ૩૧ કરોડથી વધુની ખોટી વેરાશાખા ખૂલી

રાજકોટ, તા. ૧ :  ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.ના વિવિધ સ્થળોએ સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બીલો મેળવી ખોટી વેરાશાખ ભોગવેલ હોવાનું ધ્યાને આવેલ. તપાસની કાર્યવાહી દરમ્યાન મોટાપ્રમાણમાં હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ, જેની ચકાસણી હાલ ચાલુમાં છે. અત્યાર સુધીની ચકાસણી દરમ્યાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. દ્વારા રૂ. ૩૧.૦૯ કરોડની ખોટી વેરાશાખ લઇ કરચોરી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. સદર વેરાની સલામતી માટે વિવિધ સ્થાવર અને જંગમ મિલ્કતો ઉપર કામચલાઉ ટાંચ મુકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઇ-ર૦ર૧ થી ભાવનગર ખાતેના બોગસ બિલિંગની તપાસ ચાલી રહેલ છે જે પ્રકરણે અફઝલ સાદિકઅલી સવજાણી અને મહંમદ મેઘાણી પાસેથી મોટી માત્રામાં વાંધાજનક હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ. જેમાં ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.ના ડેઝીગ્રેટેડ પાર્ટનર નિરજ જયદેવ આર્ય પેઢીનો તમામ વહીવટી સંભાળતા હોઇ અને સક્રિય ભાગીદાર હોઇ તથા ખોટા બોગસ બિલો મેળવી ખોટી વેરાશાખ મેળવેલ હોઇ, ગુજરાત જી. એસ.ટી. અધિનિયમ અન્વયેના ગુનામાં તેઓની સંડોવણી જણાયેલ હતી.

હાલ નિરજ જયદેવ આર્ય નડીયાદ ખાતેની શ્રી મુળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અગાઉ તેઓ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પૂર્વે ફરાર થઇ ગયેલ હોય તેમની ભાગેડુ વૃતિ ધ્યાને લેતા અને હોસ્પિટલના પત્ર મુજબ નિરજ જયદેવ આર્યની મેડીકલ પરિસ્થિતિ સુધારા પર જણાતી હોઇ ગઇકાલે સાંજે નડીયાદ ખાતેની મુળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના વી.આઇ.પી. રૂમ નં.૧ માંથી ધરપકડ કરવામાં આવેલ છે. તેમ સ્ટેટ જીએસટીના અધીકારી સુત્રોએ ઉમેયુ હતું.

(3:07 pm IST)