Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

લગ્નના ફુલેકામાં બઘડાટીઃ ડીજેવાળા મહેશ પર ખુરશી અને છરીથી હુમલોઃ સામે પણ ત્રણને ઇજા

કાલાવડ રોડ પર આંબેડકરનગરના સાર્વજનીક પ્‍લોટમાં રાત્રે બનાવ : કેટરર્સવાળા અંદરોઅંદર ઝઘડતાં હોઇ મહેશ છોડાવવા જતાં કરણ સહિતના તૂટી પડયાઃ સામા પક્ષે કરણ, રોહિત અને હિતેષને ઇજાઃ ચારેય સારવાર માટે દાખલ થતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧ : કાલાવડ રોડ પર જડ્ડુસ પાછળ આંબેડકરનગરના સાર્વજનીક પ્‍લોટમાં મિત્રના લગ્નના ફુલેકામાં ડીજેના કામ માટે ગયેલા ગંજીવાડાના યુવાન પર કેટરર્સવાળા શખ્‍સોએ ખુરશી, છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો હતો. સામે પણ ત્રણ શખ્‍સોને ઇજા થઇ હતી. અંદરો અંદર બે ત્રણ શખ્‍સો ઝઘડતાં હોઇ ગંજીવાડાનો યુવાન છોડાવવા જતાં તેના પર હુમલો થયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસે ગંજીવાડા-૫૨માં દલિતનગર ચોકમાં રહેતાં અને ડીજેનું કામ કરતાં મહેશ મુળજીભાઇ મકવાણા (ઉ.૨૬)ની ફરિયાદ પરથી કરણ પ્રેમજી મહિડા તથા બે અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મહેશે જણાવ્‍યું હતું કે હું મિત્ર સાથે ડીજેનું કામ કરુ છું. બુધવારે મારા મિત્ર પ્રકાશ પંચાલના લગ્ન હોઇ અને તેનું ફુલેકુ હોઇ જેથી હું તથા મારા મામાનો દિકરો ડીજેનું લેપટોપ લઇને કાલાવડ રોડ જડ્ડુસ હોટેલ પાછળ આંબેડકરનગરના સાર્વજનીક ચોકમાં ગયો હતો.

રાતે પોણા અગિયારેક વાગ્‍યે મિત્ર પ્રકાશના લગ્નનું ફુલેકુ ચાલુ હતું ત્‍યારે કેટરર્સવાળા અંદરો અંદર ઝઘડો કરતાં હોઇ હું તેને છોડાવવા વચ્‍ચે પડતાં એક શખ્‍સે મને ગાળો દીધી હતી અને પ્‍લાસ્‍ટીકની ખુરશી ઉપાડી માથા, પીઠ પર ફટકારી દીધી હતી. બીજાએ મને ઢીકાપાટુ માર્યા હતાં અને અન્‍ય એક શખ્‍સે છરી કાઢી હુમલો કરતાં મેં તેને રોકવાનો પ્રયાસ કરતાં માથામાં ઘા મારી દીધો હતો.

દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને છોડાવ્‍યો હતો. મને છરી ઝીંકનારનું નામ કરણ પ્રેમજીભાઇ મહિડા હોવાનું જાણવા મળ્‍યું હતું. કોઇએ ૧૦૮ બોલાવતાં હોસ્‍પિટલે ખસેડાયો હતો. તેમ વધુમાં મહેશે જણાવતાં પીએસઆઇ વી. એન. મોરવાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સામા પક્ષે આંબેડકરનગરમાં જ રહેતો કરણ પ્રેમજીભાઇ મહિડા (ઉ.૧૯), રોહિત ચંદુભાઇ મહિડા અને હિતેષ મનુભાઇ પરમાર પણ પોતે લગ્નના ફુલેકામાં હતાં ત્‍યારે અજાણ્‍યાએ ઝઘડો કરી પથ્‍થરમારો કરી કડાથી માર મારી ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:24 pm IST)