Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાહુલ-પ્રિયંકાની ધરપકડ કરી યુ.પી. સરકારે કાયરતાનો પરિચય આપ્યો

રાહુલને ઘક્કો મારી પછાડી દેવાયાની ઘટનાના ઘેરા પડઘા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિરોધ પ્રદર્શનો : યોગી આદિત્યનાથ વિરૂધ્ધ સુત્રોચ્ચાર : પુતળાનું દહન

રાજકોટ, તા. ર :  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ અને રાહુલને ધક્કો મારી પછાડી દેવાની ઘટનામાં દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ આ ઘટનાના વિરોધમાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ વ્યકત કરી સુત્રોચ્ચારો સાથે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેની સંકલન વિગતો અહીં પ્રસ્તુત છે.

કેન્દ્રમાં ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ નિવડી છે. તેવામાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર કાયદો-વ્યવસ્થા અને ન્યાયની  બાબતે લીરે-લીરા ઉડાડી રહી છે. હાલમાં હાથરસમાં રર વર્ષીય યુવતી સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેમનો મૃતદેહ પણ પરિવાર આપ્યા વિના નિકાલ કરી ઉત્તર પ્રદેશ પોલીસે અમાનવીય કૃત્ય કર્યુ છે. આ બાબતે પીડીતાના પરિવારને સાંત્વના આપવા તથા ન્યાય મળે તે માટે મળવા જઇ રહેલા આદરણીય વાયનાડ સાંસદ શ્રી રાહુલ ગાંધી તથા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રભારી શ્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તર પ્રદેશ સરકારનાં ઇશારે પોલીસ તથા વહીવટી તંત્રે દમનકારી વલણ અપનાવી રોકયા તેમજ લાઠીચાર્જ કરી રાહુલજીને ધકકામુકી કરી ઇજા કરાતાં આ ઘટનાને કચ્છ જીલ્લા કોંગ્રેસ સખ્ત શબ્દોમાં વખોડે છે.

ઉપરાંત આ ઘટનાનાં પ્રત્યાઘાત રૂપે જયુબીલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે દમનકારી ઉતર પ્રદેશની ભાજપ સરકારનાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથના પોસ્ટરનું દહન કરી વિરોધ વ્યકત કર્યો હતો. તે સમયે કોંગ્રેસનાં  આગેવાનો - કાર્યકરોએ રાહુલજી-પ્રિયંકાજીની ધરપકડના વિરોધમાં નારેબાજી કરી ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીના પોસ્ટરનું દહન કરતાં મામલો તંગ બન્યો હતો. પોલીસે કોંગી આગેવાનો પર બળ પ્રયોગ કરતાં કાર્યકરો વધુ ઉગ્ર બન્યા હતા આ દરમ્યાન પોલીસે રવીન્દ્ર ત્રવાડી, રફીક મારા, દિપક ડાંગર, ઇલીયાસ ઘાંચી, રામદેવસિંહ જાડેજા, હાસમભાઇ સમા, અંજલી ગોર, રજાકભાઇ ચાકી, ધીરજ રૂપાણી, આકીબ સમા, સતાર મોખા, કિશન પટણી, સહેઝાદ સમા, ઇમરાન બ્રેર, વસીમ સમા, અકીલ મેમણ, શબીર નોડે વિગેરે ૧૬ જેટલા આગેવાનોની ધરપકડ કરાઇ હતી.

શાંતિપૂર્ણ રીતે ન્યાયની માંગણી કરનાર આગેવાનોની ધરપકડને કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ગનીભાઇ, કુંભાર, નિલય ગોસ્વામી, મુસ્તાકભાઇ હિંગોરજા વિગેરે વખોડી હતી. એવું કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ગનીભાઇ કુંભારની યાદીમાં જણાવવાયું હતું.

યુ.પી.માં દલિતની દીકરી પર બળાત્કાર અને તેના પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના કોંગ્રેસીકાર્યકરોના કાફલા સામે યુ.પી.પોલીસે કરેલી અટકાયત અને તે પૂર્વે કરેલા દમનના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા યુપી સરકાર અને પોલીસ સામે રોષભેર પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો . જામનગરના લાલબંગલા સર્કલમાં સાંજે મહાનગર પાલિકાના વિપક્ષીનેતા , કોંગેસી કોર્પોરેટરો અને કાર્યકરોએ યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા ફાડી પૂતળાદહન કરી યુ.પી.પોલીસની કામગીરી સામે વિરોધ વ્યકત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.પીડિતના પરિવારને કોંગ્રેસના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી મળવા જઇ રહ્યા હતા ત્યારે જ , તેને ગ્રેટર નોઈડા પોલીસે અટકાવી યમુના એકસપ્રેસ વે પર કોંગ્રેસના બંને નેતાઓની ધરપકડ કરી હતી. રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે પોલીસે લાકડીઓ વડે તેમની હત્યા કરી હતી. જયાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોકી દેવામાં આવ્યા હતા આ વેળાએ પોલીસ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચેના ઘટનાક્રમના જામનગરમાં પણ જોવા મળ્યા હતા.

(11:32 am IST)