Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કાર પલ્‍ટી મારી જતાં મયુરનગરના કલરકામના કોન્‍ટ્રાક્‍ટર પ્રતિક પટેલનું મોતઃ બે મિત્રને ઇજા

રાતે બે વાગ્‍યે મવડી ૧૫૦ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે જીવલેણ અકસ્‍માત : ગોંડલથી મિત્રનો બર્થડે ઉજવી રાજકોટ આવતી વખતે બનાવ

ઘટના સ્‍થળે અકસ્‍માતગ્રસ્‍ત કાર અને જેનું મૃત્‍યુ નિપજ્‍યું તે પ્રતિકભાઇ કરકર (પટેલ) નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩૦: ગોંડલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં રાતે બે વાગ્‍યે કાર પલ્‍ટી ખાઇ જતાં એસ્‍ટ્રોન સોસાયટી પાછળ મયુરનગરમાં રહેતાં પટેલ યુવાનનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેની સાથેના ત્રણ પૈકીના બે મિત્રોને ઇજા થઇ હતી. આ ચારેય મિત્રો ગોંડલ ખાતે કોઇ મિત્રનો બર્થડે હોઇ ત્‍યાં ઉજવણી કરીને પરત આવી રહ્યા હતાં ત્‍યારે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં અકસ્‍માત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાત્રે બે વાગ્‍યે ૧૫૦ રીંગ રોડ ફોર્ચ્‍યુન હોટેલ નજીક ઉમીયા ચોક પાસે કાર જીજે૦૩સીએ ૩૯૫૯ પલ્‍ટી મારી જતાં તેમાં બેઠેલા ચાર પૈકીના બે યુવાનો પ્રતિક મનસુખભાઇ કરકર (પટેલ) (ઉ.વ.૩૦-રહે. મયુરનગર-૧, એસ્‍ટ્રોન સોસાયટી પાછળ) તથા મિત્ર રાજેશ દલસુખભાઇ વાઘેલા (ઉ.૨૪-રહે. પુષ્‍કરધામ રોડ)ને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ ગંભીર ઇજાગ્રસ્‍ત પ્રતિક પટેલે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જ્‍યારે રાજેશને સારવાર બાદ રજા અપાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ વનિતાબેન  બોરીચા અને જયદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ મૃત્‍યુ પામનાર પ્રતિક બે ભાઇમાં મોટા હતાં. તેના લગ્ન થઇ ગયા હતાં. પોતે  પિતા મનસુખભાઇ સાથે કલરકામના કોન્‍ટ્રાક્‍ટ રાખી કામ કરતાં હતાં.ગોંડલ રહેતાં કોઇ મિત્રનો બર્થડ હોવાથી રાજકોટથી પ્રતિક અને બીજા ત્રણ મિત્રો રાજેશ, સન્‍ની સોલંકી અને અન્‍ય એક એમ ચાર જણા ત્‍યાં ગયા હતાં. મોડી રાતે પરત રાજકોટ આવતી વખતે ૧૫૦ રીંગ રોડ ઉમિયા ચોક પાસે કાર પલ્‍ટી મારી ગઇ હતી. યુવાન દિકરાના મૃત્‍યુથી પટેલ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:25 am IST)