Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શાપરની તરૂણીનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરનાર આકાશ અને જયપાલ સકંજામાં

મિત્ર જયપાલ મારફતે રાજકોટમાં રૂમની વ્‍યવસ્‍થા કરાવડાવી આકાશે તરૂણીને બે દિવસ ગોંધી રાખી હતી

રાજકોટ, તા.૨: શાપરની ૧૩ વર્ષની તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી રાજકોટ ગોકુલધામ વિસ્‍તારમાં રહેતા શખ્‍સે તેના મિત્ર મારફતે રૂમની વ્‍યવસ્‍થા કરી તે રૂમે લઇ જઇ તરૂણી સાથે દુષ્‍કર્મ આચર્યુ હોવાની ફરીયાદ દાખલ થતા મહિલા પોલીસે બંને શખ્‍સોને સકંજામાં લઇ લીધા છે.
મળતી વિગત મુજબ શાપરમાં રહેતી મહિલા મંગળવારે સાંજે તેની ૧૩ વર્ષની પુત્રી સાથે રાજકોટ મહિલા પોલીસ સ્‍ટેશને પહોંચી હતી અને તેની સગીર વયની પુત્રી સાથે દુષ્‍કર્મ જણાવતા મહિલા પોલીસે ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતા આકાશ દતાણી અને તેનો મિત્ર જયપાલ ચનીયારા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સગીરાની માતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ હતુ કે ગોકુલધામ આવાસ યોજના કવાર્ટસમાં રહેતો આકાશ દતાણી કામ સબબ શાપર આવતો હોઇ સગીરા સાથે તેનો પરિચય થયો હતો. આકાશે લગ્ન કરવાની લાલચ આપી તરૂણીને જાળમાં ફસાવી ગત તા.૨૪ના રોજ ગોંડલ રોડ ચોકડીએ બોલાવતા તરૂણી ત્‍યાં પહોંચી હતી ત્‍યાંથી આકાશ રીક્ષામાં તેનુ અપહરણ કરી મિત્ર જયપાલે રાખેલા એક રૂમે લઇ ગયો હતો અને ત્‍યાં તરૂણીને બે દિવસ સુધી ગોંધી રાખી તરૂણી પર દુષ્‍કર્મ આચર્યુ હતું.
આ બનાવમાં મહિલા પોલોીસ મથકના પી.એસ.આઇ. જે.જી.ચૌધરી સહિતના સ્‍ટાફે આકાશ અને જયપાલને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:34 pm IST)