Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ શહેર - જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકો ઉપર મતદારો ઉમટી પડયા : પ્રથમ બે કલાકમાં ૧૧ ટકા મતદાન

યુવા વર્ગમાં ઉત્‍સાહ :સ્ત્રી કરતા પુરૂષ મતદારની સંખ્‍યા ડબલ : બે કલાકમાં ૨ લાખ ૫૩ હજાર મતદારોએ ફરજ બજાવી

રાજકોટ તા. ૧ : સવારે ૮ વાગ્‍યાથી રાજકોટ શહેર - જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકો ઉપર મતદાન શરૂ થયું છે, સંખ્‍યાબંધ મતદાન મથકો ઉપર મતદારો ઉમટી પડયા છે, લાંબી લાઇનો લાગી છે, પ્રથમ બે કલાક એટલે કે સવારે ૮ થી ૧૦ દરમિયાન ૧૧ ટકા મતદાન થયાનું ચૂંટણી અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

ખાસ કરીને બૂથો ઉપર યુવા વર્ગમાં જબરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો, પહેલી વખત મતદાન કરતા યુવક-યુવતીઓ ઉમટી પડયા હતા, ૬૦ થી ૮૦ વર્ષના વૃધ્‍ધો પણ લાઇનમાં જોવા મળ્‍યા હતા.સ્ત્રી કરતા પુરૂષ મતદારની સંખ્‍યા ડબલ જોવા મળી હતી, સવારે ૧૦ સુધીમાં ૮ બેઠકના થઇને ૨ લાખ ૫૩ હજાર મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ અવશ્‍ય મતદાનની ફરજ બજાવી હતી.

રાજકોટની ૪ બેઠકમાં થયેલ પ્રથમ બે કલાકનું મતદાન જોઇએ તો ૬૮-રાજકોટમાં ૧૦ ટકા, ૬૯-રાજકોટમાં ૮ ટકા, ૭૦-રાજકોટમાં ૮ ટકા અને ૭૧-રાજકોટમાં ૧૧ ટકાથી વધુ મતદાન થયું છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવેલ કે, શહેર - જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, કોઇ અનિચ્‍છનીય ઘટના બની નથી. સૌથી વધુ મતદાન પ્રથમ બે કલાકમાં જેતપુર બેઠક ઉપર ૧૨ ટકાથી વધુ તો સૌથી ઓછું રાજકોટ-૬૯ બેઠક ઉપર ૮ ટકા આસપાસ થયું છે.

(11:00 am IST)