Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોબાઇલમાં ઓનલાઇન થતા ફ્રોડનો ભોગ બનનાર મહિલાના રૂા.૬૯ હજાર પરત કરાવતી સાયબર ક્રાઇમ

કોઇપણ બેંક મોબાઇલ ફોન દ્વારા કે ઓનલાઇન માહિતી માંગતી નથી જયારે પણ બેંકની માહિતી આપવાની થાય તો લોકોએ બેંકમાં રૂબરૂ જઇ માહીતી મેળવવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે : ‘પેટીએમ કસ્‍ટમર કેરમાંથી બોલુ છુ' કહી મહિલા પાસે ‘એનીડીસ્‍ક' નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી ગઠીયાએ પૈસા ટ્રાન્‍ફર કરી લીધા

રાજકોટ તા. ર :.. સોશિયલ મીડીયા અને મોબાઇલમાં લોકોને અલગ અલગ રીતે લાલચ આપી છેતરવા માટે ગઠીયાઓ નતનવા કીમીયાઓ અજમાતા હોય છે. ત્‍યારે પેટીએમ કસ્‍ટમરમાંથી બોલું છું. કેવાયસી અપડેટ કરવાનું કહી ‘એનીડેસ્‍ક' નામની એપ્‍લીકેશન ડાઉન લોડ કરાવી મહિલા સાથે થયેલી છેતરપીંડી ના બનાવમાં સાયબર ક્રાઇમે ટેકનીકલ એનાલીસીસ કરી મહિલાના રૂા. ૬૯ હજાર પરત અપાવ્‍યા હતાં.

મળતી વિગત મુજબ દોઢ સોફુટ રોડ પર આવેલા ગુણાતીનગરમાં રહેતા ક્રિષ્‍નાબેન મનસુખલાલભાઇ માકડીયા (ઉ.વ.૪૪) ને થોડા દિવસ પહેલા તેના મોબાઇલ ફોનમાં એક કોલ આવ્‍યો હતો કે ‘હું પેટીએમ કસ્‍ટમર કેરમાંથી બોલું છું. તમારે કેવાયસી અપડેટ કરવુ પડશે. જો નહી કરો તો પેટીએમ એકાઉન્‍ટ બંધ થઇ જશે.' તેમ કહી ગઠીયાએ મહિલાને મોબાઇલમાં એક લીંક મોકલી પ્‍લે સ્‍ટોરમાંથી ‘એની ડેસ્‍ક' નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરાવી હતી. મહિલાએ એપ્‍લીકેશન ડાઉનલોડ કરતા કોલ કરનાર શખ્‍સનો મોબાઇલ આ મહિલાના મોબાઇલ સાથે લીંક થઇ ગયો હતો. ત્‍યારબાદ મહિલાના બેંક એકાઉન્‍ટમાંથી કટકે - કટકે કુલ રૂા. ૬૯૦૦૦ ટ્રાન્‍ફસર થયા હોવાના મહિલાના મોબાઇલ ફોનમાં મેસેજ આવ્‍યા હતાં. મહિલાએ પોતાના મોબાઇલમાં મેસેજ જોતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા તેણે તાકીદે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ થતા પીએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્‍સ. દિગ્‍વીજયસિંહ ઝાલા તથા કોન્‍સ. દિલીપભાઇ કુમરખાણીયાએ તપાસ હાથ ધરી હતી. અને મહિલાના એસબીઆઇ બેંક એકાઉન્‍ટ મેળવી ટેકનીકલ એનાલીસીસની મદદથી તપાસ કરતા મધ્‍ય પ્રદેશના જબલપુરની બેંકમાં રૂપિયા ટ્રાન્‍ફસર થયા હોવાનું માલુમ પડતા કોલ કરનારનું એકાઉન્‍ટ સીઝ કરાવી રૂા. ૬૯૦૦૦ મહિલાના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી પરત અપાવ્‍યા હતાં.

(3:42 pm IST)