Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળી-નૂતનવર્ષના તહેવારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના ગોપીનાથજી અને રાધાજી રાજકોટમાં બનેલા સોના-ચાંદીના વસ્ત્રો-આભુષણો ધારણ કરશે

૧૦ કિલો ચાંદી અને ૫૦ ગ્રામ સોનાનો ઉપયોગ કરીને ૧૬ કારીગરો અને વેપારીએ વસ્ત્રો-આભુષણ બનાવ્યા : સોની વેપારી કિરીટભાઇ પાટડીયા

રાજકોટ,તા. ૨ : દિવાળી- નૂતનવર્ષના તહેવારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના ગોપીનાથજી અને રાધાજી રાજકોટમાં બનેલા સોના-ચાંદીના વસ્ત્રો- આભૂષણો ધારણ કરશે. ભગવાનને અર્પણ કરવાના વસ્ત્રો- મુગટ, કડા, બાજુબંધ, નૂપુર, જામાની ડિઝાઈનથી લઇને તેનું નકશીકામ વગેરે રાજકોટના ૧૬ કારીગર અને વેપારીઓએ તૈયાર કર્યા છે. જે વસ્ત્ર બન્યા છે એમાં ૧૦ કિલો ચાંદી અને ૫૦ ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.

જેમને આ વસ્ત્રો- આભૂષણ તૈયાર કર્યા છે એ સોની વેપારી કિરીટભાઈ પાટડિયા જણાવે છે કે, આ સમગ્ર વસ્ત્ર આભૂષણ માટે રાજકોટમાં ખાસ ઓર્ડર દેવામાં આવ્યો છે. આ આભૂષણમાં જડતર, નકશીકામનો સમાવેશ થાય છે. આ વસ્ત્રો-આભૂષણોની વિશેષતા એ છે કે તેમાં કયાંય પણ મશીનનો ઉપયોગ નથી થયો. આખી શોભા સંપૂર્ણપણે હાથ બનાવટથી જ તૈયાર થઈ છે. આ ઓર્ડર મળ્યા બાદ સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે એ સંપૂર્ણ પણે મૌલિક છે.

રાજકોટમાં ભૂતકાળમાં સોમનાથ, કેદારનાથ, નાથદ્વારા, દ્વારકા, જૂનાગઢ, અંબાજી, તિરુપતિ સહિતના મંદિરના ભગવાનના આભૂષણો, વસ્ત્રો, છતર વગેરે અહીં બન્યા છે .અહીં તમામ કલા-કારીગરી ધરાવતા વેપારી અને કારીગરો છે. આ સિવાય રાજકોટ એ દરેક સેકટરનું હબ છે એટલે બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે. ખાસ તો અહીંના નકશીકામ, જડતર વિશ્વભરમાં જાણીતું છે તેમ સોની વેપારી પ્રશાંતભાઈ પાટડિયા જણાવે છે.

રાજકોટના ચાંદીના વેપારી મનસુખલાલ કંસારાએ ૫ કિલો ચાંદીમાંથી ચેતક ઘોડાનો શણગાર તૈયાર કર્યો છે.આ ઓર્ડર તેને રાજસ્થાનથી મળ્યો હતો. જેને તૈયાર કરતા એક મહિનાનો સમય લાગ્યો હતો. તેમજ ૧૦થી વધુ કારીગરોએ આ માટે જહેમત ઉઠાવી હતી. ઘોડાના શણગારમાં મુગટવાળો મુખારવિંદ, પગના કડા વગેરે તૈયાર કરવામાં આવ્યા છે.

(11:39 am IST)