Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૪૯૨ બોટલ વિદેશી દારૂના જથ્થો રાખવા અંગે પકડાયેલ બિલ્ડરનો નિર્દોષ -છુટકારો

રાજકોટ,તા. ૧ : રાજકોટના રોલેક્ષ બેરીંગવાળા રોડ ઉપર આવેલ આશોપાલ સોસાયટી શેરી નં. ૨માં હેરીટેજના નામથી ઓળખાતી બિલ્ડીંગમાં આવેલ દુકાનમાં અલગ અલગ બ્રાન્ડની રાખેલ ૪૯૨ બોટલ વિદેશી દારૂ પકડાતા દુકાનના માલિક બિલ્ડર ચેતનભાઇ વસ્તાભાઇ સોરઠીયા વિરૂધ્ધ પ્રોહી. એકટની કલમ -૬૬ (૧)બી, ૬૫-એ ઇ, ૧૧૬ -બી તથા ૮૧ મુજબની ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ચેતનભાઇ વસ્તાભાઇ સોરઠીયાએ પોતાની માલિકીની દુકાનમાં રોયલ સ્ટેટ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ -૬૦ તથા રોયલ ચેલેન્જર ગોલ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-૪૩૨ એમ મળી કુલ બોટલ નંગ -૪૯૨ રાખેલ જે સંદર્ભે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ અમલદારે સદરહું દુકાનમાં રેડ કરી માલિક ચેતનભાઇ વસ્તાભાઇ સોરઠીયા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી પુરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ કરેલ.

ત્યારબાદ સદરહું કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ તરફથી મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજુ રાખતા જેમાં ફરીયાદ પક્ષ તરફથી જે પંચ સાહેદોને તપાસવામાં આવેલ તેઓએ પંચનામાની વિગતને લેશમાત્ર સમર્થન આપેલ નહી. આરોપી પક્ષે દલીલ કરવામાં આવેલ અને તેના ગુજ. હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ રજુ કરી આરોપીને તે ચુકાદાના આધાર તથા રેકર્ડ પરની હકીકત ધ્યાને લઇ આરોપીને નિર્દોષ છોડી મુકવા દલીલ કરેલ.

ત્યારબાદ કોર્ટએ બન્ને પક્ષોની દલીલના અંતે ફરીયાદ પક્ષે પોતાનો કેસ વ્યાજબી શંકાથી પર સાબીત કરવાનો હોય છે. અને તેનો સંપૂર્ણ બોજો ફરીયાદ પક્ષ પર જ હોય છે. અને આ કેસમાં ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવાથી આરોપી સામેના આક્ષેપીત ગુન્હો કર્યા અંગે શંકા ઉપસ્થિત થતી હોય આરોપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હિતેષ આર. ભાયાણી, રાહુલ મકવાણા તથા અશ્વિન પાડલીયા રોકાયેલ.

(3:07 pm IST)