Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના યોધ્ધા ડો. શાહિન માટે રાષ્ટ્રહિત સર્વોપરી : ૬ મહિનાની સગર્ભા અવસ્થા છતાં દર્દીઓની સમર્પિત ભાવે સેવા

રાજકોટ તા. ૨ : તંદુરસ્ત બાળકના જન્મ માટે સગર્ભાવસ્થા દરમિયાન સવિશેષ કાળજી રાખવાની હોય છે. ત્યારે હાલના પ્રવર્તમાન કોરોના સંક્રમણના કપરાકાળમાંઙ્ગ માત્ર રાષ્ટ્રહિત અને પોતાના તબીબી વ્યવસાયને અગ્રિમતા આપી સકારાત્મક અભિગમ કેળવીને પોતાના પરિવારથી અંતર બનાવી રાખીને અનેક લોકોને કોરોના મુકત કરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતા આરોગ્ય કર્મીએ એવા ડો. શાહિન અઘામ કોરોના યોધ્ધા બનીને ફરજ નિભાવી રહ્યા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, ૬ મહિનાની પ્રેગનેન્સી હોવા છતાં લોધિકા તાલુકા ખાતે ધન્વંતરી રથમાં ફરજ અદા કરીને લોકોની સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. ત્યારે ડો. શાહિનના કોરોના યોધ્ધા અને માતૃશકિતના હોંસલાએ અન્યો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું છે.

ડો. શાહિને આ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'લોકોના આરોગ્યની તપાસ માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સતત ફિલ્ડમાં રહેવાનું હોય છે. લોકોને માનસિક સઘિયારો પૂરો પાડીને તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે ઘરે ત્રણ વર્ષની દિકરી હોવાથી ફરજ પૂર્ણ કરીને પરત ફરૂ તો ખાસ ધ્યાન રાખવું પડે છે.'

રાષ્ટ્રહિત એ સર્વોપરી છે તેમ જણાવતાં ડો. શાહીન વધુમાં જણાવે છે કે, 'કપરા કાળમાં લોકોને સેવા કરવાથી જે આત્મસંતોષ અને ખુશીની લાગણી અનુભવી રહી છું તે અવર્ણનીયઙ્ગ છે. તેમજ આવનાર બાળક માટે પોષણયુકત આહારનું સેવન કરી રહી છું. સાથો સાથ ધન્વંતરી રથની કામગીરી દરમિયાન શારિરીક ઉર્જા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખી રહી છું.'

અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ઓગસ્ટ મહિના દરમિયાન ૧૧,૧૦૨ લોકોના આરોગ્યની ઘરઆંગણે જઇને તપાસ કરવામાં આવી છે. જેમાંથી ડાયાબીટીઝના ૨૭૪ તથા બી.પી.ના ૩૨૨ દર્દીઓની ખાસ તપાસ કરી તેઓને જરૂરી દવાઓ અને સારવાર અપાઇ છે. તેમજ રોગ પ્રતિકારકશકિત માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે.ઙ્ગ

ડો. શાહિન અઘામ જેવા સમર્પીત તબીબો કાર્યરત હોવાથી આપણો દેશ કોરોનાને ચોકકસ પણે મહાત આપી જીતશે તેમાં બેમત નથી.

(3:07 pm IST)