Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજકોટ જિલ્લાની ૧૦ ઉચ્ચ માધ્યમિક શાળાના ૨૦૦૦ વિદ્યાર્થીઓને STEM - સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીકસની તાલીમ અપાશે

'CAREER' નામા પ્રોજેકટથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઇચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે : કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ તા. ૧ : ડિસ્ટ્રિકટ સ્કિલ કમિટી-રાજકોટ અને કવેસ્ટ એલાયન્સના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓને કરીયર પસંદ કરવા માટે “CAREER” નામા પ્રોજેકટનો પ્રારંભ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યો હતો.  

આ તકે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, “CAREER” નામા દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે કારકિર્દી પસંદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઈચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે. “CAREER” નામા પ્રોજેકટની શરૂઆતમાં ૧૦ ઉચ્ચ માધ્યમિક શાળાના ૨,૦૦૦ વિદ્યાર્થીઓને STEM – સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથેમેટીકસની તાલીમ આપવામાં આવશે.

આત્મવિશ્વાસ દ્વારા અભિવ્યકત થવું, ભાષકિય ઉચ્ચારણ સુધારવાની તાલીમ, વિદ્યાર્થીમાં રહેલી કારકિર્દી પ્રત્યે રહેલો રસ, તેની ક્ષમતા અને આકાંક્ષા પારખીને ગોલ સેટીંગ કરતા શીખવવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતા કેળવવા માટે શિક્ષકોને પણ તાલીમબધ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિવીધ ઈન્ડસ્ટ્રિઝની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. જેનો મહત્ત્।મ લાભ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ મળશે, તેમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

આ તકે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ કૈલાએ જણાવ્યું હતું કે, “CAREER” નામા દ્વારા વિદ્યાર્થીએ પસંદ કરેલી કારકિર્દીના સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઈન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મુજબ તેનામાં સ્કિલ ડેવલપ થાય તેવા પ્રથત્નો કરવામાં આવશે. વ્યકતિગત રીતે તથા ગ્રુપમાં વિદ્યાર્થીઓને તેમના કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે

આ પ્રોજેકટ હેઠળ ઉચ્ચ માધ્યમિક શાળાના ૨,૦૦૦ વિદ્યાર્થીઓને STEM – સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથેમેટીકસ ની તાલીમ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ તરીકે રાજકોટ જિલ્લાની ૧૦ શાળાઓમાં આ પ્રોજેકટ અમલીકૃત કરવામાં આવશે. જેમાં આનંદમયી કન્યા વિદ્યાલય, અમથી બા વિદ્યાલય, સેન્ટ મેરી સ્કૂલ, મોડેલ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, મઝહર વિદ્યાલય, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ બાઈસાહેબા ગર્લ્સ હાઇસ્કુલ, કરણસિંહજી હાઈસ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી ૬ ગર્લ્સ હાઇસ્કુલનો સમાવેશ થયો છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર દ્વારા સંચાલીત મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ યોજનાના ફેલો શ્રી હિરલચંદ્ર મારૂએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ઉપસ્થિત તમામ શિક્ષકોનું મહાનુંભાવો વડે સન્માન કરવામાં આવ્યું હતું.  

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી વિપુલ મહેતા, આનંદમયી કન્યા વિદ્યાલયના શ્રી સ્મિતા મજેઠિયા, માતૃશ્રી અમથીબા વિદ્યાલયના પ્રવિણ પટેલ, સેન્ટ મેરી સ્કૂલના ઉમેશ વાળા, મોડેલ સ્કૂલ-જસદણના નેહાબેન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-વિંછીયાના સાંકળીયા જયોત્સનાબેન, સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના શ્રી વાળા, મઝહર વિદ્યાલયના શ્રી અગ્રાવત, સૌરાષ્ટ્ર હાઇસ્કુલના શ્રી બિપીનભાઈ ભાલોડિયા,  બાઈસાહેબા ગર્લ્સ હાઇસ્કુલનાશ્રી નયન વોરા, કરણસિંહજી હાઈસ્કૂલના શ્રી ભરતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

(3:08 pm IST)