Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટમાં જન્‍માષ્‍ટમીએ પરંપરાગત શોભાયાત્રા : ધર્માધ્‍યક્ષ તરીકે નરેન્‍દ્રબાપુ

સાંવરે કી બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્‍યામ, વો તો મીરા કા ભી શ્‍યામ... : યાત્રાનો રૂટ યથાવત જ રહેવાની શક્‍યતા : ધર્માધ્‍યક્ષ બનેલા આપાગીગાના ઓટલાના મહંતનું વિવિધ ક્ષેત્રે યોગદાન : સમગ્ર મહોત્‍સવની ધીંગી તૈયારી

રાજકોટ તા. ૨ : સતત ૩પ વર્ષથી અવિરત વિ.હિ.પ. પ્રેરીત યોજાતી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ આયોજીત આ ૩૬ મા વર્ષે દર્શનીય ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. સેંકડો ફલોટ, નાના-મોટા વાહનો, વેશભુષા, સાફાધારી યુવાનો, કળશધારી બાળાઓ, ફોર વ્‍હીલર, ટ્રેકટર, ઘોડા-હાથી, થ્રી વ્‍હીલર, ટુ વ્‍હીલર, રાસ-મંડળીઓ, ધૂન મંડળો, તલવાર બાજો, બેન્‍ડ, ઢોલ-નગારા સાથે યોજાતી શોભાયાત્રાના દર્શનનો લ્‍હાવો લેવા હજારોની સંખ્‍યામાં લોકો ઉમટી પડે છે. દર વર્ષે આ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા શોભાયાત્રામાં ધર્માઘ્‍યક્ષના વડપણ હેઠળ અનેક સંતો, મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાય છે. આ વખતની શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ધર્માઘ્‍યક્ષ પદે મહંત શ્રી નરેન્‍દ્રબાપુની પસંદગી કરવામાં આવી છે.

નરેન્‍દ્ર બાપુને (નરેન્‍દ્રભાઇ સોલંકી) વિશ્‍વ પ્રસિઘ્‍ધ સતાધારની જગ્‍યાના મહંત પૂ. શ્રી જીવરાજબાપુ, ગુરૂશ્રી શામજી બાપુ દ્વારા વર્ષ ર૦૧૪માં સાધુ, સંતો, લાખો ભકતોની હાજરીમાં શ્રી પંચદશનામ જુના અખાડા દ્વારા જેમને મહામંડલેશ્‍વરની ઉપાધી પ્રદાન કરવામાં આવી હતી. અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના આપાગીગાના ઓટલાની જગ્‍યાના મહંત પૂ. નરેન્‍દ્રબાપુની શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના ધર્માઘ્‍યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

આપા ગીગાના ઓટલા દ્વારા રોજના ૩ થી ૪ હજાર લોકોને આ અન્‍નક્ષેત્રમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. વર્ષોથી જુનાગઢ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સતત અઠવાડીયા સુધી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. આપા ગીગાના ઓટલામાં વિનામૂલ્‍યે ર૪ કલાક ચા-નાસ્‍તો તથા રહેવા-જમવાની સુવિધા છે. તેનું ખૂબ ભકિતભાવથી  તેઓ સંચાલન કરે છે. આ જગ્‍યામાં નિર્મિત વિશાલ ગૌશાળામાં ગૌસૈવંર્ધન ગાયોની ખૂબ સારી રીતે દેખરેખ થાય છે. આ જ સ્‍થળે અનેક શૈક્ષણિક સેમીનારો યોજવામાં આવે છે. જેમાં પી.આઈ., એ.એસ.આઈ., કોન્‍સ્‍ટેબલ, તલાટી, બેંકીંગ, રેલ્‍વે, સહકારી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે વિનામૂલ્‍યે રહેવા-જમવાની સગવડ સાથેના કેમ્‍પ ચલાવે છે. આપા ગીગાના ઓટલે જ્ઞાતિના સમૂહ લગ્નમાં ૧પ૩ દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં તદ્ર નિઃશુલ્‍ક ધોરણે સંપૂર્ણ કરીયાવર સાથે દિકરીઓને સાસરે વિદાય આપવામાં આવી હતી. ઉપરાંત નવરાત્રી નિમિતે સૌરાષ્‍ટ્રભરની દિકરીઓને વિજયાદશમીના દિવસે આમંત્રીત કરીને પ્રસાદ, લ્‍હાણી અને રોકડ ભેટ એનાયત કરવામાં આવે છે.

નરેન્‍દ્રબાપુ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ, રાજકોટ સમસ્‍તના છેલ્લા રપ વર્ષથી અવિરત પ્રમુખ પદે સેવા આપી રહયાં છે.  તેઓ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કડીયા પ્રજાપતિ વિશ્‍વકર્મા મહાસંઘના પ્રમુખ, ગુજરાત ઓબીસી સમાજના આગેવાન તરીકેની જવાબદારી પણ જાણીતા છે. જ્ઞાતિ ર્ેારા ચાલતી સામાજીક, સેવાકીય પ્રવૃતિઓમાં તેમનું યોગદાન છે. વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ પણ કરે છે.

વિધવા, ત્‍યકતા તેમજ નિરાધાર લોકો માટે અનાજકીટનું વિતરણ, યુવાનો, યુવતિઓ, ગૃહીણીઓ માટે સ્‍પોકન ઈંગ્‍લીશ તથા સ્‍કીલ ડેવલોપમેન્‍ટના કલાસીસ, આશરે ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ ચોપડાનું વિતરણ, સમયે સમયે વડીલો માટે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન, જન્‍માષ્‍ટમી, દશેરા, દિવાળી જેવા તહેવારો નિમિતે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું વગેરે તેમની વ્‍યકિતગત પ્રવૃતિઓનો ભાગ છે.

૧૯૯પ થી ર૦૧પ સુધી સતત ૪ ટર્મ સુધી કોર્પોરેશનમાં બી.જે.પી. ના કોર્પોરેટર તરીકે કાર્યરત રહ્યા હતા. સ્‍લમ હાઉસીંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ સમિતિના ચેરમેન તરીકે ટકાવ અને મજબુત બાંધકામવાળા આવાસો અલગ-અલગ ૧૬ જગ્‍યાએ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કુલ ૩૦૧ર આવાસો જે આજે પણ સારી હાલતમાં છે. રોશની સમિતિના ચેરમેન તરીકે તેમના કાર્યકાળમાં મવડી રોડ, ભકિતનગર સર્કલવાળો રોડ, ગીતાનગર રોડ, ઢેબર રોડ જેવા મુખ્‍ય માર્ગો પર સેન્‍ટ્રલ લાઈટીંગના આયોજનો થયા હતા. શહેરમાં ભુગર્ભથી ડ્રેનેજ પાઈપલાઈનના બીજા તબકકાની શરૂઆત તેઓ ડ્રેનેજ સમિતિના ચેરમેન હતા ત્‍યારે થઈ હતી.

તેઓ કોર્પોરેશનના સ્‍ટેન્‍ડીંગ ચેરમેન તથા ડે. મેયરનું પદ પણ સંભાળી ચુકયા છે. ૩-ટર્મ સુધી સતત રાજકોટ શહેર ભા.જ.પ. ના ઉપપ્રમુખ, પ્રદેશ ભા.જ.પ. બક્ષિપંચ મોરચાના મહામંત્રી તથા ઉપપ્રમુખ રહી ચુકયા છે. નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સદભાવના મીશનમાં તેઓએ વિજયભાઈ રૂપાણી સાથે સૌરાષ્‍ટ્રના સહઈન્‍ચાર્જ તરીકેની જવાબદારી વહન કરી હતી. ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન સહિતની તેમના કાર્યકાળની કામગીરી આજે પણ યાદ કરે છે.

નરેન્‍દ્રબાપુના અનેક વ્‍યવસાય પ્રકલ્‍પો ખુબ જાણીતા છે. જેમાં શ્રી જીવરાજ પાર્ક, શ્રી જીવરાજ ટાઉનશીપ, શ્રી જીવરાજ નગરી, શ્રી જીવરાજ રેસીડેન્‍સી, શ્રી જીવરાજ સરાફી સહકારી મંડળી, શ્રી જીવરાજ ગ્રુપ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોન,  બિલેશ્‍વર હાઈટસ-૧ અને ર વિગેરેનો સમાવેશ થાય છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા મહંત  શ્રી નરેન્‍દ્રબાપુ  (નરેન્‍દ્રભાઇ સોલંકી)ની જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ ર૦રરના ધર્માઘ્‍યક્ષ તરીકે વરણી થતા હર્ષની લાગણી ફેલાઈ છે. તેમની આ વરણી બદલ વિ.હિ.પ.ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અઘ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની, સુશીલભાઈ પાંભર વિગેરે અગ્રણીઓએ હર્ષની લાગણી વ્‍યકત કરી છે. તેમ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠે જણાવે છે.

(10:19 am IST)