Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

ઘંટેશ્વર પાર્કમાં લગ્નમાં વણનોતર્યો ‘મહેમાન' બનીને આવેલો ‘ગઠીયો' ૧૨ લાખની મત્તાનું પર્સ ચોરી રફુચક્કર

લગ્નપ્રસંગોમાં મહેમાન બનીને ત્રાટકતી ટોળકી સક્રિય થઇ ગઇઃ બેડી યાર્ડના વેપારી જંકશન પ્‍લોટના મોહનલાલ કોટવાણીના ભત્રીજા જયદિપના લગ્નપ્રસંગમાં રાતે ચોરીના બનાવથી વર-કન્‍યા પક્ષનો ખુશીનો માહોલ ચિંતામાં પલ્‍ટાયોઃ ચોર કેમેરામાં કેદ થયો : આશરે ૨૦ થી ૨૫ વર્ષનો શખ્‍સ પીળા રંગની કોટી પહેરીને આવ્‍યો હતોઃ કન્‍યાને પહેરામણીના ૧૧ લાખના દાગીના અને ૧ લાખની રોકડનું પર્સ પળવારમાં ચોરી લીધું યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ઠેકઠેકાણે નાકાબંધી કરીઃ શકમંદને શોધવા વાહન ચેકીંગ કરાયું વરરાજા જયદિપના કુટુંબી બહેન ખ્‍યાતીબેન પાસે પર્સ હતું: તેણી કન્‍યાની નથડી નીકળી જતાં સરખી કરવા ગયા એટલીવાર જ પર્સ રેઢુ મુક્‍યું અને ચોરે તક ઝડપી લીધી પર્સમાં કન્‍યા કન્‍યા સારિકાને પહેરામણી કરવાના ૧૧ લાખના દાગીના અને ૧ લાખ રોકડા હતાં

લગ્નપ્રસંગને અનુરૂપ પોષાક પહેરીને આવેલો શકમંદ

રાજકોટ તા. ૧: લગ્નની સીઝન ચાલુ થઇ ગઇ છે તેની સાથે સાથે લગ્નમાં વણનોતર્યા મહેમાન બનીને આવતાં ચોર પણ સક્રિય થઇ ગયા છે. શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કમાં ગત રાતે યોજાયેલા રાજકોટની બેડી યાર્ડના વેપારીના ભત્રીજાના લગ્નમાં એક ઉઠાવગીર ઝભ્‍ભો-કોટી પહેરી મહેમાન બનીને આવ્‍યો હતો અને કન્‍યાને પહેરામણી કરવાના ૧૧ લાખના સોના-ચાંદીના દાગીના અને ૧ લાખની રોકડ સાથેનું પર્સ ચોરીને રફુચક્કર થઇ જતાં વર-કન્‍યા પક્ષમાં દેકારો મચી ગયો હતો. વરરાજાની કુટુંબી બહેન કન્‍યાની અણવર બની હોઇ તેના હાથમાં રોકડ-દાગીનાનું પર્સ હતું. લગ્ન વિધી વખતે કન્‍યાની નથડી નીકળી જતાં તેણીએ તે સરખી કરવા માટે પળવાર માટે પર્સ રેઢુ મુક્‍યું હતું જે ગાયબ થઇ ગયું હતું.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જંકશન પ્‍લેટ શેરી નં. ૧૬ જ્‍યોતિ પાનવાળી શેરીમાં ઝુલેલાલ કૃપા ખાતે રહેતાં અને બેડી માર્કેટીંગ યાર્ડમાં અમર એન્‍ટરપ્રાઇઝ નામે અનાજ-કઠોળની પેઢી ચલાવતાં મોહનલાલ છતારામ કોટવાણી (ઉ.વ.૬૦) નામના વેપારીની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે શકમંદ આરોપીને શોધી કાઢવા નાકાબંધી કરી હતી અને ખાનગી વાહનો, બસ, કારનું ચેકીંગ હાથ ધર્યુ હતું.

મોહનલાલ કોટવાણીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છુ અને અમે ચાર ભાઇઓ છીએ. જેમાં સોૈથી મોટો હું છું. ત્‍યારબાદ સુંદરભાઇ, ચંદુભાઇ અને રમેશભાઇ છે. અમે બધા ભાઇઓ રાજકોટમાં અલગ અલગ રહીએ છીએ. ચંદુભાઇ કાલાવડ રોડ ક્રિષ્‍ના મેડીકલ સ્‍ટોરવાળી શેરી રોયલ પાર્ક મેઇન રોડ રાજપેલેસ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૧૦૧માં બોનાન્‍ઝા સલૂન નજીક રહે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં બીજા નંબરના દિકરા જયદિપના ગુરૂવારે ૩૦/૧૨ના રોજ જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક ખાતે લગ્ન યોજાયા હતાં.

સાંજે આઠેક વાગ્‍યે અમે સગા સંબંધીઓ, મારા ભાઇ ચંદુભાઇ વરરાજા જયદિપની જાન લઇને લગ્ન વિધી માટે ઘંટેશ્વર પાર્ક પહોંચ્‍યા હતાં. અમારી સાથે ઘણા મહેમાનો હતો. સગા સંબંધીઓ પણ આવ્‍યા હતાં. ચંદુભાઇના વેવાઇ અશોકભાઇ ધરમદાસ તારવાણીના સગા-સંબંધીઓ પણ મોટી સંખ્‍યામં હાજર હતાં. વરરાજા જયદિપના પત્‍નિ સારીકાને પહેરામણી કરવા અમે દાગીના લીધા હતાં. જે કાળા કલરના પર્સમાં રાખ્‍યા હતાં. આ પર્સ મારી ભાણેજ ખ્‍યાતી સુમિતભાઇ ખેમચંદાણી પાસે હતું.

આ પર્સમાં ૧ લાખ રોકડા અને સાથે સોનાની વીંટી-૨ નંગ દસ ગ્રામ વજનની રૂા. ૭૫ હજારની, મંગળ સુત્ર બુટી સાથે ૨૫ ગ્રામ વજનનું રૂા. ૨,૧૧,૦૦૦નું, સોનાની મોટી બંગડી ૪૫ ગ્રામની બે નંગ રૂા. ૩,૨૦,૦૦૦ની, સોનાનો પેન્‍ડન્‍ટ સેટ ચેઇન-બુટી-રીયલ ડાયમન્‍ડ ૨૫ ગ્રામનો રૂા. ૨,૪૫,૦૦૦નો, સોનાનુ બ્રેસલેટ ૧૦ ગ્રામનું રૂા. ૭૫ હજારનું, સોનાની ૩ વીટી રીયલ ડાયમંડવાળી ૧૫ ગ્રામની રૂા. ૧,૭૦,૦૦૦ની, ચાંદીની પાયલ રૂા. ૩૫૦૦ની, ચાંદીના વીંછીયા રૂા. ૫૦૦ના મળી ૧૧ લાખના દાગીના હતાં.

આ પર્સ મારી ભાણેજ ખ્‍યાતી પાસે હતું અને  ખ્‍યાતી કન્‍યા સારીકાના અણવર તરીકે લગ્ન મંડપમાં હાજર હતી. રાતે આશરે સાડા અગિયારેક વાગ્‍યા આસપાસ લગ્ન મંડપમાં ફેરાની વિધી ચાલુ હતી ત્‍યારે કન્‍યા સારીકાની નથડી નીકળી જતાં ખ્‍યાતિ પોતાની પાસેનું રોકડ-દાગીનાનું પર્સ નીચે મુકી સારીકાની નથડી સરખી કરવા ગઇ હતી. આટલી વારમાં જ ૧ લાખની રોકડ અને ૧૧ લાખના દાગીના સાથેનું પર્સ ગાયબ થઇ ગયુ હતું. ખ્‍યાતીએ અમને જાણ કરતાં અમે સતત શોધખોળ કરી હતી. પરંતુ પર્સ મળ્‍યું નહોતું. કાળા રંગના આ પર્સમાં એક લાખ રોડકા અને કન્‍યાને પહેરામણી કરવાના અગિયાર લાખના દાગીના હતાં.

અમે ઘરમેળે શોધખોળ કર્યા બાદ તુરત પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં મોહનલાલ કોટવાણીએ જણાવતાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો. ઘટના જાહેર થતાં જ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ભાર્ગવ પંડયાની રાહબરીમાં પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ બી.આર. ભરવાડ, ડી. સ્‍ટાફની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાથે સાથે ઘટેશ્વર પાર્ક નજીકના માર્ગો, માધાપર ચોકડી સહિતની મુખ્‍ય ચોકડીઓ પર નાકાબંધી કરાવવામાં આવી હતી. પોલીસે ખાનગી વાહનો, બસ, એસટી બસ, કાર લઇને નીકળતાં લોકોના વાહનો ચેક કર્યા હતાં.

મોહનલાલ કોટવાણીના કહેવા મુજબ એક શકમંદ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તે આશરે ૨૦-૨૫ વર્ષનો લાગે છે. તે મહેમાનના સ્‍વાંગમાં અમારા પ્રસંગમાં ઘુસીને ચોરી કરી ગયાની અમને શંકા છે. પોલીસને અમે ફુટેજ ફોટા આપ્‍યા છે તેના આધારે તપાસ થઇ રહી છે.

(3:05 pm IST)