Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શ્રાવણ માસનો પ્રથમ સોમવાર : શિવાલયોમાં શિવનાદ ગુંજયો : પૂજા -આરતી - અભિષેકનો લ્‍હાવો લેતા ભાવિકો

ત્રિદલમ ત્રિગુણાકારમ્‌ ત્રિનેત્ર ચ ત્ર્યાગયુધ્‍ધમ્‌ ત્રિજન્‍મપાપ સંહારમ્‌ એક બિલ્‍વમ શિવાર્પણમ

રાજકોટ : શ્રાવણ માસમાં સોમવારનું મહત્‍વ અનેરૂ હોય છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોય શહેરભરના શિવ મંદિરોમાં જીવ અને શિવના સંગમની અનેરી ભક્‍તિ જામી છે. વહેલી સવારથી શિવ મંદિરો ૐ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર ગંગે, બમ બમ ભોલે ના નાદોથી ગુંજી ઉઠયા છે. ચારેય પ્રહરની પૂજા આરતીના કાર્યક્રમો ગોઠવાયા છે.  બિલ્‍વાભિષેક, જલાભિષેક, દુગ્‍ધાભિષેક તેમજ પુષ્‍પાંજલી, લઘુરૂદ્ર, મહારૂદ્ર, સ્‍તોત્ર જામ, ધુન, કિર્તન સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સાંજે પણ અનેક સ્‍થળોએ ભક્‍તિ સત્‍સંગના કાર્યક્રમો યોજાયા છે. શ્રાવણના સોમવારને ધ્‍યાને લઇ શિવાલયોને અનેરા શણગાર કરવામાં આવ્‍યા છે. વિવિધ શોભા સાથે શિવજીની પૂજા થઇ રહી છે. પ્રસ્‍તુત પ્રથમ હરોળની તસ્‍વીરો મહાકાલેશ્વર મહાદેવ અને જાગનાથ મહાદેવ મંદિરની છે. ધર્મેશ રાવળ અને ગુણુભાઇ ડેલાવાળા સહીતના ભાવિક ભક્‍તો ભક્‍તિ અદા કરી રહ્યા છે. જયારે નીચેની હરોળની તસ્‍વીરો આશુતોષ મહાદેવ અને ધારેશ્વર મહાદેવ મંદિરની છે. જેમાં નીતિનભાઇ ભારદ્વાજ તથા તેમના ધર્મપત્‍નિ તેમજ શ્રી ધનસુખભાઇ ભંડેરી અને તેમના ધર્મપત્‍નિ પૂજા પાઠનો લ્‍હાવો લેતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:40 am IST)