Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કામદાર મુકેશ રાઠોડનું ટાંકામાં પડી જવાને લીધે મોતઃ બપોર સુધી માંગણીઓ ન સ્‍વીકારાતા રેલી સ્‍વરૂપે રજૂઆત

દુરદર્શન કેન્‍દ્ર પાસે ડ્રેનેજ પમ્‍પીંગ સેન્‍ટર ખાતે કોન્‍ટ્રાક્‍ટ બેઝથી વાલ્‍વ ખોલવાની નોકરી કરતો હતોઃ મૃતક મુળ કોડીનાર પંથકનોઃ પરિવારનો એકનો એક આધારસ્‍તંભ હતોઃ બેદરકારીનો આક્ષેપ :મૃતકના સ્‍વજનો, અનુસુચિત જાતીના આગેવાનો રાત્રે હોસ્‍પિટલે ઉમટતાં પોલીસ અધિકારીઓએ પહોંચી મામલો થાળે પાડયોઃ કલેક્‍ટર, પોલીસ કમિશનરને રજૂઆતઃ મૃતકના સ્‍વજનોને આવાસ, નોકરી આપવા સહિતની માંગણીઓ :વાલ્‍વ ખોલતી વખતે ટાંકામાં જોવા જતાં પડી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું: નજરે જોનાર અન્‍ય કર્મચારી સંજય રાઠોડનું નિવેદન નોંધાયુ

આગેવાનો, કાર્યકરો અને મૃતકના સગા સ્‍વજનો પોસ્‍ટમોર્ટમ રૂમથી રેલી સ્‍વરૂપે નીકળી મહાનગર પાલિકા ખાતે રજૂઆત કરવા નીકળ્‍યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરના ભાવનગર રોડ પર રામવન પાસે આવેલા મહાનગર પાલિકાના પમ્‍પીંગ સ્‍ટેશન પાસે પાણીનો વાલ્‍વ ખોલતી વખતે પાંત્રીસેક ફુટ ઉંડા ટાંકામાં પડી જતાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર વાલ્‍વ ખોલવાની નોકરી કરતાં મુળ કોડીનારના ચરખડીના અને હાલ આજીડેમ દૂરદર્શન પાસે ડ્રેનેજ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે જ રહેતાં મુકેશ પ્રતાપભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામના યુવાનનું ટાંકામાં પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃતકના કુટુંબીજનો અને અનુસુચિત જાતીના આગેવાનોએ આ બનાવમાં બેદરકારી કારણભુત હોવાનો આક્રોશ વ્‍યક્‍ત કરી મૃતકના પરિવારને આવાસ અને નોકરી મળે, જવાબદારો સામે કાર્યવાહી થાય અને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરવામાં આવે તથા ભવિષ્‍યમાં આવા બનાવ ન બને તે માટે કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગણી સાથે મૃતદેહ સંભાળવાનો ઇન્‍કાર કરી દીધો હતો. દરમિયાન બપોરે આગેવાનો પરિવારજનો રેલી સ્‍વરૂપે પોસ્‍ટમોર્ટમ રૂમેથી નીકળી હોસ્‍પિટલ ચોક થઇ મ્‍યુ. કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા જવા નીકળ્‍યા હતાં.

પ્રાપ્‍ત માહિતી મુજબ હાલ દૂરદર્શન કેન્‍દ્ર નજીક મહાપાલિકાના ડ્રેનેજ પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે સી ઇગલ ઇન્‍ફોકોમ પ્રા.લિ. કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર વાલ્‍વ ખોલવાની નોકરી કરતો અને અહિ જ રહેતો મુકેશ રાઠોડ ગઇકાલે બપોરે ઉંડા ટાંકામાં પડી જતાં બે કલાકની મથામણ બાદ ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતાં આજીડેમના હેડકોન્‍સ. હેમતભાઇ ધરજીયા સહિતે પહોંચી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસે ઘટના નજરે નિહાળનારા અન્‍ય કર્મચારી સંજય રાઠોડની પુછતાછ કરી હતી. સંજયએ કહ્યું હતું કે મુકેશ રાઠોડ ટાંકાનો વાલ્‍વ ખોલતો હતો પણ વવાલ્‍વ જામ થઇ ગયો હોઇ તેના એકથી ન ખોલતાં પોતાને ફોન કરતાં પોતે ત્‍યાં મદદ માટે જવા નીકળ્‍યો હતો. ટાંકાનું ઢાંકણું મુકેશે અગાઉથી ખોલીને રાખ્‍યું હતું. સજયના કહેવા મુજબ પોતે ટાંકાથી થોડે દૂર હતો ત્‍યારે સંજય વાલ્‍વ ફેરવતો ફેરવતો ટાંકામાં ડોકુ કાઢવા જતાં અંદર પડી ગયો હતો. આ જોઇ પોતે દોટ મુકી હતી અને તુરત તેને બચાવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડને અને બીજા સંબંધીતોને જાણ કરી હતી. જો કે બે કલાક બાદ મુકેશનો મૃતદેહ જ હાથ લાગ્‍યો હતો.

ઘટનાને પગલે મૃતકના કુટુંબીજનો અને અનુસુચિત જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્‍યામાં પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે આવી ગયા હતાં અને બેદરકારીને કારણે મૃત્‍યુની ઘટના બની હોવાનું કહી મૃતદેહ સંભાળવાનો ઇન્‍કાર કર્યો હતો. આગેવાનોને મૃતકના પરિવારને આવાસ મળે, નોકરી મળે, જવાબદારો સામે તુરત ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવે, ભવિષ્‍યમાં આવા બનાવ ન બને એ માટે કાયદો કડક બનાવાય અને ફોરેન્‍સિક પેલન દ્વારા પોસ્‍ટમોર્ટમ થાય પછી જ મૃતદેહ સંભાળવામાં આવશે તેવું કહેતાં માહોલ ગરમ થઇ ગયો હતો.

ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તથા આજીડેમના અધિકારીઓ અને બીજો સ્‍ટાફ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો અને મૃતકના સ્‍વજનોને શાંત પાડી યોગ્‍ય કાર્યવાહીની ખાત્રી આપી હતી. અનુસુચિત સમાજના આગેવાનો ડી. ડી. સોલંકી, માધુભાઇ ગોહિલ, રમેશભાઇ મુછડીયા, પરેશભાઇ સાગઠીયા, સતિષભાઇ સાગઠીયા, જયસુખભાઇ સોલંકી, મુકેશભાઇ ડાંગર, કેશુભાઇ સોલંકી, અમૃતભાઇ રાઠોડ સહિતના હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં.

આગેવાનોએ જણાવ્‍યા મુજબ આ બનાવ અંગે કલેક્‍ટરશ્રીને રજૂઆત કરવા તેમના બંગલા ખાતે પણ બધા ગયા હતાં. પરંતુ ત્‍યાં યોગ્‍ય જવાબ મળ્‍યો નહોતો. આથી ગુજરાત સ્‍ટેટ કન્‍ટ્રોલ રૂમમાં અને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમ આગેવાનોએ લેખિત યાદીમાં જણાવ્‍યું હતું. સવારે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર મુકેશ રાઠોડ એક ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. પિતા ઇકો ગાડીના ફેરા કરે છે. મુકેશ કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરી કરતો હોઇ તે નોકરીના સ્‍થળે જ રહેતો હતો. એકના એક દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. માંગણીઓ સ્‍વીકારાયા બાદ જ મૃતદેહ સ્‍વીકારાશે તેમ જણાવાયું હતું. દરમિયાન બપોર સુધી માંગણી સ્‍વીકારવામાં ન આવતાં આગેવાનો કાર્યકરો, મહિલા સભ્‍યો, કુટુંબીજનો રેલી સ્‍વરૂપે હોસ્‍પિટલ ચોક થઇ મ્‍યુ. કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા જવા નીકળ્‍યા હતાં. પીઆઇ એમ. જી. વસાવા અને ટીમે બંદોબસ્‍ત જાળવ્‍યો હતો

(3:42 pm IST)