Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વાળ કાપવાનું ચાલુ હતું ને મયુર પર મિત્ર અલ્તાફ બનેવી સાથે મળી તૂટી પડ્યોઃ છરીના પાંચ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

મારી ઘરવાળી બે દિ' પહેલા જતી રહી છે, કયાં છે એ તું જાણે છે...એવી શંકા કરી હુમલો કર્યો : મનહરપુર-૨માં બનાવઃ કોળી યુવાન હોસ્પિટલના બિછાનેઃ ગાંધીગ્રામ પોલીસે પરાપીપળીયાના અલ્તાફ ઉર્ફ ભાયો અને રૈયાધાર રહેતાં તેના બનેવી ટકા સામે ગુનો નોંધ્યોઃ અલ્તાફ અગાઉ મર્ડરમાં સંડોવાયો'તો

રાજકોટ તા. ૨: મનહરપુર-૨માં વાળ કપાવી રહેલા કોળી યુવાન પર પરાપીપળીયામાં રહેતાં તેના જ મુસ્લિમ મિત્રએ પોતાના બનેવી સાથે મળી છરીથી હુમલો કરી પાંચ ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં યુવાન સારવાર હેઠળ છે. મુસ્લિમ યુવાનની પત્નિ ઘરેથી નીકળી ગઇ હોઇ તેની જાણ કોળી યુવાનને હોવાની શંકા કરી આ હુમલો કરાયો હતો.

ગાંધીગ્રામ પોલીસે આ બારામાં મનહરપુર-૧ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે ખીજડાવાળી શેરીમાં રહેતાં અને પડધરી ખાતે એકસટર્નલ બી.એ.વાણિજ્ય વ્યવસ્થાનોં અભ્યાસ કરતાં મયુર ઉર્ફ લાલો વિનોદભાઇ ધરજીયા (કોળી) (ઉ.૨૫)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર પરાપીપળીયા એકતા સોસાયટીના અલ્તાફ ઉર્ફ ભાયો ઇકબાલભાઇ બેલીમ અતે નેના બનેવી ટકો સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

હોસ્પિટલના બિછાનેથી મયુરે જણાવ્યું હતું કે હાલમાં હું અભ્યાસ કરવા ઉપરાંત મુળ ગામ મનહરપુરમાં મકાનનું કામ ચાલુ હોઇ ત્યાં કડીયા કામ પણ કરુ છું અને પડધરીથી અપડાઉન કરુ છું. ગુરૂવારે બપોરે હું મનહરપુર-૨ ગામમાં મારા મિત્ર વિરાજની સાધના હેર સલૂન નામની દૂકાને દાઢી કરાવવા વાળ કપાવા ગયો હતો અને વિરાજ મારા વાળ કાપી રહ્યો હતો તે વખતે જ મિત્ર અલ્તાફ ઉર્ફ ભાયો અને તેનો બનેવી ટકો આવ્યા હતાં.

અલ્તાફે મને કહેલું કે તુ મારી પત્નિને એકાદ મહિના અગાઉ લઇ ગયો હતો અને એ પછી તે પાછી આવી ગઇ હતી. હવે તે બે દિવસ પહેલા પાછી ઘરેથી જતી રહી છે અને તે કયાં છે તેની તને ખબર છે તેમ કહેતાં મેં અલ્તાફને કહેલું કે હું તારી ઘરવાળીને ભગાડી નહોતો ગયો પરંતુ તારા સાસુના કહેવાથી તેને જામનગર તેના ફઇના ઘરે મુકવા ગયો હતો.

આ વાત થતાં અલ્તાફ અને તેનો બનેવી બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને મને મા-બહેન સમી ગાળો દેવા માંડતા મેં ગાળો ન બોલવાનું કહેતાં ટકાએ નેફામાંથી છરી કાઢી હતી. અલ્તાફે એ છરી ટકાના હાથમાંથી લઇ મારા પર ઘા કરતાં જમણા ખભા નીચે, ડાબા ખભા પર, જમણા હાથ, અને કલાઇ પર તેમજ બાદમાં ટકાએ સાથળ પર બે ઘા મારી દેતાં હું લોહીલુહાણ થઇ પડી ગયો હતો. વિરાજે મને વધુ મારથી બચાવ્યોહ તો. માણસો ભેગા થઇ જતાં સાળો-બનેવી ભાગી ગયા હતાં. મને મિત્રએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અલ્તાફની ઘરવાળી બે દિવસ પહેલા જતી રહી હોઇ તે કયાં છે તેની મને જાણ હોવાની શંકા કરી હુમલો કરાયો હતો.

પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી, ભુમિબેન અને શિવભદ્રસિંહે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ડી. સ્ટાફની ટીમો સાથે મળી દોડધામ આદરી છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અલ્તાફ ઉર્ફ ભાયો અગાઉ હત્યાના ગુનામાં પણ સંડોવાઇ ચુકયો છે અને પાસામાં પણ જઇ આવ્યો છે.

(10:22 am IST)