Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ટોચના બિલ્‍ડર સાથે સંકળાયેલાઓને આયકર નોટિસ

રાજકોટમાં આયકર વિભાગનું ‘ઓપરેશન બ્‍લુ ડાયમંડ' : ૧૨૦૦ થી ૧૪૦૦ લોકોને નોટિસો મળતા ખળભળાટઃ હજુ ૬૦૦ થી ૮૦૦ નોટિસો નીકળે તેવી સંભાવનાઃ મોટાપાયે રોકડ વ્‍યવહારો થયાનું ખુલ્‍યું: આગામી દિવસોમાં મોટા ધડાકા- ભડાકાના એંધાણ

રાજકોટ,તા.૧: આવકવેરા ખાતાએ કરચોરી તથા મોટા પ્રમાણમાં રોકડ વ્‍યવહારો કરનારા લોકોને સાણસામાં લેવાનું એક અભિયાન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે. જે અંતર્ગત રાજકોટમાં ‘ઓપરેશ બ્‍લુ ડાયમંડ' નામનું એક ખાસ અભિયાન હાથ ધરી એક મોટા ગજાના બિલ્‍ડર સાથે સંકળાયેલા લોકોને શકંજામાં લેવા ૧૨૦૦ થી ૧૪૦૦ જેટલી નોટિસો ફટકારી ખુલાસાઓ પુછતા ખળભળાટ મચી ગયો છે. જેમને આ નોટિસો મળી છે તેઓ જબરી દોડધામ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે.

ગયા વર્ષે રાજકોટના સૌથી મોટા ગજાના બિલ્‍ડર ગ્રુપ ઉપર પડેલા દરોડા પછી તેના એસેસમેન્‍ટ રિપોર્ટ તપાસ્‍યા બાદ રાજકોટના ૧૨૦૦ થી ૧૪૦૦ લોકોને ગઈકાલે રાત્રે આવકવેરા ખાતાએ સામટી નોટિસો ફટકારી ખુલાસા માગતા સનસનાટી મચી ગઈ છે.

ન્‍યુઝફર્સ્‍ટના અહેવાલ મુજબ સૌરાષ્‍ટ્રના બે અક્ષરના નામથી પ્રખ્‍યાત આ નામાંકિત બિલ્‍ડર હાલ તો કાનુની સલાહ માટે ભારે દોડધામ કરી રહ્યાનું બહાર આવ્‍યું છે. આ બિલ્‍ડર છેલ્લા ઘણા વર્ષોથી શહેરની ચારેબાજુ બીલાડીના ટોપની જેમ નવા પ્રોજેકટો બનાવી વેંચી રહ્યા છે.

આ દરમિયાન આવકવેરા તંત્રને આ ગ્રુપ દ્વારા થતી નાણાકીય ગેરરીતોઓ  અંગે શંકા જતા ખાનગી રીતે ‘ઓપરેશન બ્‍લુ ડાયમંડ' શરૂ કર્યું હતું, જેમાં આ બિલ્‍ડર ગ્રુપ દર વર્ષે કરોડોની કરચોરી કરતા હોવાનું મળેલ.

ગયા વર્ષે ઈન્‍કમ ટેક્ષ દ્વારા આ ગ્રુપ ઉપર દરોડોની કાર્યવાહી કરાતા રાજયભરમાં સોંપો પડી ગયો હતો. તે સમયથી તેમની ભારે મોટી રાજકીય વગ પણ ચર્ચામાં આવી હતી. શહેરનું પ્રખ્‍યાત બે અક્ષરના નામ ધરાવતા  આ ગ્રુપમાં અનેક નામાંકિત લોકોએ ચૂપચાપ લાખો- કરોડોનું ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કર્યું હોવાથી તેઓ પણ આ દરોડાની કાર્યવાહીમાં ફસાઈ ગયા હતા.

ન્‍યુઝ ફર્સ્‍ટના એક્‌સ્‍કલુઝીવ અહેવાલ મુજબ આ દરોડાની કાર્યવાહી દરમિયાન આઈ.ટી. ડીપાર્ટમેન્‍ટ છેલ્લા ૨ વર્ષમાં બિલ્‍ડરે બનાવેલ ૮ મોટા  પ્રોજેકટ ઉપર તપાસ કેન્‍દ્રિત કરતા બિલ્‍ડરે દરેક પ્રોપર્ટી વેંચતી વખતે ભારે મોટી માત્રામાં રોડક લીધાનું સ્‍પષ્‍ટ જાણવા મળેલ.

બિલ્‍ડરે એવી મોડસ ઓપરેન્‍ડી અપનાવી હોવાનું બહાર આવ્‍યું છે કે તેમના નાણાકીય વ્‍યવહારના મુખ્‍ય સોફટવેર ઉપરાંત અન્‍ય ‘મિરેકલ' સોફટવેરમાં કોડવર્ડ લેન્‍ગવેજમાં આ તમામ મોટા રોકડમાં થયેલ વ્‍યવહારોને જૂના વર્ષોના  હિસાબ તરીકે દર્શાવ્‍યા હતા.

જયારે આવકવેરા અધિકારીઓએ રજીસ્‍ટ્રાર ઓફિસમાંથી તમામ દસ્‍તાવેજો મગાવી સોફટવેરમાં નોંધાયેલ તમામ નામ સાથે સરખામણી કરતા સ્‍પષ્‍ટપણે કરચોરી થયાનું બહાર આવ્‍યું હતું.

આઈ.ટી. દ્વારા આ તમામ બાબતોની બારીકાઈથી ચકાસણી બાદ ગઈકાલે નાણાકીય વર્ષ પુરૂં થતું હોય ‘ટાઈમ બારીંગ' નિયમને ધ્‍યાનમાં રાખી આ બિલ્‍ડર ગ્રુપ દ્વારા વેચવામાં આવેલ પ્રોપર્ટીના અંદાજે ૧૨૦૦ થી ૧૪૦૦ માલિકોને રાતોરાત ખુલાસો પૂછતી નોટિસો પાઠવવામાં આવી છે. જેના પગલે શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે.

આ અગાઉ આવકવેરા ડીપાર્ટમેન્‍ટે અમદાવાદના પ્રખ્‍યાત બિલ્‍ડર ઉપર  (પ્રોપર્ટી ખરીદી હોય) તેવા મેમ્‍બર્સને પણ નોટિસ પાઠવી હતી.

આગામી સમયમાં આવકવેરા તંત્ર હજુ નવી ૬૦૦ થી ૮૦૦ નોટિસો પાઠવવા અંગે અભ્‍યાસ કરી રહ્યાનું ન્‍યુઝ ફર્સ્‍ટનો અહેવાલ જણાવે છે.

આ બિલ્‍ડર હવે ભીંસમાં આવ્‍યા પછી ભારે મુંઝાયાનું અને કાનૂની સલાહ- સૂચન તથા નવી રાજકીય ઓથ માટે દોડધામ કરી રહ્યાની પણ ભારે ચર્ચા છે.(૩૦.૧૭)

(3:24 pm IST)