Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટ નાગરીક બેંકનો અભૂતપૂર્વ રૂ.૧૨૯ કરોડ નફોઃ ગત વર્ષ કરતાં ૪૬ ટકાનો વધારો

કુલ બિઝનેશ રૂ.૮,૨૭૬ કરોડઃ રૂ.૫૧૪૦ કરોડના થાપણ, ધિરાણ રૂ.૩,૧૩૬ કરોડ

રાજકોટઃ વર્ષ ૨૦૨૦-૨૧ કોરોના મહામારીને લઇને બેંકિંગ જગતને હચમચાવનારુ નીવડ્યું. એવા કપરા સમયમાં પણ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડે સુંદર વ્યાવસાયિક પરિણામો વડે નવો ચીલો ચાતર્યો છે.  બેંકના ચેરમેન નલિનભાઇ વસા તથા વાઇસ ચેરમેન શૈલેષભાઇ ઠાકરની યાદીમાં જણાવ્યા અનુસાર ૩૧ માર્ચ ૨૦૨૧ના અંતિત વર્ષ માટે બેંકે અભૂતપૂર્વ નફો રૂ. ૧૨૯ કરોડ નોધાવેલ છે. જે ગત વર્ષના નફા કરતાં અધધ ૪૬ ટકા વધારે છે.

જ્યારે ફુલ થાપણો રૂ. ૫,૧૪૦ કરોડ (ગત વર્ષ કરતાં ૯ ટકાની વૃદ્ધિ), કુલ ધિરાણ રૂ. ૩,૧૩૬ કરોડ (ગત વર્ષ કરતાં ૨૧ ટકાની વૃદ્ધિ), કુલ બિઝનેશ રૂ. ૮,૨૭૬ (જે ગત વર્ષ કરતાં ૧૩.૫ ટકા વધારે) રહ્યા છે. વિશેષમાં બેંકનું નેટ એનપીએ ખૂબ જ નજીવુ છે અને ટૂકાગાળામાં નેટ એનપીએ જીરોનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. ઉલ્લેખનીય છે કે બેંકના નફામાં વૃદ્ધિ તેના વ્યાવસાયિક અભિગમ થકી નથી થઇ. બલકે, બેંકના માનવીય અભિગમ દ્વારા થઇ છે. કોરોના મહામારીને લઇ આર્થિક બેહાલી પામેલા નાના અને મધ્યમવર્ગના ૪૦ હજાર ઉપરાંત વ્યવસાયીઓને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ રૂ।. ૫૨૨ કરોડનું ધિરાણ આપવાને લઇને આ વ્યવસાય વૃદ્ધિ તથા નફામાં વધારો થયેલ છે.

 બેંકની વિવિધ શાખાઓમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) કાર્યરત છે અર્થાત ૨૪ કલાક ૩૬૫ દિવસ રોકડ જમા કે ઉપાડ કરી શકાય છે. બેંકની મોબાઇલ એપ દ્વારા ઘેર બેઠાં જ એનઇએફટી અને આરટીજીએસ કરી શકાય છે. બેકની વેબસાઇટ WWW. RNSBINDIA.COM ઉપરથી તમારા બેંક ખાતાનું સ્ટેટમેટ જોઇ શકાય છે. બેંકની મોબાઇલ એપ, BHIM એપ દ્વારા સતત અવિરત બેંકિંગ સુવિધાઓ મેળવી શકાય છેે. બેંકે છેલ્લા ૮ વર્ષથી સભાસદોને રૂ. ૧ લાખનાં અકસ્માત વીમા કવચની ભેટ આપેલી છે. સરકારની વિવિધ આવાસ યોજનાનાં મહત્તમ ધિરાણ ખાતેદાર રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી ધિરાણ મેળવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:24 pm IST)