Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગેટ.. સેટ.. ગો... ૨૨૫૪ મતદાન મથક પર સ્‍ટાફ રવાના

રાજકોટમાં ૪ સ્‍થળે હજારો કર્મચારીઓનો જમેલો : ભોજન - ફૂડ પેકેટ આપી સઘન પોલીસ બંદોબસ્‍ત સાથે સાંજ સુધીમાં બૂથનો કબજો લેશે : ૧૩૦૦થી વધુ મતદાન મથકો શહેરી વિસ્‍તારમાં ૯૫૦ બૂથ ગામડામાં: ૭૨૫ બૂથ સંવેદનશીલ જાહેર : અર્ધલશ્‍કરી દળો તૈનાત

રાજકોટ તા. ૩૦ : રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે મતદાનનું આખરી કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્‍વમાં મુક્‍ત, ન્‍યાયી અને પારદર્શી માહોલમાં મતદાન યોજવા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે.

આજ સવારથી પોલિંગ સ્‍ટાફને જે-તે વિધાનસભાના ડિસ્‍પેચિંગ સેન્‍ટર પરથી ઈ.વી.એમ. અને વી.વી.પેટ  ફાળવવામાં આવ્‍યા છે, અને બપોર બાદ સ્‍ટાફ રવાના થયો હતો, આ પહેલા આ સાથે વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા તમામ પોલિંગ સ્‍ટાફને મતદાન  વખતે કરવાની કામગીરી અને ધ્‍યાનમાં રાખવાની સાવધાનીઓ અંગે માર્ગદર્શક સૂચના આપવામાં આવી હતી.

બાદમાં પોલિંગ સ્‍ટાફ હથિયારધારી જવાનોના બંદોબસ્‍ત સાથે પોતાના મતદાન મથકો માટે પ્રસ્‍થાન કર્યું હતું. આશરે ૨૦૦થી વધુ ઝોનલ અધિકારીઓના નિરીક્ષણ અને સંકલનમાં વિવિધ પોલિંગ ટીમો કામગીરી કરી રહી છે. પોલિંગ ટીમોના પરિવહન માટે ૮૦થી વધુ એસ.ટી. બસો ફાળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,  રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્‍તારોમાં કુલ ૨૨૫૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્‍યા છે. જેમાંથી આશરે ૧૩૧૩ મતદાન મથકો શહેરી વિસ્‍તારોમાં જયારે આશરે ૯૫૦ મતદાન મથકો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલા છે. જિલ્લામાં ૧૦૮૦ જેટલા મતદાન મથક સ્‍થળો છે. જેમાંથી ૩૦૦ જેટલા મતદાન સ્‍થળો ક્રિટીકલ શ્રેણીમાં છે. જેમાં ૭૨૫ જેટલા ક્રિટીકલ મતદાન મથકો છે.

રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્‍તારોમાં ચૂંટણીમાં મતદાનની કામગીરીમાં આશરે ૧૨ હજાર જેટલો સ્‍ટાફ ખડેપગે કામ કરી રહ્યો છે. જેમાં ૨૪૯૧ જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, ૨૪૯૧ પ્રથમ પોલિંગ અધિકારી, ૮૭૮ પોલિંગ અધિકારી, ૨૮૧૫ જેટલાં મહિલા પોલિંગ અધિકારી તેમજ અન્‍ય સ્‍ટાફનો સમાવેશ થાય છે.

પોતાના મતદાન મથક પર પોલિંગ ટીમો પહોંચી ગયા પછી ઝોનલ ઓફિસરને રિપોર્ટ કરશે અને ઝોનલ ઓફિસર દ્વારા ચૂંટણી અધિકારીને રિપોર્ટિંગ કરાશે. આમ મતદાનની અગાઉના દિવસની સાંજ સુધીમાં મતદાન મથકો પર ટીમો પહોંચી જાય અને પોતાની કામગીરી સંભાળી લે તેવું સુવ્‍યવસ્‍થિત આયોજન અમલી બનાવવામાં આવ્‍યું છે.  લોકશાહીના આ અવસરમાં મતદારોનો મતદાન માટે ઉત્‍સાહ વધે તે માટે ચૂંટણી તંત્રે નાવીન્‍યપૂર્ણ અભિગમ અપનાવ્‍યો છે. જે મુજબ, જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ ૭ સખી મતદાન મથક મળીને કુલ ૫૬ સખી મતદાન મથક બનાવાયા છે, જે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. જયારે વિધાનસભા દીઠ એક દિવ્‍યાંગ મતદાન મથક મળીને જિલ્લામાં ૮ મતદાન બૂથ એવા છે, જે દિવ્‍યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. જિલ્લામાં ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્‍તારમાં યુવા મતદાન મથક બનાવાયું છે, જે યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે. ઉપરાંત દરેક વિધાનસભા મત વિસ્‍તારમાં એક  મોડેલ મતદાન મથક પણ બનાવાયું છે, જે મતદારોને મતદાન માટે પ્રેરિત કરશે.(

મતદાર અવસરનું ફાઇનલ કાઉન્‍ટ ડાઉન શરૂ

ઞ્જ  ૧૩ હજારનો પોલીંગ સ્‍ટાફ

ઞ્જ  ૨૫૦૦ પ્રિસાઇડીંગ ઓફિસર

ઞ્જ  ૨૫૦૦ ફર્સ્‍ટ પોલીંગ ઓફિસર

ઞ્જ  ૮૭૮ પોલીંગ અધિકારી

ઞ્જ  ૮ બેઠક ઉપર ૫૬ સખી બૂથ

ઞ્જ  ૮ બેઠક ઉપર એક-એક દિવ્‍યાંગ કર્મચારી સંચાલીત મતદાન મથક

ઞ્જ  ૬૯-રાજકોટમાં યુવા કર્મચારીઓ સંચાલીત મોડેલ મતદાન મથક

(1:35 pm IST)