Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાંસદ-ધારાસભ્‍ય રાજીનામુ આપે તો ૮ થી ૯ વર્ષ ચૂંટણી ન લડી શકે તેવી જોગવાઇ જરૂરીઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ર :.. જસદણના પૂર્વ  ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સાત ધારાસભ્‍યોએ કોસ-વોટીંગ કર્યાની વાત બહાર આવેલ છે. કયા ધારાસભ્‍યોએ ક્રોસ વોટીંગ કર્યુ છે. એ  નકકી ન થઇ શકે તો પણ ક્રોસ-વોટીંગ થયુ છે એ હકિકતે છે. કોઇના કહેવાથી કે આત્‍માના અવાજથી કર્યુ એ તો ઠાકર જાણે. કોંગ્રેસના ગદાર કહેવા પડે એવા ધારાસભ્‍યોએ પોતાના સ્‍વાર્થ ખાતર પાર્ટીના આદેશની અવગણના કરી તથા મતદારોનો દ્રોહ કરીને ભાજપના રાજયસભાના ઉમેદવારને મત આપેલા. આવા ધારાસભ્‍ય દરજજાની વ્‍યકિતમાં સિધ્‍ધાંત, નીતિ મતા, વફાદારી તેમજ લાજશરમ હોતી નથી.

આવી પ્રવૃતિ અટકાવવા માટે ચૂંટણીપંચે સરકાર કે કોઇ પ્રકારની શેહશરમ રાખ્‍યા વગર લોકશાહીનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા માટે જરૂરી અસરકારક નિર્ણયો લેવાની ખાસ જરૂર છે.

કોઇપણ પક્ષના ધારાસભ્‍ય કે સંસદ સભ્‍ય જે પક્ષમાં ચૂંટાયેલ હોય અને પાર્ટીમાંથી અધવચ્‍ચે રાજીનામું આપી બીજા પક્ષમાં જોડાય તો તેઓ ઓછામાં ઓછા ૮ કે ૯ વરસ સુધી લડી શકે નહીં તેવી જોગવાઇ થવી જોઇએ.

કોઇપણ રીતે ખાલી પડેલ જગ્‍યા માટે પેટાચૂંટણીની પ્રથા સદંતર બંધ થવી જોઇએ. અમુક સમય માટે જગ્‍યાઓ ખાલી રહે તો કાંઇ આભ ફાટી પડવાનું નથી. ઉલટાની ખર્ચમાં બચત થશે.

અમુક પ્રકારના કેસના ગુનેગારોને ચૂંટણી લડતા અટકાવવા જોઇએ કારણ કે આવા તત્‍વોનું ધારાસભા કે લોકસભામાં પ્રમાણ વધતું જાય છે.

ચૂંટણી નજીકના સમયમાં થવાની છે જેથી ભાજપ તરફથી વિકાસ યાત્રાના  નામે કે અન્‍ય રીતે મેળાવડા અને ઉત્‍સવો મારફત વિકાસના નામે બણગાં ફંકવામાં આવે છે પરંતુ સામાન્‍ય વર્ગ કે છેવાડાના માનવીને મોંઘવારીને લીધે શું દશા છે એ બાબતને યાદ કરવામાં આવતી નથી. ગમે કે ના ગમે પરંતુ વિરોધ પક્ષ પણ મજબૂત નહીં હોય તો લોકશાહી નામની જ રહેશે. લોકશાહીને બદલે સરમુખત્‍યાર શાહી (એક હથ્‍થુ શાસન)  નો ભોગ બનવું પડશે. ગમે તે પક્ષમાં જાય પણ મત તેઓના  ખીસ્‍સામાંથી નીકળતા નથી. દરેક મતદારોએ જાગૃત થવાની જરૂર છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(3:49 pm IST)