Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આજે 'વર્લ્ડ ઓટીઝમ ડે' : કલેકટર કચેરી બ્લૂ લાઇટથી ઝગમગી ઓટીઝમ પીડિત વ્યકિતઓને સન્માન આપવા કલેકટરની અપીલ

જાહેર મીલ્કતો - ઘરોને બ્લૂ રોશનીથી શણગારવા અનુરોધ : દુનિયામાં ૨ ટકા લોકો પીડિત

રાજકોટ તા. ૨ : યુનાઇટેડ નેશનસ દ્વારા સમગ્ર વિશ્વમાં બીજી એપ્રિલે 'વર્લ્ડ ઓટીઝમ ડે' ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે તમામ જાહેર મિલ્કતો અને ઘરોને બ્લુ રોશનીથી શણગારવામાં આવે છે.

 

જાણીતી હિન્દી ફિલ્મ 'બરફી'માં પ્રિયંકા ચોપડાએ ઓટીઝમગ્રસ્ત યુવતીની ભુમિકા ભજવી હતી, ત્યારથી સામાન્ય નાગરિકોને ઓટીઝમ રોગની થોડી ખબર પડતી થઇ છે. દુનિયામાં લગભગ બે ટકા કરતા વધારે લોકો ઓટીઝમ રોગથી પીડિત છે, આ રોગ કોઈ બીમારી નથી, પરંતુ એક માનસિક અવસ્થા છે, જે જીવન પર્યંત વ્યકિતની સાથે જોડાયેલી રહે છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના આ રોગથી પીડિત વ્યકિત પણ સમાજ અને સોસાયટીનો જ એક ભાગ છે અને તે આપણા સમાજના અનેક પરિવારનું જીવન બિંદુ છે. તેમના સમર્થન માટે પૂરી દુનિયામાં આ દિવસે પ્રાઇવેટ બિલ્ડીંગ, હોટેલો, જાહેર સ્થળો વગેરેને બ્લુ કલરની લાઈટથી ડેકોરેટ કરવામાં આવે છે અમેરિકામાં ૨ એપ્રિલે ૧૮ હજારથી વધારે બિલ્ડિંગોને ડેકોરેટ કરવામાં આવે છે, મુંબઈ-બેંગલોર- દિલ્હી જેવા મેગા સિટી, જસલોક હોસ્પિટલ, રીલાયન્સ હોસ્પિટલ, તાજ હોટેલ વગેરે જેવા અનેક જાણીતા બિલ્ડિંગોને આજે બ્લુ રંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં ઓટીઝમની બીમારી ધરાવતા બાળકો સાથે કાર્ય કરતી જુદી-જુદી સંસ્થાઓ બીજી એપ્રિલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસને ઉજવવા માટે ઓટીઝમગ્રસ્ત નાગરિકોના સમર્થન માટે જાહેર જનતા તેમજ કોર્પોરેટ કંપનીઓ બ્લુ કલરની લાઈટથી પોતાની બિલ્ડીંગને સજાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. અને ઓટીઝમ વાળા બાળકો અને વ્યકિતઓને સમર્થન આપવાની અપીલ કરવામાં આવે છે, કારણકે તેઓ પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પણ દિવ્યાંગ વ્યકિતઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે, આથી દિવ્યાંગોને સ્વીકારી સમાજમાં સન્માનભેર તેમને સ્થાન આપવાનો આ એક સુયોગ્ય અવસર છે. દરેક ક્ષેત્રે અગ્રેસર રહેલા રાજકોટના નાગરિકો બ્લુ કલરની લાઈટથી પોતાના બિલ્ડિંગને ડેકોરેટ કરી પૂરા વિશ્વના ઓટીઝમગ્રસ્ત લોકોને માનભેર સમર્થન આપવામાં પણ અગ્રેસર રહેશે, તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરાયો છે.

(12:49 pm IST)