Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સદરમાં આશીયાનાબેન પર જેઠાણી, ભત્રીજા અને ભત્રીજીઓની ધોકાવાળી

તમે કેમ અમારા પારિવારીક ઝઘડામાં રસ લ્‍યો છો? કહી ડખ્‍ખો : વચ્‍ચે પડતાં પતિ યુનુસભાઇ જૂણાચને પણ ઇજાઃ હમીદાબેન, નઇમ ઉર્ફ ભયલુ, હીના અને સના વિરૂધ્‍ધ પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧ : સદર બજાર જુમ્‍મા મસ્‍જીદ પાસે નુરી પેલેસની સામે રહેતાં સંધી મુસ્‍લિમ મહિલા પર પડોશમાં જ રહેતાં જેઠાણી, ભત્રીજા અને બે ભત્રીજીએ ધોકાથી હુમલો કરી ઢીકાપાટુ પણ મારતાં અને તેણીના પતિ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરતાં સારવાર લેવી પડી હતી. ભત્રીજા-ભત્રીજીએ અંદરો અંદર ઝઘડો કરતી વખતે ‘તમે શું અમારા પારિવારીક ઝઘડામાં રસ લ્‍યો છો?' કહી હુમલો કર્યો હતો.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે સદર બજાર જુમ્‍મા મસ્‍જીદ પાસે નૂરી પેલેસની સામે રહેતાં આશીયાનાબેન યુનુસભાઇ જૂણાચ (સંધી) (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી નજીકમાં જ રહેતાં તેણીના ભત્રીજા નઇમ ઉર્ફ ભયુલુ મહેમુદભાઇ જૂણાચ, ભત્રીજી હીના મહેમુદભાઇ જૂણાચ, સના મહેમુદભાઇ જુણાચ અને જેઠાણી હમીદાબેન મહેમુદભાઇ જૂણાચ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

આશીયાનાબેને જણાવ્‍યું હતું કે હું અને મારા પતિ રાતે સાડા અગિયારેક વાગ્‍યે મારા ઘરના દરવાજા પાસે બેઠા હતાં ત્‍યારે મારા ઘરથી ત્રીજા નંબરના ઘરમાં રહેતાં મારા જેઠ મહેમુદભાઇના પુત્ર નઇમ ઉર્ફ ભયલુ તથા જેઠની દિકરી હીના એમ બંને ભાઇ બહેન તેના ઘર પાસે અંદરો અંદર ઝઘડો કરતાં હોઇ તેણે તમે બેય અમારા પારિવારીક ઝઘડામાં શું કામ રસ લો છો? તેમ કહી નઇમે ગાળો દીધી હતી. આથી અમે કહેલું કે અમે તો અમારા ઘર આગળ બેઠા છીએ, અમે ક્‍યાં તમારા ઝઘડામાં રસ લઇએ છીએ, તમને અમને શુ઼ કામ ગાળો બોલો છો.

આ પછી નઇમ ધોકોલ ઇને દોડયો હતો અને મારા પતિને મારવા જતાં હું વચ્‍ચે પડતાં મને જમણા બાવડા પાસે ઘા લાગી ગયો હતો. એ પછી હીના અને મારા જેઠાણી હમીદાબેન પણ આવી ગયા હતાં અને અમને ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. જેઠની બીજી દિકરી સનાએ પણ આવીને મારામારી કરી હતી. હું ધક્કામુકીમાં પડી જતાં કપાળે ઢીમચુ થઇ ગયું હતું. મારા પતિને મુંઢ માર લાગ્‍યો હતો. મને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.   એએસઆઇ કે. વી. માલવીયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(4:26 pm IST)