Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભગવતીભાઇ મોદીને રાજકોટ યાદ કરે છે...

પ્રથમ પુણ્‍યતિથિએ મોદીકાકાને ભાવાંજલિ

ભગવતીભાઈ મોદી એટલે રાજકોટમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં સંગીતની દુનિયામાં ધબકતું નામ. રાજકોટમાં છેલ્લા ત્રીસ વર્ષથી જૂના સુમધુર હિન્‍દી ફિલ્‍મ સંગીતને જીવંત રાખવાનું કામ તેમના થકી થયું હતું. ગત વર્ષે ૩૦ એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું. કોરોનાકાળ ઘણી હસ્‍તીઓને આપણી વચ્‍ચેથી લઇ ગયો. કમનસીબે ભગવતીભાઈ આપણી વચ્‍ચેથી સેકન્‍ડ વેવ દરમિયાન ચાલ્‍યા ગયા. તેમના પછી ખરેખર ક્‍યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે. ભારતભરના સંખ્‍યાબંધ ગાયક કલાકારો જે સ્‍ટેજ પ્રોગ્રામો આપે છે તે આજે ભગવતીભાઈની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિએ તેમને યાદ કરે છે અને તેમની સાથેના સંસ્‍મરણો વાગોળે છે.

ભગવતીભાઈ અને સૂર-સંસાર એકબીજાના પર્યાય છે.  સૂર-સંસાર સંસ્‍થા વર્ષોથી ચાલે છે અને તેનાથી રાજકોટમાં કોઈ અજાણ્‍યું નહીં હોય. સૂર-સંસાર મુખ્‍યત્‍વે જુના હિન્‍દી ફિલ્‍મોના ગીતો રજૂ કરતી સંસ્‍થા છે. વર્ષના છથી સાત પ્રોગ્રામો સૂર-સંસાર સંસ્‍થા આપતી આવી છે. તેમાં રવિન્‍દ્ર જૈન, સંગીતકાર રવિ, પૂર્ણિમા, એક્‍ટર બીશ્વજીત, પાર્થિવ ગોહિલ જેવા દિગગજ કલાકારો આવીને રાજકોટના કેળવાયેલા ઓડિયન્‍સ માટે સુમધુર ગીતો રજૂ કરી ચુક્‍યા છે. તે ઉપરાંત હેમંત દાના ગીતો માટે જાણીતા સુરોજીત ગુહા, વોઇસ ઓફ મુકેશ એવા મુખ્‍તાર શાહ, સાયગલ અને પંકજ મલિકના ગીતોને આગવી રીતે રજૂ કરતા નિતાંત યાદવ સરીખા ઘણા ગાયક કલાકારોએ નિયમિતપણે સૂર-સંસારની શોભા વધારી છે. ગાયકો અને સંગીતવાદકો માટે એક આદર્શ મંચના સર્જક એટલે ભગવતીભાઈ. તેમના ડિઝાઇન કરેલા સંગીતના પ્રોગ્રામ રાજકોટના સંગીતપ્રેમીઓ આજીવન ભૂલી શકે એમ નથી. ભગવતીભાઈ પછી હવે સંગીતના શિસ્‍તબદ્ધ અને શિષ્ટાચારપૂર્ણ તથા લોકભોગ્‍ય પ્રોગ્રામ કોણ ઓર્ગેનાઇઝ કરશે એ સવાલ ભગવતીભાઈના ઘણા ચાહકો પૂછી રહ્યા છે.

ભગવતીભાઈ સરકારી કર્મચારી હતા. આખા ગુજરાતના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં તેમણે સરકારે આપેલું કાર્ય નિષ્ઠાપૂર્વક અને નીતિ સાથે નિભાવ્‍યું હતું. મૂળે તો તેઓ જૂનાગઢના એટલે અંગ્રેજોના સમયનો વહીવટ અને આઝાદી પછી આવેલા પરિવર્તનના તેઓ સાક્ષી રહ્યા હતા. ગામ ગામના અને ઘાટ ઘાટના પાણી પીવાના કારણે અને ઘરમાં પહેલેથી સાહિત્‍ય-સંગીતનું વાતાવરણ હોવાના કારણે તેમની કલા પ્રત્‍યે અભિરુચિ ખૂબ દ્રઢ બનતી ગઈ. તેમની કિશોરાવસ્‍થા દરમિયાન ટૂંકા સમય માટે ઝવેરચંદ મેઘાણીનો પણ સહવાસ તેમને મળ્‍યો હતો. જૂનાગઢ પ્રત્‍યે અનહદ લગાવ હોવા છતાં તેઓ નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્‍થાયી થયા. તેમણે નિવૃત્તિકાળનું આયોજન પહેલેથી કરી રાખ્‍યું હતું. જેનો લાભ રાજકોટને મળ્‍યો અને રાજકોટનો મ્‍યુઝિકલ લગાવ તેમને કારણે ઊંચો આવ્‍યો એવું કહી શકાય.

ભગવતીભાઈના ઘણા શોખમાંથી ત્રણ શોખ મુખ્‍ય હતા. એક વાંચનનો. તેઓ તેમના આયુષ્‍યકાળના છેલ્લા અઠવાડિયા સુધી સતત વાંચતા રહ્યા. તેમનો ગુજરાતી, ઈંગ્‍લીશ અને હિન્‍દી ભાષા ઉપરનું પ્રભુત્‍વ અવ્‍વલ દરજ્જાનું હતું.  જૂની એન્‍ટિક ચીજવસ્‍તુઓને બહુ સારી રીતે ક્‍યુરેટ કરી જાણતા. કલાત્‍મક ચીજવસ્‍તુઓ અને ચાકડા-ચંદરવાનું તેમનું કલેક્‍શન પ્રદર્શનને યોગ્‍ય છે. ત્રીજો શોખ તેમને સંગીતનો હતો. સંગીતમાં પણ ૫૦, ૬૦, ૭૦ના દાયકાનું હિન્‍દી ફિલ્‍મ સંગીત મુખ્‍ય. તે જમાનો એવો હતો કે હિન્‍દી ફિલ્‍મ સંગીત સૌથી ઉતરતું ગણાતું. વિદ્વાનો ક્‍લાસિકલ કે સુગમ સંગીતને જ ઉચ્‍ચ કક્ષાનું ગણતા અને હિન્‍દી ફિલ્‍મ સંગીત નીચલા સ્‍તરનું ગણાતું. એ સમયે પણ ગઝલો અને ક્‍લાસિકલ મ્‍યુઝિકના પ્રોગ્રામો થતા પરંતુ ફક્‍ત હિન્‍દી ફિલ્‍મ સંગીતને વરેલી હોય એવી કોઈ મોટી ક્‍લબ કે સંસ્‍થાની કમી વર્તાઈ. માટે તેમણે ૧૯૯૪ માં સૂર-સંસારની સ્‍થાપના કરી.

સૂર-સંસારની સ્‍થાપના ઘરના હોલમાં ભરાતી બેઠકથી થઈ હતી. પહેલી બેઠકમાં વીસ કરતા વધુ ભાવકો ન હતા. ધીમે ધીમે બેઠકમાં આવનારા લોકોની સંખ્‍યા વધતી ગઈ. રાજકોટના ન હોય અને બીજા ગામના હોય એવા કલાકારો પણ બેઠકમાં ગીતો કે સંગીત રજૂ કરવા માટે આવવા લાગેલા. આ સમગ્ર આયોજન ભગવતીભાઈના ઘરમાં જ થતું. સંખ્‍યા વધવા લાગી એમ ઘરની મર્યાદા સામે આવી. પછી ઘરની બહાર કોઈ સ્‍નેહીની અગાશી કે કોઈ સંસ્‍થાના વિશાળ ઓરડામાં બેઠકનું આયોજન થતું. ભગવતીભાઈના આયોજનની વાત એ મોબાઈલ વિનાના જમાનામાં વાયુવેગે પ્રસરી. પછી નો પ્રોફિટ નો લોસના ધોરણે સંગીતપ્રેમીઓને વિનંતી કરી કે તેઓ આયોજનના ખર્ચમાં સહભાગી બને. અહીં નોંધવા જેવું એ કે સૂર-સંસારના સભ્‍યો માટે સહભાગી શબ્‍દ વાપરવામાં આવતો. આખા પ્રોગ્રામનો જેટલો ખર્ચ થાય તે પ્રોગ્રામ માણવા આવતા દરેક સભ્‍યના ભાગે સરખે ભાગે વહેંચાતો. ભગવતીભાઈ ખુદ પોતાની ફીઝ પણ ભરતા. નવા વર્ષની શરૂઆતમાં સૌથી પહેલી પહોંચ તેમના નામની ફાટે.  આ પ્રથા  છેક સુધી ચાલુ રહી.

પછી શરૂઆતના સમયમાં એટલે કે નેવુંના દાયકામાં અરવિંદભાઈ મણિયાર હોલમાં સૂર-સંસારના પ્રોગ્રામો યોજાવા લાગ્‍યા. વીસમી સદીનો અંત આવ્‍યો. એકવીસમી સદીના પ્રારંભમાં રાજકોટને હેમુ ગઢવી નાટયગૃહ મળ્‍યું. સૂર-સંસારના સહભાગીઓની સંખ્‍યા સતત વધતી ગઈ. હેમુ ગઢવી ઓડીરોટીયમ સિવાય સૂર-સંસારના બધા જ સભ્‍યો સમાઈ શકે એવો હોલ રાજકોટમાં બીજે કયાંય ન હતો. હેમુ ગઢવી હોલમાં લગભગ વીસેક વર્ષ સુધી સૂર-સંસારના એકએકથી ચડિયાતા પ્રોગ્રામો થતા રહ્યા. પહેલા ગીતથી લઈને છેલ્લા ગીત સુધી ઓડિયન્‍સ હકડેઠઠ બેઠું રહેતું. શનિ-રવિ સિવાય આડા દિવસે પણ પ્રોગ્રામ હોય તો પણ મોડી રાત સુધી ભાવકો સૂર-સંસારનો આનંદ લેતા. વર્ષના છ પ્રોગ્રામો આપવાનું નક્કી હોય પણ સંસ્‍થા પાસે પૈસા બચ્‍યા હોય તો બોનસ પ્રોગ્રામ આપવામાં આવતો. કરકસરયુક્‍ત આયોજન થતું પરંતુ સાઉન્‍ડ, કલાકારો કે સાજીંદાઓની ગુણવત્તામાં જરા પણ કચાશ ચલાવી લેવામાં આવતી નહીં. સૂર-સંસારની અભૂતપૂર્વ સફળતા પાછળ ભગવતીભાઈનું મિનિટ-ટુ-મિનિટ આયોજન મુખ્‍ય કારણ છે. તેમના ગીતોની પસંદગી અને તે ગીતોની રજુઆતની સ્‍ક્રીપ્‍ટ એટલી મજબૂત રહેતી કે સૂર-સંસારના સહભાગીઓ દરેક છેલ્લા પ્રોગ્રામને મહિનાઓ સુધી યાદ કરતા.

સૂર-સંસાર અને ભગવતીભાઈની આ ઊંચાઈ પાછળ એક મહત્‍વનું નામ એટલે દમયંતીબેન મોદી, ભગવતીભાઈના ધર્મપત્‍ની. ભગવતીભાઈ અને દમયંતીબેન- આ દંપતીની ઉદાત્ત ભાવના અને હૂંફાળા સ્‍વભાવને કારણે મોટા ભાગના ગાયક કલાકારો હોટેલમાં ઉતરાણ કરવાને બદલે મોદીકાકાના ઘરે જ તેમના સહવાસમાં તેમનું આતિથ્‍ય માણવાનું પસંદ કરતાં. દમયંતીબેને ભગવતીભાઈ સાથે ખભે ખભો મિલાવીને સાથ આપ્‍યો અને તેને કારણે સૂર-સંસારની સુવાસ ચોમેર પ્રસરી ગઇ. સાથે અકિલાના મોભી કિરીટભાઈ અને વિજયભાઈ રૂપાણીનો સૂર-સંસારને હરહંમેશ સહકાર રહ્યો છે. સૂર-સંસારની કારોબારીમાં રહેલા મિત્રોની મહેનત ખાસ નોંધવા લાયક કહેવાય. ખાસ કરીને અકિલાના સર્વેસર્વા કિરીટ ભાઈ ગણાત્રા સાથે તેમને અંગત મૈત્રી હતી. કિરીટકાકા સાથે ભગવતીભાઇની નિયમિત મુલાકાતો રહેતી. આજે પણ ભગવતીભાઈના કારણે કિરીટકાકા મોદી પરિવારની નજીક છે.

ભગવતીભાઈના ચાહકોનું અને મિત્રોનું વર્તુળ બહુ મોટું છે. સૂર-સંસારમાં સભ્‍ય બનવા ઇચ્‍છતા અને તેમાં કામ કરવા ઇચ્‍છુક શુભચિંતકો પણ બહોળા પ્રમાણમાં છે. સૂર-સંસારના હજારો ચાહકો અને દેશવિદેશ પ્રોગ્રામ કરતા સેંકડો ગાયક કલાકારો એકસુરમાં કહે છે કે સૂર-સંસાર જેવું મંચ બીજે કયાંય મળે નહીં. રાજકોટની જનતા સંગીતપ્રેમી તો છે પણ સાથે કળાની મર્મી પણ છે. ભગવતીભાઈના અવસાનને એક વર્ષ થયું છે. ત્‍યારે તેમના બધા ચાહકોની એ આકાંક્ષા છે કે સૂર-સંસાર ફરીથી સત્‍વરે ચાલુ કરવામાં આવે. એ જ ભગવતીભાઈને સાચી અંજલિ હોઈ શકે. આમ પણ, ભગવતીભાઈ આવતા છએક પ્રોગ્રામોની સ્‍કીપ્‍ટ બનાવીને ગયા છે એવું તેમના પરિવાર તરફથી જાણવા મળ્‍યું છે. ભગવતીભાઈની દિવ્‍ય ચેતનાને કોટી કોટી વંદન...

(4:08 pm IST)