Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નવજાત પુત્રને ગોંડલ રોડ ચોકડીએ રેસ્‍ટોરન્‍ટ પાછળ તરછોડી દેવાયો

મહિકાના જાગૃત નાગરિક શોભનાબેન જીતેશભાઇ છત્રોળાને જાણ થતાં ૧૦૮ બોલાવીઃ માલવીયાનગર પોલીસે અજાણીસ્ત્રી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: શહેરની ગોંડલ રોડ ચોકડી પાસે બાલાજી રેસ્‍ટોરન્‍ટની પાછળ કોઇએ નવજાત બાળક (પુત્ર)ને કોઇ તરછોડી જતાં બાળકને સારવાર માટે દાખલ કરી અજાણીસ્ત્રી વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગોંડલ રોડ ચોકડી નજીક બાલાજી રેસ્‍ટોરન્‍ટની પાછળ એક નવજાત બાળક પડયું હોવાની જાણ જાગૃત નાગરિક મહિકા ગામના જીતેશભાઇ ભીખુભાઇ છત્રોળાને થતાં તેમણે ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના ઇએમટી પાયલબેન મહેતા અને પાયલોટ ચંદ્રેશભાઇ પંડયાએ પહોંચી બાળકને તાકીદે સિવિલ હોસ્‍પિટલે ખસેડવા તજવીજ કરી હતી.

બાળક (પુત્ર)નો જન્‍મ આશરે પંદર દિવસ પહેલા થયો હોવાનું જણાયું હતું. માલવીયાનગર પોલીસને હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ વનીતાબેન ગીરીશભાઇ બોરીચાએ ફરિયાદી બની અજાણીસ્ત્રી વિરૂધ્‍ધ બાળકને જન્‍મ આપી ત્‍યજી દેવા અંગે આઇપીસી ૩૧૭ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જીતેશભાઇ છત્રોળા (વાળંદ)એ જણાવ્‍યુ઼ હતું કે મારા પત્‍નિ શોભનાબેન અને બીજા ચાર મહિલા પડવલા નોકરી કરે છે. હું તેને સાંજે મહિકાથી ગોંડલ રોડ ચોકડીએ તેડવા આવ્‍યો ત્‍યારે તેણીએ મને જાણ કરી હતી કે કોઇ બાળકને તરછોડી ગયું છે.  આ બાળકને શાલ પાથરી ખુલ્લામાં સુવડાવી દેવામાં આવ્‍યું હતું.

(11:25 am IST)