Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટમાં ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ખાતે સેલ્‍ફી પોઇન્‍ટથી મતદારોમાં ઉત્‍સાહ

વૈષ્‍ણવાચાર્યશ્રી પુરુષોત્તમલાલ મહારાજે મતદાનની ફરજ નિભાવી લોકોને પણ કરી અપીલ

રાજકોટ, તા. ૧ : રાજકોટમાં વિધાનસભા સામાન્‍ય ચૂંટણીની શરૂઆત થતાં જ મતદારોની લાંબી હરોળ જોવા મળી રહી છે. જાણે મતદારો અપીલ કરી રહ્યા હોય કે સઘળું કામ પડતું મૂકો, પહેલા મતદાન કરો. રાજકોટ શહેરમાં ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ખાતે મતદાન મથક નં. ૨૭૩માં વૈષ્‍ણવાચાર્યશ્રી પુરુષોત્તમલાલ મહારાજે મતદાનની ફરજ નિભાવી રાષ્‍ટ્રહિતમાં મતદાન કરવું, એ આપણું કર્તવ્‍ય હોવાનું જણાવી મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન મથક નં. ૨૭૭માં રજનીભાઈ રાવત અને તેમના ધર્મપત્‍ની પૂર્ણિમાબેન રાવતે તેમના ભત્રીજી અમીબેનનો લગ્નપ્રસંગમાં મોડું જવાનું નક્કી કરી, એ પહેલાં મતદાન કર્યું હતું. તેમજ મતદાન મથક નં. ૨૭૮માં રૂપેશભાઈ રવાણીએ તેમના પરિવારની ત્રણ પેઢી સાથે આવી મતદાન કરવાની પરંપરા જાળવી રાખી હતી.  ઉલ્લેખનીય છે કે કોલેજના મેદાન ખાતે સેલ્‍ફી પોઇન્‍ટ એ મતદારોમાં આકર્ષણ જમાવ્‍યું હતું. ખાસ કરીને સેલ્‍ફી પોઇન્‍ટમાં યુવા મતદારોએ આંગણી પર શાહીના નિશાન સાથેની સેલ્‍ફી લઇ મતદાનના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો. આમ, નાગરિકોએ મતદાન થકી લોકશાહીના અવસરની સાર્થક ઉજવણી કરી હતી.

(4:24 pm IST)