Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મનપાએ 'કોંક્રીંટના જંગલો'ની વચ્ચે વૃક્ષોના પણ જંગલ ઉભા કર્યા : રૂપાણી

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મહાનગરપાલિકા તથા સદ્ભાવના વૃધ્ધાશ્રમના સંયુકત ઉપક્રમે વાગુદડ રોડ પર મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું : આપણે પ્રદૂષણ નિવારવાના સમયસર પગલા ન લઇએ તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહી કરે : વૃક્ષો આજે કોરોના મહામારી વચ્ચે પણ ઓકિસજન આપી, તમામ જીવોને રક્ષણ આપે છે તેમજ છોડમાં રણછોડના દર્શન થાય છે : મુખ્યમંત્રી

'ગ્રીન રાજકોટ'નું સિંચન કરતા મુખ્યમંત્રી : ન્યારી ડેમ વાગુદડ પાસે મ.ન.પા.એ નિર્માણ કરેલ 'મિયાવાંકી ફોરેસ્ટ'નું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું તે વખતની તસ્વીરમાં આ તકે શ્રી રૂપાણીએ વૃક્ષારોણ કર્યું હતું તે દર્શાય છે. અન્ય તસ્વીરમાં આ તકે યોજાયેલ ડાયસ ફંકશનની આભારવિધિ કરી રહેલા. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ તેમજ મિયાવાંકી ફોરેસ્ટનું વિહંગાવલોકન કરી રહેલા મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા તેમના પત્ની અંજલીબેન રૂપાણી તથા અન્ય તસ્વીરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો - નગરજનોને સંબોધી રહેલા મુખ્યમંત્રી શ્રી દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩,૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે : આ ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપૂર ઓકિસજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે

રાજકોટ તા. ૨ : આજે શહેરના વાગુદડ રોડ પર ન્યારી ડેમ પાસે વિશાળ મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તેઓના જન્મદિન પ્રસંગે કરાયું હતું. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવી અને જણાવેલ કે, રાજકોટ આધુનિક બની રહ્યું છે તેથી અહીં સિમેન્ટ - કોંક્રીટની ઇમારતોનું જંગલ દિવસેને દિવસે વધી રહ્યું છે તે સ્વાભાવિક છે પરંતુ આમ છતાં શહેરીજનો પર સિમેન્ટ કોંક્રીટના જંગલોથી ઉત્પન્ન થતી પર્યાવરણ વિશુધ્ધીની વિપરીત અસર ન પડે તેનો પૂરેપૂરો ખ્યાલ મ.ન.પા.ના તંત્રવાહકોએ કાળજી પૂર્વક રાખ્યો છે. અને રાજકોટના આનુ ડેમ ખાતે 'રામવન' તેમજ ન્યારી ડેમના આ વાગુદળ ખાતે 'મિયાવાંકી' ફોરેસ્ટનું નિર્માણ કરી કોંક્રીટના જંગલો વચ્ચે વૃક્ષોનું જંગલ ઉભું કરી દેખાડયું છે તે અભિનંદનને પાત્ર છે.

આજે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ઘાશ્રમના સંયુકત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ પોતાના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ઉપસ્થિત તમામનો આભાર માનેલ અને ઋણ સ્વીકાર કરેલ. તેમજ ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમમાં મિયાવાંકી ફોરેસ્ટ બનાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. તેમજ આજે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયું તે માટે સદભાવના વૃદ્ઘાશ્રમ ટ્રસ્ટને અભિનંદન પાઠવેલ. તેઓશ્રીએ જણાવેલ કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે વૃક્ષના જંગલો બનાવવા એ આજના સમયની માંગ છે, કોરોના કાળમાં ઓકિસજનનું મહત્વ લોકોને સમજાયું છે. ત્યારે કુદરતી ઓકિસજન મળે તે જીવન માટે અતિ આવશ્યક છે. રાજકોટમાં પાણીનો અભાવ, વૃક્ષોનો અભાવ જેવા પ્રશ્નો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી, આ મેણું ભાંગી નાખશે.

વધુમાં શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા તથા સદભાવના ટ્રસ્ટ દ્વારા સંયુકત રીતે વૃક્ષોને વાવી, તેને ઉછેરવાની જવાબદારી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૪ દાયકા કરતા વધુ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મહાનુભાવોએ સ્વ.શ્રી અરવિંદભાઈ મણીઆરથી આજ સુધીના સુકાનીઓએ રાજકોટના વિકાસને વેગ આપ્યો છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ રસ્તા, ગટર, લાઈટ, પાણી સફાઈ ઉપર ધ્યાન આપીને રહેવાલાયક રાજકોટ, માણવાલાયક રાજકોટ બનાવેલ છે. રાજકોટની હદ પણ વધતી જાય છે અને વિકાસ પણ થતો જાય છે. તેમજ રાજકોટ રહેવાલાયક શહેર બની રહ્યું છે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.

અંતમાં વિજયભાઇએ ઉમેર્યું હતું કે, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેમજ રાજકોટ ગ્રીન અને કલીન બને તે દિશામાં કામગીરી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા સંકલ્પ કરે તે આજના સમયની જરૂરિયાત છે. જો આપણે પ્રદુષણ નિવારવાના સમયસર પગલા ન લઈએ તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. વૃક્ષો આજે કોરોના મહામારી વચ્ચે પણ ઓકિસજન આપી, તમામ જીવોને રક્ષણ આપે છે. તેમજ છોડમાં રણછોડના દર્શન થાય છે.

મેયર ડો.પ્રદિપ ડવએ રાજયના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવ્યું. તેઓએ મુખ્યમંત્રીને  જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, ગુજરાત સરકારે પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામો કર્યા છે. ભૌતિક વિકાસની સાથે પર્યાવરણીય વિકાસ થયેલ છે. જેમકે, નાકરાવાડી ખાતે ઉત્પાદિત ૧૮૦ ટન ખાતરનો ઉપયોગ મિયાવાંકી ફોરેસ્ટમાં કરવામાં આવેલ છે. આ અગાઉ પણ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા 'રામવન' અર્બન ફોરેસ્ટની ભેટ રાજકોટને મળી ચુકી છે.

મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહન અર્પણ કર્યું હતું. તેમજ શહેર ભાજપના તથા પ્રદેશના હોદેદારો દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઉપરાંત, રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિગેરે દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ.

તેમજ સદભાવના વૃદ્ઘાશ્રમના વિજયભાઈ ડોબરીયા, કેતનભાઈ પટેલ તથા ચુનીભાઈ વરસાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો આપી, સ્વાગત સન્માન કર્યું હતું.

બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા મહેમાનોને પુસ્તકો આપી સ્વાગત કરેલ. આ કાર્યક્રમની આભારવિધિ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત હતા. આ પ્રસંગે, રાજયના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો તેમજ નાગરિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.

આધુનિક રાજકોટના શિલ્પી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇને જન્મદિવસે શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ : મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા તથા દંડક સુરેન્દ્રનસિંહ વાળા સહિતના પદાધિકારીઓ દ્દારા મુખ્યમંત્રી વિજયભાઇને જન્મદિવસના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, આધુનિક રાજકોટના શિલ્પી અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના વધુને વધુ સોપાનો સર કરે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભકામના અંતમાં પાઠવી હતી.

(4:17 pm IST)