Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અનલોક-૪: માસ્ક ન પહેરાનારાઓને અને થુંકનારાને દંડવાનું પોલીસ ચાલુ જ રાખશે

૧૦૦૦ અને ૫૦૦નો દંડઃ ૩૦/૯ સુધીના જાહેરનામામાં અનેક સુચનો

રાજકોટ તા. ૨: કોરોના મહામારી અંતર્ગત ગઇકાલે અનલોક-૪ જાહેર થતાં વધુ કેટલીક છુટછાટો આપવામાં આવી છે. તે અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જાહેરમાં માસ્ક વગર નીકળનારા લોકોને રૂ. ૧૦૦૦નો દંડ અને જાહેરમાં થુંકનારાઓને રૂ. ૫૦૦નો દંડ ફટકારવાનું યથાવત રહેશે. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના અગાઉના નિયમો હતાં તેમ જ અમલમાં રહેશે. સભા, સરઘસ, સંમેલન, મેળાવડા પણ યોજી શકાશે નહિ. પરવાનગી વગર ચારથી વધુ લોકોએ ભેગા થવા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે.

આ ઉપરાંત ઉદ્યોગો સો ટકાની કેપેસીટી સાથે અને સોશિયલ ડિસ્ટન્સથી ચાલુ રાખી શકાશે. પ્રાઇવેટ ઓફિસોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલી રાખવા અને વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવા જણાવાયું છે. ફેરીયાઓને પણ નિયમોના પાલન સાથે વિસ્તારમાં ફરવા છુટ અપાઇ છે. હોટેલો, રહેવાની સગવડવાળી જગ્યાઓ, શોપીંગ મોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ-ભોજનાલયો રાતે અગિયાર સુધી ચાલુ રહેશે. પાર્સલ સુવિધામાં ટેક અવે માટે કોઇ સમય મર્યાદા હવે નથી. અન્ય દૂકાનો પણ હવે સમય મર્યાદા વગર ખુલ્લી રાખી શકાશે. યોગા અને ડાન્સ કલાસીસ, જીમ એસઓપી નિયમો મુજબ ખોલી શકાશે. બાગ-બગીચા પણ ખુલશે. આ સિવાયના અગાઉના નિયમો હતાં એ અમલી રહેશે તેમ જણાવાયું છે.

રિક્ષા, બાઇક, કાર સહિતના વાહનોમાં  અગાઉના નિયમો લાગુ પડશે. સામાજીક, રાજકીય પ્રસંગો, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય જાહેર જગ્યાઓએ ૧૦૦ માણસો સાથે ૨૧/૯ પછી આયોજન કરવાની છુટ અપાઇ છે. નિયમોનો અમલ ફરજીયાત રહેશે. લગ્ન પ્રસંગે પચાસથી વધુ એકઠા થઇ શકશે નહિ. અંતિમવિધી-દફનવિધીમાં ૨૦થી વધુએ એકઠા થવા પર પ્રતિબંધ યથાવત રહ્યો છે.

(2:58 pm IST)