Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કરાયેલી રાજકોટ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સંબંધિત સરકારી વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના

રાજકોટ :આગામી ૧૯ ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની રાજ્યવ્યાપી ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

  કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરએ ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા અને ચૂંટણીના આયોજન અંગે સ્થાનિક સ્તરે બેઠક યોજી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા તથા તમામ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી. રાજકોટ જિલ્લાના જસદણ, વિછીયા, ગોંડલ વગેરે તાલુકાઓના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની યાદી તૈયાર કરી તેમનું સ્થળ નિરીક્ષણ કરવા પણ સંબંધિતોને જિલ્લા કલેક્ટરએ સુચના આપી હતી. સમરસ ગ્રામ પંચાયતની યાદી સત્વરે તૈયાર કરવા કલેકટરશ્રીએ આદેશો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, એ.સી.પી.એસ.આર ટંડેલ,પ્રાંત અધિકારીઓ સર્વ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડીવાય.એસ.પી. રાકેશ દેસાઇ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:11 pm IST)