Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતોના સીમાંકન-રોટેશનમાં નવો કોઇ ફેરફાર નહિં: ૯મીએ મતદાર યાદીની પ્રસિધ્ધી

વાંધા-સૂચનો ટકયા નહિઃ ચૂંટણી પંચ દ્વારા આખરી આદેશ જાહેર

રાજકોટ તા. રઃ રાજય ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના સીમાંકન બાબતે આખરી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. રોટેશન મુજબ બેઠકો પણ ફાળવી દેવામાં આવી છે. પ્રાથમિક આદેશ વખતના સીમાંકન અને રોટેશનની સ્થિતિ આખરી આદેશમાં યથાવત રહી છે. કેટલાક પક્ષો અને રાજકીય પ્રતિનિધિઓએ વાંધા-સૂચનો આપેલ. તે લગભગ ગ્રાહ્ય રહ્યા નથી. હવે પછીનાં તબકકો મતદાર યાદી પ્રસિધ્ધીનો છે. પ્રાથમિક યાદી તા. ૯મીએ પ્રસિધ્ધ થશે.રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો યથાવત રહી છે. જેમાંથી ૧૮ બેઠકો મહિલા અનામત રહેશે. કુલ ૩૬ પૈકી ૪ બેઠકો અનૂસૂચિત જાતિ માટે ૧ બેઠક આદિજાતિ માટે (સરપદડ), ૪ બેઠકો સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત છે. આ ૯ અનામત બેઠકોમાં ૪ બેઠકો મહિલા અનામત છે. કુલ ૧૩ બેઠકો બીન અનામત છે.

તા. ૧-૧-ર૦ર૦ની સ્થિતિએ રાજય વિધાનસભાની આખરી મતદાર યાદી મુજબની તાલુકા-જિલ્લા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી ૯ ઓકટોબરે જાહેર થશે. તેની સામે તા. ૧૪ સુધીમાં મતદારો પોતાના દાવા રજુ કરી શકશે. તા. ર૧મીએ રજુ થયેલ દાવાઓની ચકાસણી અને નિકાલ થશે. તા. ર૩મીએ મતદાર મંડળોની ફોટાવાળી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તારીખ પહેલાની તારીખ (પૂર્વ દિન) સુધી મતદાર યાદીમાં લાયકાત મુજબ નવા નામ દાખલ કરી શકશે કે સુધારો કરી શકાશે.

(11:32 am IST)