Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટમાં રોકાણકારોનું ૫૦ કરોડનું ફૂલેકું ફેરવનારા જબ્બે

રોકાણકારોને બમણા કરી આપવા લાલચ આપી હતી :આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ લિમિટેડ સોસાયટી, સમય ટ્રેડિંગ અને સાંઇ સમય ટ્રેડિંગના સંચાલકો સામે ફરિયાદ

રાજકોટ, તા. ૨ : રાજકોટમાં રોકાણકારોનું ૫૦ કરોડનું ફુલેકું ફેરવી નાખનાર ટ્રેડિંગ કંપનીનાં ત્રણ સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે. શેર બજારમાં રોકાણ કરીને રોકાણકારોને બમણા રૃપીયા આપવાની લાલચ આપી અનેક લોકોનાં રૃપીયા ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીની વધુ તપાસ શરૃ કરી છે.

રાજકોટમાં ફરી એક વખત ક્રેડીટ કો-ઓપરેટીવ લિમિટેડ સોસાયટી અને ટ્રેડિંગ કંપનીનાં સંચાલકોએ રોકાણકારોમાં કરોડો રૃપીયાનું ફુલેકુ ફેરવી જવાની ઘટના સામે આવી છે. રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા અને સફાઇકામ કરતા રાજેશ વાઘેલાએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ લિમિટેડ સોસાયટી, સમય ટ્રેડિંગ અને સાંઇ સમય ટ્રેડિંગનાં સંચાલક પ્રદિપ ખેડાભાઇ ડાવેરા, દિવ્યેશ ઓશોકભાઇ કાલાવડીયા અને હિતેશ મનસુખભાઇ લુક્કાએ અંદાજીત ૧૫૦ રોકાણકારોનાં કરોડો રૃપીયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી.

જેની પોલીસે તપાસ કરતા આરોપીઓએ રૃપીયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે લાખો રૃપીયા રોકાવ્યા હતા અને શેરબજારમાં રોકાણ કર્યું હતું. પોલીસ તપાસમાં અંદાજીત ૫૦ કરોડ રૃપીયાનું ફુલેકું ફરવ્યું હોવાનું ખુલતા ત્રણેય આરોપીઓ સામે પોલીસે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્સ્ટ્રેટ  ઓફ ડિપોઝીટ એક્ટની કલમ ૩ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

રાજકોટ પોલીસનાં કહેવા મુજબ, મુખ્ય સુત્રધાર પ્રદિપ ડવેરા છે જે વર્ષ ૨૦૧૭માં વલસાડ થી રાજકોટ રહેવા માટે આવ્યો હતો અને પોતાની રીતે શેર બજારનું ટ્રેડિંગ શરૃ કર્યું હતું. રોકાણકારોનો સંપર્ક કરી સારૃ રીટર્ન આપવાની લાલચ આપતો હતો. રોકાણકારો વધવા લાગતા એજન્ટ બનાવીને એજન્ટો મારફતે રોકાણકારોનાં રૃપીયા રોકાવવાનું શરૃ કર્યું હતું. ત્યારબાદ ૧૫૦ ફુડ રોડ પર રૈયા ટેલિકોમ એક્સચેન્જ પાસે આકૃતિ બિજ હબમાં ઓફિસ શરૃ કરીને સમય ટ્રેડિંગ નામની ઓફિસ શરૃ કરી હતી.

જૂલાઇ ૨૦૧૯માં શિતલપાર્ક નજીક આવેલ ધ સ્પાયર બિલ્ડીંગનાં પ્રથમ માળે આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી શરૃ કરી હતી. જેમાં રોકાણકારોને સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ અને આશિષ ક્રિડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં રોકાણ કરાવતા હતા. જેમાં રોકાણકારોને એજન્ટ બનાવીને અન્ય લોકોને એજન્ટ મારફતે રૃપીયાનું રોકાણ કરાવતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પ્રદિપ ડવેરા ચેરમેન હતો, જ્યારે આરોપી  હિતેશ લુક્કા વાઇસ ચેરમેન અને સેક્રેટરી તરીકે દિવ્યેશ કાલાવડીયા હતો. જોકે રોકાણકારોનાં કરોડો રૃપીયાનું ફુલેકું ફેરવી જનાર આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કરોડો રૃપીયાનું ક્યાં રોકાણ કર્યું છે અને શા માટે રોકાણકારોને રૃપીયા પરત કરવામાં આવ્યા નથી અથવા તો ખોટ શેમાં ગઇ છે સહિતની દીશામાં પોલીસે તપાસ શરૃ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સમય ટ્રેડિંગમાં રોકાણકારો ૧ લાખ થી લઇને ૫૦ લાખ સુધીનું રોકાણ કરતા હતા. જેમાં ૧ લાખનાં રોકાણ પર દર મહિને ૧૦ હજારનું વ્યાજ ચુકવવામાં આવતું હતું આવી રીતે ૧૧ મહિના સુધી ૧૦ હજાર દર મહિને ચુકવવામાં આવતા હતા અને મૂળ રકમ પરત ન આપીને રોકાણ કરાવવામાં આવતું હતું,. રૃપીયાની લાલચે રોકાણકારો પોતાનાં સગા સબંધીઓને પણ રોકાણ કરાવતા હતાઅને એજન્ટ બનાવીને વધુમાં વધુ લોકો રોકાણ કરે તેવા પ્રયાસો કરતા હતા. લોકો પર્સનલ લોન લઇને અથવા તો નિવૃતિની મરણમુડીને પણ આ ટ્રેડિંગ કંપની અને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરતા હતા.

(9:00 pm IST)