Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નારી વંદન ઉત્‍સવ નારી શકિતને દિશા આપવાનો છે : બ્રીજેશભાઇ

રાજકોટમાં નારી વંદન ઉત્‍સવ અંતર્ગત બેટી બચાવો - બેટી પઢાવો દિવસની રાજ્‍યકક્ષાની ઉજવણી સંપન્‍ન : સશક્‍ત મહિલા - સક્ષમ ગુજરાત : મહિલા કલ્‍યાણ - રમતગમત - સાંસ્‍કૃતિક - સરકારી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ૫૦ મહિલાઓનું સન્‍માન

રાજકોટ તા. ૨ : સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજય સરકારે નારી વંદન ઉત્‍સવનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આજે રાજકોટમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ' દિવસની રાજયકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે મહિલાઓના સન્‍માનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં મહિલા કલ્‍યાણ, રમત ગમત, સાંસ્‍કૃતિક અને સરકારી સેવા ક્ષેત્રે ઉત્તમ કમગીરી કરનારી ૫૦ જેટલી મહિલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ પંચાયત, શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ગઇકાલે અમદાવાદથી  ‘સશક્‍ત મહિલા, સક્ષમ ગુજરાત'ની થીમ સાથે નારી વંદન ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો છે. આ ઉત્‍સવ નારીશક્‍તિને પહેચાન આપવા, તેને પિછાણીને તેને પ્રેરિત કરી, તેની તાકાતને દિશા આપવાનો છે. બેટી બચાવવા માટે લોકોને દીકરા અને દીકરી વચ્‍ચેનો ભેદ છોડી દેવો જોઈએ. આપણી સંસ્‍કૃતિમાં પણ નારી શક્‍તિનો મહિમા છે. રાધા કૃષ્‍ણ, લક્ષ્મી નારાયણમાં પહેલા નારી આગળ છે અને પુરુષ પાછળ છે.

સુશાસનમાં મહિલાઓની ભાગીદારી અંગે તેમણે કહ્યું કે, જે કર ઝુલાવે પારણું, તે જગ પર શાસન કરે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી મહિલાઓના ઉત્‍થાન માટે અનેક પગલાંઓ ભરી રહ્યા છે. તેઓ વડાપ્રધાન બન્‍યા ત્‍યારે ગુજરાતને મુખ્‍યમંત્રી આપવાની વાત હતી ત્‍યારે ગુજરાતના સૌથી પહેલા મહિલા મુખ્‍યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલને બિરાજમાન કર્યા હતા.સુશ્રી આનંદીબહેન નું નેતૃત્‍વ સક્ષમ હતું.  તેમણે દેશમાં સૌ પ્રથમવાર સ્‍થાનિક સ્‍વરાજય અને પંચાયતમાં મહિલાઓ માટે ૫૦ ટકા બેઠકો અનામતનો નિર્ણય કર્યો હતો.

મંત્રીશ્રીએ કહ્યું કે, નારી પુરુષ સમોવડી નહિ પણ પુરુષ કરતાં અનેરી બનીને પોતાની અલગ પહેચાન ઊભી કરે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના શાસનમાં નારી અબળા નહિ પણ સબળા છે. આજે નારીની આંખમાં આંસુ નહિ પણ ચમક છે. પહેલા નારીઓને ચૂલા ફૂકવા પડતા, પણ આજે ઉજ્જવલા ગેસ આપીને સરકારે મહિલાઓને હાલાકીમાંથી ઉગારી છે. આ કાર્યક્રમ માટે રાજયકક્ષાના મંત્રીશ્રી રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ પાઠવેલો શુભેચ્‍છા સંદેશ પણ તેમણે આપ્‍યો હતો.

મહિલાઓની આંતરિક શક્‍તિઓ વિશે વાત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે કહ્યું હતું કે, આજે દીકરી માત્ર પારકી થાપણ નહીં પરંતુ પગભર બનીને બે કૂળને તારી રહી છે. આજે રાજકોટ જિલ્લાની ૩૫,૦૦૦ બહેનો સખીમંડળ હેઠળ આત્‍મનિર્ભર બની પરિવારને મદદરૂપ થઈ રહી છે.

આ તકે ડેપ્‍યુટી મેયરશ્રી ડાઙ્ઘ. દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું હતું કે, મહિલાઓએ આજે અવકાશથી લઈને ઓટોમોબાઇલ અને રમત ગમતથી લઈને રાજકારણ ક્ષેત્રે મહત્‍વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

નારી શક્‍તિને વંદન કરતાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્‍વાગત પ્રવચન કરવામાં આવ્‍યું હતું. જિલ્લામાં મહિલા કલ્‍યાણ અંગે વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય પણ તેમણે આપ્‍યો હતો.

મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય બાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગની ટીમે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંગે રાજકોટ જિલ્લામાં થયેલી કામગીરીના કરેલા કેસ સ્‍ટડીઝ તેમજ આપેલા સૂચનો બદલ, સમગ્ર ટીમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત માસિક ધર્મ સમયે મેન્‍સ્‍ટ્રુઅલ કપ વાપરવાની પહેલ અંગે પીપળીયા ગ્રામ સખી સંઘના હોદ્દેદારોનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંગે ધારા હિરપરાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. જયારે કાર્યક્રમના અંતે સૌએ સ્ત્રી ભ્રૂણ હત્‍યા રોકવા તથા બેટી બચાવો, બેટી પઢાઓ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, ભાજપના અગ્રણી મનીષ ચાંગેલા, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવ આદિપરા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, તેમજ મહિલાઓ વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ કલ્‍યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.

(3:14 pm IST)