Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટના ૬ ઉમેદવારો પોતાનો મત પોતાને ન આપી શક્‍યા !!

રમેશભાઇ, ભાનુબેન, ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ ૬૯માં, ઉદય કાનગડ, સુરેશ બથવારે ૭૦માં અને વશરામ સાગઠિયાએ ૬૮માં મતદાન કર્યું : રાજકોટ-૭૧ના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારોના નામ બીજા મત ક્ષેત્રમાં

રાજકોટ તા. ૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાનની પ્રક્રિયા સવારના ૮ વાગ્‍યાથી સાંજના ૫ વાગ્‍યા સુધી ચાલી હતી. સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. લોકોની સાથોસાથ ઉમેદવારો પણ વહેલી સવારે જ મતદાન કર્યું હતું ત્‍યારે રાજકોટના ૬ ઉમેદવારો પોતાને જ મત આપી શક્‍યા ન હતા. જ્‍યારે રાજકોટ-૭૧ (ગ્રામ્‍ય) બેઠકના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેત્રણ ઉમેદવારોએ બીજા મત ક્ષેત્રમાં મતદાન કર્યું હતું.

આજે શહેરની લાગુ પડતી ચાર બેઠક પરના ભાજપ - કોંગ્રેસ અને આપના ૬ ઉમેદવારોએ પોતે જ પોતાને મત આપી શક્‍યા ન હતા. કેમકે પોતાનું નામ પોતાના ક્ષેત્રની મતદાર યાદીમાં હોય તેના કરતા અલગ મત ક્ષેત્રમાં રહેતા હોવાથી પોતે પોતાનો મત આપી શક્‍યા નથી.

જેમાં રાજકોટ-૬૮ના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે રાજકોટ-૭૦ના વિસ્‍તારમાં આવેલ હાથીખાનાની નવયુગ સ્‍કુલમાં, રાજકોટ-૭૦ના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાએ રાજકોટ-૬૯માં આત્‍મીય કોલેજમાં, રાજકોટ-૭૧ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ રાજકોટ-૬૯ના સાધુ વાસવાણી સ્‍કુલમાં તથા રાજકોટ-૬૮ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ રાજકોટ-૬૯માં આકાશવાણી ચોકમાં શિવશકિત પ્રાથમિક શાળામાં, રાજકોટ-૭૧ના કોંગ્રેસના સુરેશ બથવારે રાજકોટ-૭૦ના બેકબોન વિસ્‍તારમાં શાળા નં. ૭૧માં તેમજ રાજકોટ-૭૧ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયાએ નવા થોરાળા વિસ્‍તારની શાળા નં. ૨૯માં મતદાન કર્યું હતું.

આમ, ભાજપના ત્રણ, કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર પોતાના મત ક્ષેત્રમાં મતદાન કર્યું ન હતું. અત્રે નોંધનીય છે કે રાજકોટ-૭૧ બેઠકમાં મુખ્‍ય રાજકીય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારોએ આ બેઠક સિવાય બીજી અન્‍ય બેઠકોમાં મતદાન કર્યું હતું.

(3:43 pm IST)