Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાએ રાજકોટના ઇમીટેશન જવેલરી ઉદ્યોગની રોનક છીનવી લીધી : ૬૦ ટકા જેટલો વેપાર ઠપ્પ

વાર્ષિક રૂ. ૩૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે ઉદ્યોગ : ૩ લાખને રોજગારી પણ આપે છે : ૪૦૦ કરોડની તો નિકાસ કરે છે : કાચામાલના ભાવમાં ૭૦ ટકાનો વધારો થતાં ઉદ્યોગને મરણતોલ ફટકો

રાજકોટ તા. ૨ : કાચા માલની કિંમતો આકાશને આંબવા લાગતા અને કોરોના કેસમાં ઉછાળો આવવાથી રાજકોટનો ઇમીટેશન જવેલરી ઉદ્યોગ કોરોના મહામારીની શરૂઆતથી નાણાભીડ અનુભવી રહ્યો છે.

છેલ્લા એક વર્ષથી મુશ્કેલી અનુભવી રહેલા આ ઉદ્યોગ સાથે ૩ લાખ લોકો સંકળાયેલા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ૩૦૦૦ કરોડ રૂપિયાનું છે. છેલ્લા ૩ મહિનામાં કાચા માલના ભાવોમાં ૬૦ થી ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે. જેના કારણે ઘણા ઉત્પાદકોએ હોલસેલરોના ઓર્ડરો કેન્સલ કરવાની ફરજ પડી છે. કેમકે જુના ભાવે માલ ડીલીવરી કરવાનું તેમણે પોસાય તેમ નથી.

ઉદ્યોગના નિયમો અનુસાર ઉત્પાદકો અથવા કારીગરો તૈયાર થયેલ માલ ઓર્ડર મુજબ વેપારી અથવા હોલસેલરને આપે છે. કલર, ઝીંક અને તાંબા જેવી ધાતુઓ વગેરે કાચો માલ ઉત્પાદકો ખરીદે છે અને તૈયાર થયેલ ઉત્પાદનો વેપારીને સપ્લાય કરાય છે. મોટા ઉત્પાદકો કારીગરોને પોતાના યુનીટમાં રાખે છે અથવા આઉટ સોર્સીંગ દ્વારા જવેલરી તૈયાર કરાવે છે. ઇમીટેશન જ્વેલરી એસોસીએશનના પ્રમુખ જીતેશ શાહે કહ્યું કે જાન્યુઆરીમાં બધા વેપારીઓએ નક્કી કરીને ૨૦ ટકા ભાવ વધાર્યા હતા. પણ ફેબ્રુઆરીમાં કાચા માલના ભાવ રોકેટ ગતીએ વધી જતા ઉત્પાદકોએ વધુ ૩૦ ટકાનો વધારો માંગ્યો હતો. પણ ગ્રાહકોને પહેલાથી ભાવ નક્કી કરેલા હોવાથી તે શકય નહોતું. શાહ અનુસાર ઘણા બધા ઉત્પાદકોએ જુના ભાવે માલનો સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે જેના કારણે તેમનો ધંધો ૬૦ ટકા જેટલો ઘટી ગયો છે.

(3:10 pm IST)