Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મ્યુ.કોર્પોરેશનમાં મેટ્રોપોલીટન પ્લાનીંગ કમીટીની પુનઃ રચના થશેઃ સુરેન્દ્રસિંહ વાળાની સફળ રજુઆત

રાજકોટ તા.૧ : મ.ન.પા. દ્વારા મેટ્રોપોલીટન પ્લાનીંગ કમીટીની પુનઃ રચના કરવા બાબતે શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ કરેલી રજુઆત સફળ થઇ છે કેમ કે મ્યુ.કમિશ્નરે આ કમીટીની રચના માટે ચુંટણી યોજવાની થતીહોઇ તેના રિટનીંગ ઓફીસરની નિમણુંકનો હુકમ કર્યો છે.

આ અંગે શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાનાં જણાવ્યા મુજબ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની કચેરીમાં વિધાનસભાનાં ઠરાવ અને  હાઈકોર્ટનાં ડાયરેકશન મુજબ રાજકોટ મેટ્રોપોલીટન એરિયા સંદર્ભે ચુંટણી યોજીને કમિટીનાં સભ્યોની નિમણૂંક કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી.

   તેઓએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ કે રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની કચેરીમાં વિધાનસભાના ઠરાવ અને હાઈકોર્ટના ડાયરેકશન મુજબ મેટ્રોપોલિટન કમિટીની રચના કરાઈ હતી. ચુંટણી યોજીને કમિટી અસ્તિત્વમાં લાવવામાં આવી હતી અને તેના સભ્યો તરીકે શાસકપક્ષના નગરસેવકો હતા. ગત ટર્મ પુરી થતાં કમિટીની મુદત પૂર્ણ થઈ હતી. તો હવે નવેસરથી આ કમિટીની રચના કયારે કરાશે. હવે આ અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તા.૨૬ના પ્રત્યુતર પાઠવતા જણાવેલ કે, આ અંગે આગળની કાર્યવાહી હાલ ગતિમાં છે. મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટિના ચુંટણી અધિકારી તરીકે રૂડાના સી.ઈ.ઓ.ની નિમણુંક કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

(3:36 pm IST)