Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

હડમતીયા (ગોલીડા)માં હલણ મામલે હુમલો

લક્ષમણભાઇ પટેલને પિત્રાઇ વિનોદ તથા સાથેના દામજી, યોગેશ, ભાનુબેન સહિતનાએ ધોકા અને ઢીકાપાટુ મારી ગાળો દીધાની રાવ

રાજકોટ તા. ૨: હડમતીયા ગોલીડામાં ખેતરના હલણના ડખ્‍ખામાં પટેલ પ્રોૈઢને તેના જ કાકાના દિકરા સહિતે ધોકા-ઢીકાપાટુનો માર મારી ગાળો દેતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આજીડેમ પોલીસે હડમતીયા પટેલ વાસમાં રહેતાં અને ખેતી કરતાં લક્ષમણભાઇ હિરજીભાઇ પાનસુરીયા (પટેલ) (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી તેના જ પિત્રાઇ ભાઇ વિનોદ પ્રાગજીભાઇ પાનસુરીયા, વિનોદ દામજીભાઇ, યોગેશ અને ભાનુબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

લક્ષમણભાઇએ પોલીસને જણાવ્‍યું હતું કે મારું ખેતર હડમતીયામાં ઢાંઢીયા ગામના રસ્‍તે આવેલુ છે. બાજુમાં જ મારા કાકાના દિકરા ભાઇ વિનોદ પ્રાગજીભાઇનું ખેતર છે. ખેતરની વચ્‍ચેથી નીકળતાં હલણ મામલે અમારે મનદુઃખ ચાલે છે અને આ કારણે હું ખેતરે હતો ત્‍યારે પિત્રાઇ વિનોદે મને ગાળો દઇ અહિ શું કામ આવ્‍યો છો? કહેતાં મેં તેને મારું ખેતર છે એટલે આવ્‍યો છું તેમ જણાવતાં તે તથા દામજી, યોગેશ, ભાનુબેન સહિત ચારેયે મળી લાકડીથી હુમલો કરી મને માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુ માર્યા હતાં. હું દોડીને ભાગી ગયો હતો અને મારા દિકરાને બોલાવતાં મને રાજકોટ હોસ્‍પિટલે ખસેડયો હતો. એએસઆઇ વી. બી. સુખાનંદીએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)