Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ઓનલાઇન એપ પર થયેલી મિત્રતા બાદ અંધારામાં મળવા બોલાવાયેલા યુવાનને 'બે અજાણ્યા ઓળા'એ લુંટી લીધો

રાજકોટમાં વધી રહેલી ગુન્હાખોરી વચ્ચે શહેર મધ્યે ઉઘાડી લુંટનો કિસ્સો બહાર આવતા સનસનાટી : બન્ને મિત્રો શિતલ પાર્ક નજીક બાંધકામ મટીરીયલ્સના ઢગલા પાસે લઘુશંકા કરવા ઉભા રહયા ત્યારે ઓચિંતા આવેલા બે શખ્સોએ : માર મારી પતાવી દેવાની ધમકી આપી ર૦૦૦૦ પડાવ્યા : ખિસ્સામાં પૈસા ન હોય યુવાને મિત્રોને આજીજી કરી ફોનથી પૈસા મંગાવ્યા

રાજકોટ, તા., ૩૦: શહેરમાં ગુન્હાખોરીએ આડો આંક વાળ્યો છે, એક તરફ પોલીસ તંત્ર ચુંટણી સંદર્ભી આચારસંહિતાનો કડક અમલ કરવા મથી રહયું છે ત્યારે બીજી તરફ અસામાજીકોએ પોતાના ધાર્યા કામો પાર પાડવાનો મનસુબો બનાવી લીધો હોય તેમ ચોરી, લુંટ, હુમલા જેવી ઘટનાઓને આડેધડ અંજામ આપી રહયા છે. નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર ધોળા દિવસે બંગલોમાં ઘુસી મહિલા પર હુમલો કરી ચલાવાયેલી લુંટની ઘટનામાં હજુ પોલીસ ફીફા ખાંડી રહી છે ત્યારે શહેરની મધ્યે ફરી એક લુંટનો બનાવ બનતા સનસનાટી મચી જવા પામી છે. ગાંધીગ્રામ વિસ્તાર નજીક આવેલા શીતલ પાર્ક પાસેના સુમસામ મેદાનમાં લઘુશંકા કરવા ઉભા રહેલા બે મિત્રોને ઓચિંતા ત્રાટકેલા બે અજાણ્યા શખ્સોએ બેફામ માર મારી લુંટી લીધાની ઘટના સપાટી પર આવી છે.

ચર્ચાતી વિગત મુજબ રાત્રે ૧૦.૦૦ થી ૧૧.૦૦ના ગાળામાં બનેલી આ ઘટનામાં ભોગ બનેલા બે યુવાનો પૈકીના એકને ખાટકીની જેમ વેતરી નાખવાની ધમકી આપી બીવડાવી દેવાયો હતો. મિત્રને મળવા ગયા બાદ ઓચિંતા અસામાજીકોના હાથમાં આવી પડેલા આ યુવાનના હોંશકોશ ઉડી ગયા હતા. જેનો લાભ લઇ તેના મિત્રો ઉપર ફોન કરાવી ર૦  હજાર જેવી માતબર રકમ મંગાવી લુંટી લેવાયો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી 'ગ્ન્શ્ચ્ઝ્ર' નામની ઓનલાઇન એપ્લીકેશનના માધ્યમથી મિત્ર બનેલા આહીર યુવાન સાથે ફોન ઉપર વાતચીતનો વ્યવહાર બંધાયો હતો. આ દરમિયાન એક વખત ઉતાવળમાં એકમેકની  રૃબરૃ ઓળખાણ થઇ હતી. પરમ દિવસ રાત્રે આહીર મિત્રએ લુંટનો ભોગ બનનાર  ર૧-રર વર્ષીય યુવાનને અયોધ્યા ચોક નજીક મળવા બોલાવ્યા બાદ નજીકમાં આવેલી સુમસામ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયા ત્યારે આ ઘટના બની હતી. અંધારામાંથી ઓચિંતા પ્રગટેલા બે શખ્સોએ બંન્ને મિત્રોને ઢીકા-પાટુનો માર મારી તેમના મોબાઇલ પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તોતીંગ પથ્થર ઉઠાવી માથામાં ફટકારવાની તૈયારીઓ કરી હતી. આમ થવાથી ભયભીત બનેલા યુવાનોને જો છટકવુ હોય તો જે કાંઇ હોય તે કાઢી આપો તેમ કહેતા ર૦૦-પ૦૦ની મામુલી રકમ ખિસ્સામાંથી મળતા અજાણ્યા લુંટારૃઓનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો હતો અને ગમે તેમ કરી પ૦ હજાર રોકડા મંગાવો તો જ છોડીશું તેવી ધમકી વારંવાર ઉચ્ચારવામાં આવી હતી. આ દરમિયાન બે-ત્રણ મિત્રોને ફોન કર્યા બાદ માંડ ર૦ હજારની વ્યવસ્થા કરી રહેલા યુવાન પાસે થોડે દુર  તેના મિત્રને બોલાવી પૈસા મંગાવી 'કોઇ હોશીયારી કરી છે તો જાનથી હાથ ખોઇ બેસીશ' તેવા શબ્દો ઉંચા અવાજે બોલી વધુ ભય પેદા કરવામાં આવ્યો હતો. લુંટારૃઓના હાવભાવથી ડરી ગયેલા યુવાને એક હરફ પણ ઉચ્ચાર્યા વગર તેના મિત્ર પાસેથી મંગાવેલા પૈસા લુંટારૃઓને ધરી દીધા બાદ મોબાઇલ અને બાઇક સાથે આશરે એકાદ કલાકની માથાકુટ પછી છોડી દેવાયા હતા.

ધમધમતા ૧પ૦ ફુટ રીંગ રોડ નજીક અવાવરૃ જગ્યાએ બાંધકામ મટીરીયલ્સના ખડકાયેલા ઢગલા નજીક આ બનાવ બન્યો હતો. બીજા દિવસે મહામહેનતે માનસીક સ્થિરતા મેળવ્યા બાદ લંુટાયેલા યુવાને પોતાની સાથે થયું તે અન્ય કોઇ સાથે ન બને તે માટે અખબાર સમક્ષ રજુઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ચોરી, લુંટના બનાવો સામાન્ય બની ગયા છે અને પ્રજા ભય વચ્ચે જીવી રહી છે ત્યારે આ ઘટના બારામાં જે તે પોલીસ સ્ટેશન અને મહત્વની બ્રાન્ચો ખાનગી રાહે તપાસ હાથ ધરી ગુન્હેગારોને પકડશે તો અનેક અનડીટેકટ ગુન્હાઓના ભેદ ખુલી શકશે.  લુંટાયેલા યુવાનના કહેવા મુજબ અજાણ્યા લુંટારૃઓમાં એક મુસ્લીમ જેવો દેખાતો યુવાન સામેલ હતો. અયોધ્યા ચોકથી શીતલ પાર્કના રસ્તા પરથી ડાબી બાજુ આવેલી સુમસામ જગ્યા નજીકની આ ઘટનાથી ભારે સનસનાટી મચી જવા પામી છે.

(3:48 pm IST)