Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ, આશિષ ક્રેડિટ સોસાયટીના ફૂલેકાનો આંકડો અડધા અબજે પહોંચ્યોઃ ત્રણ ઝડપાયા

રોકાણકારોને સારા રિટર્નની લાલચ આપી આચરાયેલા કૌભાંડમાં બે દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદમાં યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી : પ્રદિપ ડાવેરા, દિવ્યેશ કાલાવડીયા અને હિતેશ લુક્કાની ધરપકડઃ છેતરાયેલા લોકોને પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરવા અપિલ : પરસાણાનગરના રાજેશભાઇ જીવરાજભાઈ વાઘેલાની ફરિયાદ પરથી ૪,૭૩,૦૦,૦૦૦ની ઠગાઇનો ગુનો દાખલ થયો હતોઃ તપાસમાં આંકડો અડધા અબજે પહોંચ્યો : ૧૦૦૦ રોકાણકારોની રકમ શેરબજારમાં સલવાયાનું ત્રણેય આરોપીઓનું કથન : દર મહિને ૧ લાખના રોકાણ પર ૧૦ હજાર રિટર્ન અને ૧૧ મહિને રૂપિયા તથા મુળ રોકાણ પાછુ આપવાની લાલચ અપાઇ હતી : રોકાણકારોના નાણાનું સેલિબ્રેશન કોમોડિટી, ટેડબૂલ્સ ઇકવીટી કોમોડિટી અને માસ્ટર કેપિટલમાં રોકાણ કરાતું હતું : સમય ટ્રેડિંૅગમાં ૧ લાખથી માંડી ૫૦ લાખ સુધીનું રોકાણઃ અમુકે લોન લઇને રોકાણ કર્યુ, અમુકે નોકરીમાંથી નિવૃતી બાદ મળેલી રકમ રોકીઃ અમુક તો રિટર્ન મળે એ પણ ફરીથી રોકાણ પેટે આપી દેતા હતાં : ૨૦૧૭માં સુત્રધાર પ્રદિપ વલસાડથી આવ્યો, શેર બજારનું નાનુ કામ શરૂ કર્યુઃ એ પછી રોકાણકારોને લલચાવ્યા, ઓફિસ ખોલી, એજન્ટો મારફત હજારો રોકાણકારોને લલચાવ્યા

યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધેલા ઠગાઇના આરોપીઓ (નીચે બેઠેલા) તથા માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા સાથે પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા અને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે ધ સ્પાયર બિલ્ડીંગમાં બેસતી સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સામે બે દિવસ પહેલા કાવત્રુ ઘડી રોકાણકારોને વાયદા આપી બહાના બતાવી રૂપિયાનું રોકાણ કરવાથી ખુબ સારુ રીટર્ન મળશે તેવી લાલચો આપી અલગ અલગ ૧૧૧ ખાતેદારોના રૂ. ૪,૭૭,૦૦,૦૦૦ ચાંઉ કરી જવાનો ઓળવી જવાનો ગુનો મંડળીના સંચાલકો સામે દાખલ થયો હતો. પોલીસે તપાસ કરતાં આ કૌભાંડનો આંકડો માત્ર પોણા પાંચ કરોડ નહિ પરંતુ અધધધ પોણા અબજ સુધી પહોંચ્યો છે. પોલીસે મુખ્ય સંચાલક સહિત ત્રણને ઝડપી લઇ વિશેષ તપાસ શરૂ કરી છે. હાલ તો આ ત્રણેય રોકાણકારોની રકમ શેરબજારમાં ફસાઇ ગયાનું રટણ કરી રહ્યા છે.

યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરસાણાનગર-૪માં રામદેવપીર મંદિર પાસે રહેતાં અને પ્રાઇવેટ નોકરી-સફાઇ કામ કરતાં રાજેશભાઇ જીવરાજભાઈ વાઘેલા – વાલ્મીકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના પ્રદિપ ખોડાભાઇ ડાવેરા (બોરીચા આહિર) (ઉ.વ.૩૦-ધંધો વેપાર, રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે મણીનગર-૬ કુવાડવા રોડ), દિવ્યેશ અશોકભાઇ કાલાવડીયા (પટેલ) (ઉ.વ.૩૨-ધંધો શેરબજાર, રહે. ગંગોત્રી પાર્ક મેઇન રોડ, ટીએન રાવ કોલેજ પાછળ નંદભૂમિ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૮૩૩) તથા હિતેષ મનસુખલાલ લુક્કા (લોહાણા) (ઉ.વ.૪૧-ધંધો શેરબજાર-રહે. ચંદન પાર્ક-૭, શ્રીકુંજ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૪) તથા તપાસમાં ખુલે તેની સામે  આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એકટની કલમ ૩ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તપાસને અંતે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ફૂલેકાનો આંકડો અધધધ ૫૦ કરોલડને પાર થઇ ગયો છે.

ફરિયાદી રાજેશભાઇ તથા બીજા ૧૧૦ રોકાણકારોએ એજન્ટો મારફત સમય ટ્રેડીંગમાં સ્કીમ ચાલતી હોઇ તેમાં શેરબજારમાં રોકાણ કરવાથી નફા ઉ૫૨ રોકાણના ૧૦ ટકા લેખે રિટર્ન દર મહિને મળશે તેવી લાલચે એક લાખથી માંડી ૨૯ લાખ કે એથી વધુની રકમનું રોકાણ કર્યુ હતું. પરંતુ સમય જતાં અમુકને માત્ર એકાદ લાખની રકમો મળી હતી. બાકીનાને રકમો પરત મળવાનું બંધ થતાં રજૂઆતો શરૂ થઇ હતી. પરંતુ સંચાલકો માત્ર આસ્વાસન આપતા હતાં.  અંતે છેતરાયેલા લોકોની પોલીસે ફરિયાદ નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી.

સુત્રધાર સહિતના આરોપીઓની પુછતાછમાં બહાર આવેલી વિગતો

આરોપીઓની પુછપરછ થતાં એવી વિગતો ખુલી છે કે મુખ્ય સુત્રધાર ગણાતો પ્રદીપ ડાવેરા ર૦૧૭માં વલસાડ થી રાજકોટ રહેવા આવેલ અને પોતાની રીતે શેરબજાર ટ્રેડીંગનું કામ ચાલુ કરેલ હતુ. બાદ રોકણકારોનો સંપર્ક કરી સારૂ રીટર્ન આપવાની લાલચ આપી હતી. પ્રારંભે  રોકાણકારોને રોકાણ પર સારૂ અને સમયસર રીટર્ન મળવા લાગતાં લાભ મેળવનારા રોકાણકારોએ મોઢામોઢ વાતો કરતાં બીજા રોકાણકારો પણ પ્રદિપનેમળવા માંડ્યા હતાં. રોકાણકારો વધવા લાગતાં આવા  રોકાણકારોને  જ એજન્ટો બનાવી એજન્ટો મારફત રોકાણ કરાવવાનું ચાલુ કર્યુ હતું.

દર મહિને એક લાખ રૂપીયાના રોકાણ પર રૂ.૧૦,૦૦૦ એમ કુલ-૧૧ મહિને રૂપીયા આપતા અને રોકાણકારોના મુળ રોકાણ પણ પરત આપવાની વાત કરતા રોકાણકારો વધુને વધુ રોકાણ કરવા લલચાવા માંડ્યા હતાં.

એ પછી ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આકૃતી બીજ હબમાં ઓફોસ નં.૨૦૧માં સમય ટ્રેડિૅગથી પેઢી ચાલુ કરેલ બાદ જુલાઇ ૨૦૧૯ માં ૧૫૦ કુટ રીંગ રોડ શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગ પહેલો માળ ૧૦૬ ખાતે આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરેલ હતી. આમ રોકાણકારોના રૂપીયા સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માં એજન્ટો મારફતે રોકાવેલ હતા. બાદ રોકાણ પર ડિસેમ્બર ૨૦૧૯થી રીટર્ન આપવાનું બંધ કરેલ અને રોકાણકારોએ રોકેલા રૂપીયા પરત આપવાનું ચાલુ કરેલ હતુ. તપાસમાં એવું માલુમ પડ્યું છે સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડમાં રોકાણકારોના અંદાજે ૫૦ કરોડ રૂપીયાનું કોંભાડ થયું છે.

રોકાણકારોના નાણાનું કયાં કયાં રોકાણ કર્યુ?

પ્રદિણે જેટલા રોકાણકારોના નાણા પોતાને રોકાણ માટે મળ્યા એ તમામ રકમનું રોકાણ સેલીબ્રેશન કોમોડીટી તથા ટેડબૂલ્સ ઇકવીટી કોમોડીટી અને માસ્ટર કેપીટલમાં રોકાણ કર્યુ હતું.

કામ વધી જતાં પ્રદિપે નવી ઓફિસ ખોલી બે પાર્ટનર રાખ્યા

પ્રદિપે બાદમાં સમય ટ્રેડીંગ નામથી પેઢી ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આકૃતી બીજ હબ બીજા માળે ઓફીસ નં.૨૦૧ માં ચાલુ કરેલ હતી. તેમા હિતેશ લુકકા તથા દિવ્યેશ કાલાવડીયાને પાર્ટનરશીપ રાખી ડીડ કરી સમય ટ્રેડીંગ પેઢી ચાલુ કરી હતી. જેમા ૯૦ ટકામાં પ્રદીપ ડાવેરા તથા પ ટકામાં હિતેશ લુકકા તથા પ ટકામાં દિવ્યેશ કાલાવડીયા પાર્ટનરમાં હતા. આ બાબતે નોટરીરાઇઝ લખાણ કરાવેલ હતુ.

સાંઇ સમય ટ્રેડીંગ નામની પેઢીમાં શું શું થયું છે? તેની તપાસ હજુ ચાલુ છે.

આશીષ ક્રેડીટ કો ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી લીમીટેડ જુલાઇ-૨૦૧૯ થી ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલપાર્ક પાસે આવેલ ધ સ્પાયર બિલ્ડીંગ પહેલો માળ ૧૦૬ ખાતે આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરેલ હતી. આ આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી મહેસાણાની પાર્ટી પાસેથી ખરીદ કરી ચાલુ કરેલ હોવાનું આરોપીઓએ જણાવ્યું છે.

આ આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટીમાં ચેરમેન પ્રદિપ ડાવેરા છે. જ્યારે વાઇસ ચેરમેન હિતેશ લુકકા તથા સેક્રેટરી તરીકે દિવ્યેશ કાલાવડીયા છે. અહિ કલેકશન મેનેજર દિપક કોટડીયા, ડાયરેકટર તરીકે પાર્થ જનકભાઇ ઝાલા, મોનીલ દિનેશભાઇ નાકરાણી તથા કમલેશ સાપોવાડીયા હતાં.  આ આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટીની ઓફીસ ચાલુ કરેલ ત્યારે ૧૧૦ સભ્યો હતા. બાદ આ સભ્યોની સંખ્યા ૩૫૦ થયેલ હતી.

સમય ટ્રેડિંગમાં જોત જોતામાં એક હજાર રોકાણકારો થઇ ગયા

સમટ ટ્રેડિંગમાં રિટર્ન સારુ મળે છે તેવી એજન્ટોની સતત વાતોમાં રોકાણકારો આવી ગયા હતાં અને જોતજોતામાં જ આ પેઢીમાં ૧૦૦૦ જેટલા રોકાણકારો થઇ ગયા હતાં. આ રોકાણકારોએ રોકડા તથા ચેકથી ૧ લાખથી માંડી ૫૦ લાખ સુધીનું રોકાણ કર્યુ હતું. જેમાં તેમને ૧ લાખ રૂપીયાના રોકાણ પર દરમહિને રૂ.૧૦,૦૦૦/એમ અગિયાર મહિના સુધી રૂપીયા ૧૦,૦૦૦ આપવામાં આવતા હતા

મુળ રકમ પરત ન આપી રોકાણ કરવામાં આવતુ હતુ. રોકાણકારોને વધુ નફો મળતો હોઇ જેથી પોતે તથા પોતાના સગાવહાલાના રૂપીયા તથા પર્સનલ લોન લઇ તેમજ નિવૃતીની મળેલી રકમનું પણ રોકાણ કરતા હતા. તેમજ કેટલાક રોકાણકારો પોતાનું રોકાણ વધ્યા રાખે તે માટે મળતુ રીટર્ન તેમજ બીજી બચતના રૂપીયા પણ રોકાણમાં જોડી દેતાં હતાં.

એજન્ટો પોતાના સગા, સમાજના લોકોને લાવતાં

શરૂઆતમાં રોકાણ કરેલ લોકોને સારૂ રીટર્ન મળતુ હોઇ જેથી અન્ય લોકોનો સંપર્ક કરી એજન્ટો તેને પ્રદીપ ડાવેરા પાસે રોકાણ કરાવવા સમજાવતાં હતાં. આ રોકાણ પર એજન્ટોને સારૂ એવુ કમિશન પણ મળતુ હતુ. એજન્ટો પોતાના સમાજના લોકો તેમજ સગાવહાલાનો સંપર્ક કરતા અને વધુ રોકાણ કરાવી સારૂ એવુ કમિશન મેળવતા હતા.

તપાસ કરનારી ટીમ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કૌભાંડની તપાસ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. વોરા, હેડકોન્સ. રાજેશભાઇ એન. મિયાત્રા, બલભદ્રસિંહ ડી.ચુડાસમા, ગીરીરાજસિંહ એસ.જાડેજા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા, મહેન્દ્રસિંહ કે.ડોડીયા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મેહુલસિંહ ચૂડાસમા, રાવતભાઇ ડાંગર, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રર્સિહ જાડેજા સહિતની ટીમ તપાસ કરી રહી છે.

આરોપીઓના કોવિડ ટેસ્ટ થયા બાદ  વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થશે. હાલ તો આરોપીઓ તમામ રોકાણકારોના નાણા શેરબજારમાં ફસાઇ ગયાનું રટણ કરી રહ્યા છે. પોલીસ આવા રોકાણોની તપાસ કરશે.

(3:12 pm IST)