Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

માસ્તર સુવાસિત, પદવી પ્રકાશિત

રાજકારણની 'તાસીર'ના જાણકાર ભંડેરીના નામ આગળ 'ડોકટર' શબ્દનો ઉપયોગ

રાજકોટ તા. ૩૧ : ભાજપના જુના અને જાણીતા (ઓલ્ડ ઇઝ ગોલ્ડ) અગ્રણી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ ભૂતકાળમાં રસાયણ શાસ્ત્રમાં મેળવેલી પદવી પ્રચલિત થવા લાગી છે. હવે જાહેર કાર્યક્રમોમાં તેમના નામ સાથે 'ડોકટર' શબ્દ લખાવા - બોલાવવા લાગ્યો છે. સરકારમાં પદવાળા માસ્તર પદવીવાળા બન્યા છે.

ધનસુખ ભંડેરીએ ૨૦૧૭ના વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડો. વાય.ટી.નલીયાપરાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી છે. સંશોધનનો તેમનો વિષય છે 'સીનોથીસીસ કેરેકટરાઇઝેશન એન્ડ યુઝીસ ઓફ ઓર્ગેનિક કંપાઉન્ડસ એઝ એડીટીવાઇસ ઇન મેટલ ફીનીશીંગ' વિષયનો અર્થ મેટલ ફીનીસીંગમાં ઉમેરણો તરીકે સંશ્લેષણ, લાક્ષણિકતા અને કાર્બનિક સંયોજનોનો ઉપયોગ તેવો થાય છે.

ધનસુખ ભંડેરી ડોકટર બન્યા પહેલાથી જ રાજકારણની તાસીરના જાણકાર છે. રાજકીય ટીકડી, ઇન્જેક્ષન અને (આટા) પાટાના અનેક પ્રયોગો કરી ચૂકયા છે. આવનારા દિવસોમાં અનિચ્છનીય વાઇરસોના સામના માટે મજબૂત 'રસીકરણ'નો નવો માર્ગ પસંદ કર્યો છે. ડો. ભંડેરીની નવી ઓળખ બદલ શુભેચ્છા વર્ષા (મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧) પર થઇ રહી છે.

(11:56 am IST)