Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટમાં કોના તરફી મતદાન ? ભારે ઉત્તેજના

ચાર બેઠકો ઉપર બપોર સુધીમાં ૪૨ થી ૪૫ ટકા મતદાન : ૪૦ જેટલા ઉમેદવારોના ભાવી સીલ

રાજકોટ તા. ૧ : આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન થયું હતું. તેમાં સૌ કોઇનુ ધ્‍યાન રંગીલા રાજકોટ ઉપર થયુ છે. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની ચારેય ઉપર પ્રથમ વખત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાયો છે. ત્‍યારેમતદારો કોને પસંદ કરશે એ તો ૮મી એ પરિણામ આવશે ત્‍યારે ખબર પડશે.

૨૦૨૦માં આમ આદમી પાર્ટીની એન્‍ટ્રીએ ત્રિપાંખીયો જંગ સર્જી દીધો છે. આજ સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકો ઉપર ૪૫૨ ઉમેદવારો માટે મત પડવાના શરૂ થયા હતા. જ્‍યારે રાજકોટની ૪ બેઠકો ઉપર બપોરના ત્રણ વાગ્‍યા સુધીમાં સરેરાશ ૪૦ થી ૪૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અને ૪૦ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે. રાજકોટની બે પ્રતિષ્‍ઠીત બેઠકો ૬૮ અને ૭૦ ઉપર પ્રમાણમાં સારૂ મતદાન થયું છે.

રાજકોટમાં ગત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં ૪ બેઠક પર ૬૫ ટકા જેટલું મતદાન થયું હતું. જેના પ્રમાણમાં આ વખતે ઓછું મતદાન થવાની શક્‍યતાઓ દર્શાય છે. આ ઓછા મતદાનથી કયા પક્ષને ફાયદો અને નુકસાન થશે તેમ રાજકીય પંડિતોમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.

રાજકોટ વિધાનસભા મત વિસ્‍તારમાં કુલ ચાર બેઠકો છે જેમાં રાજકોટ ૬૮માં ભાજપના ઉદય કાનગડ, કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજયગુરૂ તથા ‘આપ'ના રાહુલ ભુવા મેદાનમાં છે. જ્‍યારે રાજકોટ-૬૯માં ભાજપના ડો. દર્શિતાબેન શાહ, કોંગ્રેસના મનસુખ કાલરીયા અને ‘આપ'ના દિનેશ જોષી વચ્‍ચે સ્‍પર્ધા છે. જ્‍યારે રાજકોટ-૭૦માં ભાજપના રમેશ ટીલાળા, કોંગ્રેસના હિતેશ વોરા અને ‘આપ'ના શિવલાલ બારસીયા વચ્‍ચે કરોયા મરોની સ્‍થિતિ છે. જ્‍યારે રાજકોટ ૭૧ બેઠક ઉપર કોંગ્રેસના સુરેશ બથવાર, ‘આપ'ના વશરામ સાગઠીયા અને ભાજપના ભાનુબેન બાબરીયા વચ્‍ચે હરીફાઇ છે.

રાજકોટની ચારેચાર બેઠકો જીતવા ત્રણેય પક્ષોએ પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. 

(4:37 pm IST)