Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જલિયાવાલા બાગનો નરસંહાર ૨૦મી સદીનો સૌથી ભયાનક અપરાધ સાબિત થયો

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

'જલિયાંવાલા બાગ'હત્યાકાંડ ૨૦મી સદીનાં ઈતિહાસમાં ભયાનક રાજનૈતિક અપરાધ મનાય છે. ગાંધીજીએ 'રોલટ એકટ'નાં વિરોધમાં દેશવ્યાપી હળતાળનું આહવાન કર્યું, જેથી ૩૦મી માર્ચ અને ૬ઠ્ઠી એપ્રિલે પંજાબમાં બહુ સમર્થન મળ્યું, જેનાં અનુસંધાને સમગ્ર દેશમાં વિદ્રોહ થયો. હડતાલ ચાલુ હતી. હિંદુ-મુસ્લિમ દ્વારા એકતા પ્રદર્શિત થઈ અને ૯મી એપ્રિલનાં રામનવમીનાં ઉત્સવથી અંગ્રેજ વહિવટને થંભાવી દેવામાં આવ્યો હતો. ગાંધીજીને પંજાબ પ્રવેશ પર પ્રતિબંધ જાહેર થયો.

૧૩મી એપ્રિલ, ૧૯૧૯ નાં રોજ વૈશાખીનાં ઉત્સવ નિમિતે જલિયાંવાલા બાગમાં સભા યોજાઈ હતી. જલિયાંવાલા બાગમાં ૪ દરવાજા હતા, જેમાં એકને બાદ કરતાં બાકીનાં દરવાજા બંધ કરવામાં આવ્યા, બ્રિગેડિયર જનરલ ડાયરે અમૃતસરમાં સભાઓના આયોજનમાં પ્રતિબંધ જાહેર કરેલ.

આમછતાં, હજારો લોકો જલિયાંવાલા બાગમાં એકત્રિત થઈ ચૂકયા હતા અને બ્રિગેડિયર જનરલ ડાયર બખ્તરવાળા વાહનો તથા સેંકડો સશસ્ત્ર સિપાઈઓને લઈને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા. જલિયાંવાલા બાગમાં ઉપસ્થિત લોકોને ચેતવણી આપ્યા વિના જનસમુદાય પર ગોળીબાર શરૃ કર્યો અને માત્ર ૧૦ મિનીટમાં ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડી, જેને પરિણામે ૧૫૬૦ લોકોનાં મૃત્યુ થયા.

ઈતિહાસમાં આ ભયાનક નરસંહારનો કોઈ મુકાબલો નહિ હોય. ભારતમાં લોકોને ખૂબ જ વ્યથા થઈ. ઈતિહાસમાં નોંધ છે કે ભારતની આઝાદીનાં સંઘર્ષમાં હવે નવો અપરિવર્તનીય પ્રવાહ શરૃ થઈ ગયો છે.

જલિયાંવાલા બાગનાં નરસંહારનાં કારણે દેશમાં હાહાકાર મચી ગયો હતો. બ્રિગેડિયર જનરલ ડાયર સામે દેશની પ્રજા તથા આગેવાનોએ દેખાવો કર્યા એટલે અંગ્રેજ સલ્તનતે તેમને લંડન રવાના કર્યા. બ્રિગેડિયર જનરલ ડાયર હજારો લોકોનાં હત્યારા સાબિત થયા હતા, જેથી અંગ્રેજ સલ્તનત માટે નામોશી સાબિત થઈ હતી.

ઉધમસિંહ (૧૮૯૯-૧૯૪૦, ફાંસી)

(જલિયાંવાલા બાગમાં હાજરી

૧૩મી એપ્રિલ ૧૯૧૯ નાં રોજ વૈશાખી દિનની ઉજવણી પ્રસંગે જલિયાંવાલા બાગમાં લોકો એકત્રિત થયા હતા અને અંગ્રેજો દ્વારા કુખ્યાત નરસંહાર થયો. ઉધમસિંહ તત્કાલિન સમયે જલિયાંવાલા બાગમાં ઉપસ્થિત હતા અને તેમણે અંગ્રેજ સલ્તનતનાં અપરાધ સામે તેનાં દોષિતોને સજા દેવા પ્રતિજ્ઞા લીધી હતી. અંગ્રેજ સલ્તનતનાં પંજાબનાં તત્કાલિન ગવર્નર માઈકલઓ ડાયરને સજા આપવા ઉધમસિંહને ઘણો સમય લાગ્યો. છેવટે તેઓ લંડનમાં હતા ત્યારે ૧૩મી માર્ચ, ૧૯૪૦ નાં રોજ તેમને માઈકલઓ ડાયરને ગોળી મારી વિદાય આપી દીધી. તા. ૧૩મી જુલાઈ, ૧૯૪૦ માં લંડનમાં ઉધમસિંહને ફાંસી અપાઈ. સમગ્ર હત્યાકાંડનાં વડા બ્રિગેડિયર જનરલ ડાયરનું મૃત્યુ તે પહેલા થઈ ચુકયું હતું.

સંકલનઃ નવીન ઠકકર

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

 જલિયાંવાલા બાગમાં ૧૦ મિનીટ દરમ્યાન સતત ગોળીબાર થતાં ૧૫૬૦ લોકો મૃત્યુ પામ્યા  જલિયાંવાલા બાગમાં ઉપસ્થિત રહેનાર ઉધમસિંહે પંજાબનાં ગવર્નર સર માઈકલઓ ડાયરને ગોળી મારી કાયમી વિદાય આપી. ૧૩મી જુલાઈ, ૧૯૪૦નાં રોજ ઉધમસિંહને લંડનમાં ફાંસી અપાઈ  ગાંધીજીએ રોલટ એકટનાં વિરોધમાં દેશવ્યાપિ હડતાલનું આહવાન કર્યું, જેથી દેશમાં વિદ્રોહ થયો ગાંધીજી સામે 'પંજાબ પ્રવેશ' પર પ્રતિબંધ જાહેર થયો  જલિયાંવાલા બાગમાં બ્રિગેડિયર જનરલ ડાયરે નરસંહાર કરાવતાં દેશમાં ખૂબ જ વિરોધ થયો અને ડાયરને લંડન રવાના કરવામાં આવ્યા

(3:33 pm IST)