Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

બહુરૂપીની કારીગીરી ઉઘાડી પડીઃ કોરા કાગળને પાણીમાં બોળતો, 'ડાગલો' ઉપસી આવતો ને કહેતો નડતર ગયું!

ઘરમાં કલેશ દુર થાય, ધંધામાં તેજી આવે...તેવી વાતો કરી લોકોને ફોસલાવી વિધીના બહાને ઠગાઇ કરતો'તો : કાગળમાં અગાઉથી જ લીંબુના રસથી 'ડાગલો' દોર્યો હોય તે કાગળ સુકાઇ જતાં દેખાય નહિ, પાણીના ગ્લાસમાં બોળે એટલે ડાગલો દેખાવા માંડે...વિધી કરાવનારાને આવો ડાગલો જોતાં નડતર દૂર થયાનો આભાસ થઇ જતો : રૂમાલમાં રાખેલા દાગીના-રોકડની વિધી આગળ ચોકમાં કરીને પાછો આવે છે...તેમ કહીને છનનન થઇ જતો'તોઃ યુનિવર્સિટી પોલીસ મથકના રાવતભાઇ, જયંતિગીરી અને સહદેવસિંહની બાતમી પરથી પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે

રાજકોટઃ મોટે ભાગે ઘરમાં એકલા મહિલા હોય ત્યાં બહુરૂપીનો વેશ ધરી પહોંચી જઇ 'તમારા ઘરમાં કંકાસ જ ચાલ્યા કરે છે, તમારા ઘરવાળાને કામધંધામાં બરકત નથી...તમારે કંઇક નડતર છે, આની વિધી કરવી પડે...તેમ કહી જે તે મહિલાને ભોળવી લઇ વિધી કરવાના બહાને ઘરમાંથી સોનાનો કોઇપણ દાગીનો માંગી વિધીનો ઢોંગ કરી પોતે ઉતારો બહાર થોડે દૂર મુકીને પાછો આવે છે...તેમ કહી સોનાનો દાગીનો લઇ ભાગી જઇ છેતરપીંડી કરતો ગઠીયો ત્રણ વર્ષ બાદ યુનિવર્સિટી પોલીસના હાથે પકડાઇ ગયો છે.પડધરીના તરઘડીમાં નાલાનગરમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતો અને છુટક ડ્રાઇવીંગ કરતો અરવિંદનાથ જીવનનાથ પરમાર બહુરૂપીનો વેશ ધરી ઠગાઇ કરતો હોવાની બાતમી રાવતભાઇ ડાંગર, જયંતિગીરી ગોસ્વામી અને સહદેવસિંહ જાડેજાને મળતાં તેને સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર પાસેથી સકંજામાં લઇ પુછતાછ આદરતાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ક્રિષ્ના પાર્ક, ગુરૂજીનગર કવાર્ટર, યુનિવસ્ર્ટિી રોડ પર મયુર ભજીયાવાળી શેરીમાં એક મકાનમાં તથા છેલ્લે માધાપ રચોકડી પાસે મારવાડીભાઇને વિધીના બહાને છેતરી લીધાનું કબુલતાં તેની પાસેથી સોનાનો ઢાળીયો ૩૯ ગ્રામ ૬૯૦ મીલીગ્રામ વજનનો રૂ. ૮૦,૦૦૦નો સોનાનો ઢાળીયો કબ્જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આ શખ્સ બહુરૂપીનો વેશ ધારણ કરી મેઇન રોડ પર આવેલી સોસાયટીઓમાં માંગવા જતો ત્યારે બહેનો ડેલીએ ઉભા હોય તો તેની પાસે જઇ  ઘરકંકાસ તથા ધંધામાં નુકશાની હોય તો પોતે વિધી કરી નડતર દૂર કરતો હોવાની વાત કરતો હતો. જો મહિલા વિધી કરાવવા તૈયાર થાય તો અરવિંદનાથં વિધી કરવા બેસી કંકુ, ચોખા તથા ગ્લાસમાં પાણી ભરાવી વિધી કરતો. બાદ ઘરના સભ્યોને ઘરમાં સારૂ રહે તે માટે સોનાના દાગીના તથા રોકડા રૂપીયા વિધીમાં મુકી વિધી કરાવાની વાત કરતા હતો. એ પછીસોનાના દાગીના તથા રોકડા રૂપીયાની વિધી કરી રૂમાલ રાખીને પોતાની પાસે રહેલા કાગળ કે જેમાં અગાઉથીજ લીંબુના રસથી ડાગલો દોરેલો હોય જે કાગળ કોરો હોવાનું અને કાંઇ નથી એમ કહી ઘરના સભ્યોને બતાવી વાળી દઇ વિધી કરેલા પાણીના ગ્લાસમાં ઝબોળી કાગળ ખોલતા ડાગલો ઉપસી આવતો હોઇ તે બતાવી નડતર દૂર થયું, વિધી પૂરી થઇ તેમ કહી રૂમાલમાં રાખેલા સોનાના દાગીના તથા રૂપીયાની વિધી રોડ પર આગળના ચોકમાં કરી આવવાનું કહી ભાગી જતો હતો. તેની વિશેષ પુછતાછ યથાવત રખાઇ છે. તસ્વીરમાં દેખાતા આ શખ્સનો અન્ય કોઇ ભોગ બન્યું હોય તો યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ કામગીરી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, શ્રી ખુરશીદ અહેમદ, મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે.દિયોરાની સુચના અને પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પીએસઆઇ એ.બી.જાડેજા તથા હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, રાવતભાઇ ડાંગર, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહીલે કરી હતી.

(4:12 pm IST)