Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નવાગામ પાસે ચોકલેટના પાર્સલ ભરેલી બોલેરો પીકઅપમાંથી દારૂની ૧૦૮ બોટલ સાથે જયેશ પકડાયો

કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ એન.બી. ડાંગરની બાતમીઃ અમદાવાદથી દારૂનો જથ્થો ભરી રાજકોટ પહોંચાડવાનો હતો

રાજકોટ, તા. ૨ :. નવાગામ આણંદપર તળાવ રોડ પરથી કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે ચોકલેટના પાર્સલ ભરેલી બોલેરો પીકઅપમાંથી દારૂની ૧૦૮ બોટલ સાથે અમદાવાદના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવાગામ આણંદપર પાસેથી એક બોલેરો દારૂના જથ્થા સાથે પસાર થવાનો હોય તેમ કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એન.બી. ડાંગરને બાતમી મળતા પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી. ડાંગર, હેડ કોન્સ. એમ.એલ. સબાડ, કોન્સ. કિશનભાઈ અજાગીયા, અજીતભાઈ લોખીલ તથા જીઆરડી લાલજીભાઈ સહિત નવાગામ પાસે વોચમાં હતા ત્યારે આણંદપર તળાવ રોડ પરથી પસાર થતી જીજે ૩૬ ટી ૮૦૧૯ નંબરની બોલેરો પીકઅપને શંકાના આધારે રોકી તલાસી લેતા ચોકલેટના પાર્સલ નીચે છુપાવેલ પાર્સલોમાંથી દારૂની ૧૦૮ બોટલ મળી આવતા ચાલક જયેશ જગદીશભાઈ ગાંધી (ઉ.વ. ૪૪) (રહે. એલ ૨૦૩ આઈસીબીએસજી હાઈવે અમદાવાદ મૂળ હરસિદ્ધિ સોસાયટી દોઢસો ફુટ રોડ રાજકોટ)ને પકડી લીધો હતો. જયેશ ચોકલેટની ડીલેવરી કરે છે. દારૂનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હતો. પોલીસે રૂ. ૪૩,૨૦૦ની કિંમતની દારૂની ૧૦૮ બોટલ, જુદી જુદી બ્રાંડની ચોકલેટના ૧૦ બોકસ, બોેલેરો પીકઅપ તથા મોબાઈલ ફોન મળી રૂ. ૫,૫૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(1:11 pm IST)