Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ-૭૦માં બોગસ મતદાનઃ સુભાષનગરના રાજેશભાઇ કોટડીયાના નામે કોઇ મતદાન કરી ગયું

રાજકોટ તા. ૧: વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના આજના દિવસે ૭૦-રાજકોટ દક્ષિણમાં બોગસ મતદાનની ફરિયાદ આવી છે. જેમાં રાજેશભાઇ લક્ષમણભાઇ કોટડીયા નામના મતદારનો મત કોઇ પહેલા જ આપી ગયાનું જાહેર થતાં ચકચાર મચી ગઇ હતી.

રાજેશભાઇ કોટડીયા નામના મતદારે જણાવ્‍યું હતું કે હું બે વખત સુભાષનગર વિવેકાનંદ કોલેજ જુની કેશવ વિદ્યાલય રૂમ નં. ૪ શ્રી સુખનાથ મહાદેવ મંદિર સામેના સ્‍થળે પોતાનો મત આપવા માટે ગયા હતાં. જુના સુભાષનગર-૬ કોઠારીયા રોડ પર રહેતાં રાજેશભાઇ ત્‍યારે ચોંકી ગયા હતાં જ્‍યારે તેમને મતદાન મથકે કહેવામાં આવ્‍યું હતું કે તમારું મતદાન થઇ ગયું છે. તેમને વિશ્વાસ ન થતાં તેઓ ફરીથી થોડીવાર રહીને મતદાન કરવા માટે ગયા હતાં. પરંતુ  તેમને બીજી વખત પણ એક જ જવાબ મળ્‍યો હતો કે તમારો મત પડી ગયો છે. આથી તેઓ નિરાશ થઇ પરત વળ્‍યા હતાં. આ મામલે જવાબદાર તંત્રવાહકોનું ધ્‍યાન દોરવા તજવીજ કરવામાં આવી હતી.

(3:38 pm IST)