Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ભાજપે ટેકનોલોજીના માધ્‍યમથી ભ્રષ્ટાચારનો મૃત્‍યુઘંટ વગાડ્‍યો : નરેન્‍દ્રભાઈ

પ્રથમ તબક્કાની ચૂંટણીની વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની છેલ્લી સભા રાજકોટમાં યોજાઈ : કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો : ભાજપનું સંકલ્‍પ પત્ર પણ ભવિષ્‍યના વિકસીત ગુજરાતનું છે : વધુમાં વધુ મતદાન કરવા પ્રધાનમંત્રીએ શહેરીજનોને કરી અપીલ

રાજકોટના ચારેય ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલ જાહેરસભાને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સંબોધન કર્યું હતું તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકો સહિત પ્રથમ તબક્કાની કુલ ૮૯ બેઠકો પર ૧ ડિસેમ્‍બરે મતદાન થવાનું છે. આ સીટો પર આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.આ પહેલાં રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની રેસકોર્ષમાં જાહેરસભા યોજાઈ હતી. નરેન્‍દ્રભાઈ મોદીએ સભા સંબોધતા કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન છે ત્‍યાં આ મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્‍છ અને ગુજરાતની જનતા લડી રહી છે. લોકોમાં જે ઉત્‍સાહ જોવા મળ્‍યો છે.

હું રાજકોટથી પ્રથમ ચૂંટણી લડ્‍યો હતો. રાજકોટનું આ ઋણ હું ક્‍યારેય ચૂકવી શકુ નહીં. - આપણે ૨૫ વર્ષ Read in App બનાવવાનું છે. ભાજપનું સંકલ્‍પ પત્ર પણ ભવિષ્‍યના વિકસિત ગુજરાતનું છે.

વધુમાં નરેન્‍દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં તો કરદાતા ચોર હતા. ખોટા કાયદાઓ કોંગ્રેસીઓ દાખલ કરતા હતા. મેં પાંચ વર્ષમાં ૧૫૦૦ કાયદા નાબૂદ કરી નાંખ્‍યા, ૪૦ હજાર કમ્‍પ્‍લાયન્‍સ હટાવી દીધા.

દેશની અર્થવ્‍યવસ્‍થાને જે મજબૂતી મળી છે તેમાં ગુજરાતનું યોગદાન મહત્‍વનું છે. કોંગ્રેસના રાજમાં દેશની અર્થ વ્‍યવસ્‍થા દુનિયામાં ૧૧માં નંબરે હતું. ભાજપાના ૮ વર્ષના શાસનમાં ભારતની ઇકોનોમી ૫માં નંબરે પહોચ્‍યું છે. ૨૫૦ વર્ષ સુધી જેમણે આપણને ગુલામીમાં રાખ્‍યાં હતાં તેમની પછાડી આપણે પાંચમાં નંબરે પહોંચ્‍યા ત્‍યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર ફરી વળી હતી.

નરેન્‍દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, એક્ષપોર્ટ ક્ષેત્રે આજે ભારત વિશ્વમાં નંબર ૧માં બન્‍યું છે. આજે વિશ્વ ભારતમાં મૂડી રોકાણ કરવા આતુર બન્‍યું છે. આ મૂડી રોકાણ તેઓ ગુજરાતમાં જ કરવા માગે છે કારણ કે ગુજરાતનું વાતાવરણ મોટા માં મોટા ઉદ્યોગો માટે અનુકુળ આવે તેમ છે. વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવે ત્‍યારે તેનો લાભ રાજકોટને મળે જ અને રોજગારીનું સર્જન થાય. ડીઝીટલ ઇન્‍ડિયામાં પણ ભારત અગ્રીમ સ્‍થાન ધરાવે છે. હિન્‍દુસ્‍તાનનો મિજાજ બદલતા આજે ભારત 5G બનાવતો દેશ બન્‍યો છે. ગુજરાતની નીતિઓના કારણે આ દેશમાં ગુજરાત ૫જી સેવાઓ શરૂ કરનારૂ પ્રથમ રાજય બન્‍યું છે. રજી ગોટાળો કરનાર કોંગ્રેસ હતી અને આજે દેશ કોઇપણ જાતના ગોટાળા વગર ૫જીની દિશામાં આગળ વધી રહ્યો છે.

નરેન્‍દ્રભાઇ મોદી વધુમાં જણાવ્‍યું હતું કે, ટેકનોલોજીના સમાધાન માટે વિદેશી બાળકો ભારત આવ્‍યાં હતાં ત્‍યારે હિન્‍દુસ્‍તાન સસ્‍તામાં સસ્‍તો ડેટા મળી રહે છે તેમ જાણી અચંબીત થઇ ગયા હતાં. વિદેશોમાં આજે ફોન કરવો હોય તો મફતમાં થઇ શકે તેમ કહેવામાં અતિશયોક્‍તી નથી. જો કોંગ્રેસની સરકાર હોત તો એમના સમયના ભાવ મુજબ ઓછામાં ઓછુ ૫ હજાર રૂપિયા બિલ ઉપભોક્‍તાને ભોગવવા પડતા પરંતુ ભાજપાની નિયત ખોટી ન હોવાથી આજે શાકભાજી વેચનારો માણસ પણ મોંઘામાં મોંઘો ફોન વાપરે છે. ભાજપાની સરકારે ટેકનોલોજીના માધ્‍યમથી ભ્રષ્ટાચારનો મૃત્‍યું ઘંટ વગાડ્‍યો છે. છેવાડાના માનવી સુધી લાભાર્થીઓને સીધો લાભ તેમના ડી.બી.ટી. મારફતે જમાં કરાવવામાં આવે છે. દેશની દશા કોંગ્રેસમાં શાસનમાં જેમનો જન્‍મ ન થયો હોય તેવા લોકો સરકારી યોજનાનો લાભ લેતા હતાં જેનાંથી સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહેતા હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે ૯ કરોડ જેટલા ભૂતિયા નામને ઓળખી લેવામાં આવ્‍યાં અને તેમને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવ્‍યાં છે. આવા ભ્રષ્ટાચાર થકી ભૂતકાળની કોંગ્રેસ દ્વારા દેશને ખોખલો કરી નાંખ્‍યો હતો. ભાજપાના સુશાસન થકી દેશને બચાવવામાં આવ્‍યો છે.

નરેન્‍દ્રભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે, ઘરમાં ચોર હોય તો ઘરનું ભલું ન થાય તેમ દેશમાં ચોર હોય તો દેશનું ભલું ના જ થાય. ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દન ઉપર ભરોસો કરનારી પાર્ટી છે અને જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ જનતા જનાર્દનના ભરોસાના કાયમ રાખ્‍યો છે. અંગ્રજોની વિરાસત કોંગ્રેસમાં આવી હોવાથી જનતાને કોંગ્રેસ ઉપર ભરોસો રહ્યો નથી. પહેલાં રાજયમાં છાશવારે કોમી હિંસા ફેલાતી હતી અને કફર્યુ લગાવવામાં આવતો હતો. આજે ગુજરાતની નવી જનરેશન કફર્યુ શું છે તેની ખબર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે અસામાજીક તત્‍વો અને આતંકવાદ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું હોવાથી આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારાઓ આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત પણ નથી કરતાં. મેં પાંચ વર્ષમાં ૧૫૦૦ જેટલા કાયદાઓ નાબૂદ કરી દીધા છે જે જનતા જનાર્દન ઉપર બોજો બનતા હતાં. માતાઓ અને બહેનોની આબરૂ જાળવવા માટે ખુલ્લામાં શૌચ ક્રિયમાંથી મૂક્‍તિ આપવા માટે જાહેર શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. પાથરણા બજારના લોકોને સ્‍વનિધી યોજના હેઠળ રૂ. ૧૦ હજાર થી ૫૦ હજાર સુધીની સહાય આપવામાં આવી જેના કારણે તેમને વ્‍યાજના ચક્કરમાંથી મૂકી અપાવવાનું કામ ભાજપા સરકારે કર્યું છે અને તેમને પણ સમયસર બેંકમાં પૈસા પરત જમાં કરાવે છે. સખીમંડળને વગર ગેરન્‍ટીએ રૂ. ૨૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે અને તેઓ પણ સમયસર રકમ પરત જમાં કરાવવામાં આવે છે.ᅠᅠ

 નાના ઉદ્યોગને મુદ્રા યોજના હેઠળ રૂ. ૨૦ લાખ કરોડની સહાય આપવામાં આવે છે અને તેમાંથી ૭૦ ટકા બહેનો સહાય મેળવે છે અને સમયસર રકમ પરત જમાં કરાવે છે અને એટલે ભાજપાની સરકાર એ ભરોસાની સરકાર છે. ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોની સરકાર છે. ગરીબોને માથે છત પુરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનો પુરા પાડ્‍યા છે. મધ્‍યમવર્ગના લોકોને ગમે તેવા મકાનો આ ડબલ એન્‍જિનવાળી સરકારે આપ્‍યાં છે. સૌરાષ્ટ્રને પાણીના ટેન્‍કરથી મૂક્‍તિ આપવામાં આવી છે.આ તમામ બદલાવ તમારા એક વોટના કારણે આવ્‍યો છે. દેશ અને રાજયમાં ડબલ એન્‍જિનની સરકાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્‍યારે બાકીના કામો પણ સત્‍વરે પૂર્ણ થાય અને ગુજરાત વિશ્વમાં પ્રસ્‍થાપિત થાય તે માટે આજ સુધીના તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમળ સૌથી વધુ સીટ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

આ જનસભામાં કર્ણાટક રાજયના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા, રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, સંસદ સભ્‍ય મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, રાજય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા તથા મેયર પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ઓબીસી મોરચાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ યોગેશ ગઢવી, પૂર્વ મેયર બિનાબેન  અને રાજકોટ  ૬૮ના ઉદય કાનગડ, રાજકોટ ૬૯ના ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦ના રમેશ ટીલાળા તથા રાજકોટ ૭૧ ગ્રામ્‍યના ભાનુબેન બાબરીયા ઉમેદવાર તેમજ રાજકોટ શહેર ભાજપા સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલ પાંખના પ્રતિનિધીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(11:07 am IST)