Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટમાં ફરી કોરોના બિહામણો આજે વધુ ૧૨ને ભરખી ગયોઃ નવા ૧૨૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૧૧ પૈકી ૪ કોવીડ ડેથ થયા : શહેરમાં હાલ ૧૦૦૩ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૧૯,૩૯૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૦૯૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૩.૮૯ ટકા થયો

રાજકોટ તા. ૨ : શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગઇકાલે ૧૧ મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૧૨નો ભોગ લીધો છે .જયારે બપોર સુધીમાં જ ૧૨૦ કેસ નોંધાયા છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા. ૧ માર્ચ નાં સવારના ૮ વાગ્યાથી આજે તા. ૨ એપ્રિલનાં સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના ૧૧ દર્દીઓના મોત નિપજયા હતા.

ગઇકાલે ૧૧ પૈકી ૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જીલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં ૮૧૭ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૧૭૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે.  કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૧૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 બપોર સુધીમાં કોરોનાએ સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૯,૩૯૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૫,૮૭૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૭૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૦૪ટકા થયો  હતો. જયારે ૧૩૨ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૬,૭૭,૮૯૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૯,૩૯૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૦૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:13 pm IST)